ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે કરેલા વિનાશક અકસ્માતના ઘેરા પડઘા ગુજરાતમાં એવા પડ્યા છે કે, હવે ખુદ પોલીસને પણ ટ્રાફિકના કાયદા તેમજ નિયમોનું સંપૂર્ણ ચુસ્તપણે પાલન કરવાના આદેશ રાજ્યના પોલીસવડા વિકાસ સહાયે આપી દીધા છે. રાજ્યના પોલીસવડાએ કેટલાક નિયમોનું પાલન નહીં કરતા પોલીસ કર્મચારીઓ કડક શબ્દોમાં પરિપત્ર દ્વારા ચેતવણી આપી છે કે, પહેલા ટ્રાફિકના નિયમો મામલે પોલીસ સુધરી જાય બાદમાં લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવો. પોલીસ કર્મચારીઓને કોઈ કાયદો લાગુ પડતો નથી તેવુ વિચારીને તે ટ્રાફિકના તમામ નિયમોનો ભંગ કરી રહ્યા છે. જેના કારણે હવે પોલીસ ખુદ પોલીસ વિરૂદ્ધ કાર્યવાહી કરે તેવી સ્થિતિ સર્જાઇ છે. પોલીસ કર્મચારીઓની કારમાં બ્લેક ફિલ્મ હશે તો ઉચ્ચ અધિકારી કાર્યવાહી કરશે, આ સિવાય પોલીસ કર્મચારીઓને ફરજિયાત હેલ્મેટ તેમજ સીટ બેલ્ટ બાંધવાના પણ આદેશ આપી દેવાયા છે.
રાજ્યના તમામ શહેર-જિલ્લામાં પરિપત્ર લાગૂ કરાયો
રાજ્યના પોલીસવડા વિકાસ સહાયે પરિપત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, તમામ શહેર, જિલ્લા તેમજ વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા કેટલાક પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. જ્યારે કોઈ પોલીસનો કર્મચારી યુનિફોર્મ પહેરીને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરે તો તેની વિપરીત અસર લોકો ઉપર પડતી હોય છે, જેના કારણે પોલીસની છબિ ખરડાઇ છે. પોલીસની ટ્રાફિકના નિયમો તોડવાની નીતિના ઘેરા પ્રત્યાઘાત પડતા હોય છે અને વાહનચલાકો પણ નિયમોની ઐસીતૈસી કરતા હોય છે.
ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી નહીં શકે
અમદાવાદ સહિત રાજ્યના તમામ શહેરો અને જિલ્લાઓમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વધતી જાય છે, જેના કારણે અકસ્માતની ઘટનાઓ પણ બને છે. આવી સ્થિતિમાં જો પોલીસ કર્મચારીઓ ટ્રાફિકના નિયમોનું પાલન કરે તો કામગીરી સરળ બની શકે છે. આજથી જો કોઇ પોલીસ કર્મચારીઓ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેમના વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે.
પોલીસ કર્મચારીઓની કારની બ્લેક ફિલ્મ ઉતરી જશે
આરોપીઓને પકડવા માટે પોલીસ નંબર પ્લેટ વગરની કાર તેમજ બ્લેક ફિલ્મવાળી કારનો ઉપયોગ કરતા હોય છે. મોટાભાગના પોલીસ કર્મચારીઓ પાસે જે કાર હોય છે તેમાં બ્લેક ફિલ્મ લગાવેલી હોય છે. આજ દિવસ સુધી પોલીસ કર્મચારીના કાર પર લાગેલી બ્લેક ફિલ્મ ઉતરી નથી પરંતુ હવે તે શક્ય બની જશે. રાજ્યના પોલીસવડાએ કરેલા આદેશ બાદ પોલીસની કાર પરથી બ્લેક ફિલ્મ હટી જશે. ક્રાઈમ બ્રાંચ, એટીએસ, એસઓજી સહિતની પોલીસની એજન્સીઓમાં મોટાભાગના પોલીસ કર્મચારીઓ બ્લેક ફિલ્મવાળી કારનો ઉપયોગ કરે છે. જોકે, હવે ફરજિયાત પોલીસ કર્મચારીઓને પણ હવે બ્લેક ફિલ્મ કાઢી નાખવી પડશે.
પરિપત્રમાં પોલીસ કર્મચારીઓએ પાલન કરવાના નિયમો
- પોલીસ અધિકારી અને કર્મચારીઓએ પોતે જ્યારે યુનિફોર્મમાં ફરજ ઉપર જતા હોય ત્યારે ટુ-વ્હિલ૨ ઉપ૨ ત્રણ સવારીમાં નહી જવા સુચના છે. તેઓ જ્યારે યુનિફોર્મમાં ફરજ ઉપર ટુ-વ્હિલર લઈને જતા હોય ત્યારે હેલ્મેટ પહેરીને જ ડ્રાઇવિંગ કરવા સુચના છે. જેથી જાહેર જનતામાં તે બાબતે હકારાત્મક છબિ ઉદભવશે.
- પોલીસ અધિકારી અને કર્મચારીઓએ પોતે જ્યારે યુનિફોર્મમાં હોય ત્યારે યુનિફોર્મની ગરીમા જળવાઇ તે રીતે ફરજ બજાવવી જોઇએ. જ્યારે યુનિફોર્મમાં ફોર-વ્હિલર લઈને જતા હોય ત્યારે હંમેશા સીટ બેલ્ટ લગાવવો જોઇએ.
