જેતપુરના વિરપુર નજીકના સેલુકા-થોરાળા ગામની સીમમાં થતી મસમોટી ખનીજ ચોરી.. તંત્ર બેધ્યાન !
વરાહા ઇન્ફ્રા કંપનીના કર્મચારી નાથુસીંગએ જણાવ્યું જતું અમને આ સેલુકા ગામની સીમમાં માટી કાઢવા માટે જેતપુર મામલતદાર અને તેમના કર્મચારીઓએ જગ્યા બતાવી હતી કે અહીંથી માટી કાઢવી… શું મામલતદારે અન્ય જગ્યા બતાવી કે કેમ???
મામલો સળગ્યો એટલે હવે કોઈ જવાબદારી લેવા તૈયાર નથી : તલાટી, વર્તમાન સરપંચ કફોડી હાલતમાં : બચવા હવાતિયા શરુ
જેતપુર, તા. ૨૭: જેતપુર તાલુકાના વીરપુર પંથકમાં થતી બેફામ ખનીજ ચોરીનો મામલો હવે પ્રજા વચ્ચે અને મીડિયા સુધી પહોચી જતા જવાબદારો અને કસુરવારો પગ તળેથી ધરતી સરકવા લાગી છે. ટાઢોડામાં ધગ ધગતા પાણીનો રેલો પણ આવવાની શક્યતા નકારી શકાતી નથી.
પ્રાપ્ત વિગતો મુજબ છેલ્લા કેટલાય સમયથી રાજકોટ જેતપુર સિક્સલેન હાઇવેનું કામ ચાલુ છે, નેશનલ હાઈવેને ફોરલેનમાંથી સિક્સલેન બનાવવા માટે રોડ કામમાં ભરતી ભરવા માટે અનેક જગ્યાએથી માટી ઉપાડવામાં આવે છે. યાત્રાધામ વીરપુર પાસે આ સિક્સલેન માટે માટી ઉપાડવા માટે મસમોટું કૌભાંડ સામે આવ્યું છે.
વીરપુર પાસે આવેલા સેલુકા અને થોરાળા ગામની સીમમાથી રોડ કૉન્ટ્રાક્ટરો દ્વારા ખનીજ ચોરી કરવામાં આવે છે, વરાહા ઇન્ફ્રા લિમિટેડ નામની કંપનીએ આ રોડ માટે માટી ઉપાડવાનું કામ રાખવામાં આવ્યું છે.જેમને ખાણ ખનીજ વિભાગની લિઝની મંજુરી થોરાળા ગામના વિસ્તારમાં ચેક ડેમ સર્વેનં.175ની એક એકર જમીન માંથી માટી કાઢવાની લીધી છે.
જ્યારે આ કંપનીના કૉન્ટ્રાક્ટરો દ્વારા ગેરકાયદેસર સેલુકા ગામની સીમ વિસ્તારની બીજી અન્ય ગૌચરણની જમીન પાંચ એકર જેટલી અને ધાર અને ડુંગરામાંથી ખનીજ ચોરી કરી રહ્યા છે, ત્યારે જાગૃત નાગરિકો દ્રારા આ ગેરકાયદેસર ખનીજ ચોરી અટકાવીને પ્રકૃતિને અને કુદરતી સંપત્તિને નુકશાન ન થાય એ માટે ખનીજ વિભાગ અને તંત્ર દ્વારા આ કંપની ઉપર કાયદેસરની કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠી છે.
થોરાળાના તલાટી મંત્રીએ શું કહ્યું ?
આ બાબતે થોરાળા ગામના તલાટી મંત્રી રાજેશ મેહતાને પૂછતા તેમણે જણાવ્યું હતું કે થોરાળા ગ્રામપંચાયતમાં આ બાબતે કોઈ પણ પ્રકારનો ઠરાવ કે મંજૂરી આપવામાં નથી આવી.
થોરાળાના વર્તમાન