- પોલીસ અધિકારી અને કર્મચારીઓએ પોતાના ફોર વ્હીલરમાં લગાડેલ બ્લેક ફિલ્મ (કાળાકલરની પટ્ટી) હોય તો તુરંત જ કાઢી નાંખવી અને આ બાબતે સુપરવિઝન અધિકારીઓ પોતાની હેઠળ ફરજ બજાવતા અધિકારી, કર્મચારીઓના ફોરવ્હિલરમાં બ્લેક ફિલ્મ લગાડેલ હોય તો તેઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવી.
- કેટલાંક ટુ-વ્હિલ૨ અને ફોર-વ્હિલરમાં P, Police, કે રાષ્ટ્રીય ચિન્હ લોગોવાળી નેઇમ પ્લેટો લગાવેલી હોય છે, જે ન હોવી જોઇએ. પોતાના વાહનોની આગળ પાછળ આ પ્રકા૨ના લખાણ લખેલા ન હોવા જોઇએ અને જો હોય તો તુરંત જ તેને દૂર કરી દેવા અને સુપરવિઝન અધિકારીઓએ આ બાબતે મોનિટરિંગ કરી પરીણામલક્ષી કામગીરી કરાવવી.
- ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા પોલીસ અધિકારી, કર્મચારીઓ માટે પોલીસ લાઇન, પોલીસ સ્ટેશન તેમજ પોલીસ ખાતાની કચેરીઓની બહાર પણ ટ્રાફિક ડ્રાઇવનું સરપ્રાઇઝ અને ઇફેક્ટીવ આયોજન કરવું.
- ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા અધિકારી, કર્મચારીઓએ પોતાની ફ૨જવાળી જગ્યાએ ફ૨જ દરમિયાન જાહેર જનતામાં ટ્રાફિકના નિયમો બાબતેની સ્પેશિયલ ડ્રાઇવ રાખવી જોઇએ. ઉપરાંત ડ્રાઇવ દ૨મિયાન જાહેર જનતામાં ટ્રાફિકની જાગૃત્તિ લાવવા ટ્રાફિક પોલીસે કાર્યવાહી કરવી જોઇએ.
- ટ્રાફિકના કર્મચારીઓને ટ્રાફિકની ફરજ દરમિયાન બોડી વોર્ન કેમેરા સાથે ફરજ બજાવવી જોઇએ અને આ બાબતે સુપરવિઝન અધિકારીએ ટ્રાફિક કર્મચારીઓ પાલન કરે તેનું મોનિટરિંગ કરવું જોઇએ.
- ટ્રાફિકના કર્મચારીઓએ ટ્રાફિકની ફરજ દરમિયાન લાઇટ બેટન તથા બોડી રિફ્લેક્ટર અવશ્ય પહેરવાના રહેશે. આ બાબતે સુપવિઝન અધિકારીએ ટ્રાફિક કર્મચારીઓ પાલન કરે તેનું મોનિટરિંગ કરવું જોઇએ.
- ટ્રાફિકના અધિકારી/કર્મચારીઓની સાથેના મદદરૂપ થતા ટ્રાફિક બ્રિગેડના કર્મચારીઓએ અને હોમગાર્ડના જવાનોએ ટ્રાફિક નિયમનની કામગીરી જ્યારે જ્યારે કરવાની થાય ત્યારે બોડી રિફ્લેક્ટર સાથે ફરજ બજાવવાની રહેશે.
- આપના કાર્યક્ષેત્રમાં કોઈ પણ પોલીસ અધિકારી, કર્મચારી ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા જણાઇ આવશે તો સુપરવાઇઝરી અધિકારીના નબળા સુપરવિઝન અંગે અત્રેથી ગંભીર નોંધ તેવામાં આવશે. જે ધ્યાને લેવા ખાસ સૂચના છે.
- પોલીસ સ્ટેશનો ખાતે પણ આ બાબતે થાણા અધિકારી દ્વારા સતત ત્રણ દિવસ સુધી રોલકોલમાં તમામ પોલીસ અધિકારી,કર્મચારીઓ સૂચના આપવામાં આવે તેમજ ઉપરોક્ત બાબતોથી તમામને અવગત કરવામાં આવે તે સુનિશ્ચિત કરવું. તમામ સુપરવાઇઝરી અધિકારીઓને પોલીસ સ્ટેશન ખાતે રોલકોલમાં હાજર રહી, ઉપરોક્ત સૂચનાઓના અમલીકરણ અંગે યોગ્ય કાર્યવાહી કરવી
- પોલીસ અધિકારીઓ/કર્મચારીઓ ઉપરોકત ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરે તે આ સુપરવાઇઝરી અધિકારીઓએ મોનિટરિંગ કરવું, આ ઉપરાંત જાહેર જનતા પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરે તો તે જાહેર જનતા વિરૂદ્ધ પણ મોટર વાહન અધિનિયમ મુજબ કાર્યવાહી કરાવવા તેમજ જન જાગૃતિ લાવવા સારૂ દરેક માસમાં સમયાંતરે ખાસ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવા સૂચના છે. આ બાબતે તમારા તાબા હેઠળના સંબંધિત SHO, SDPO, ACP,DCPને જરૂરી સૂચનાઓ અપાઇ જવા સૂચના છે.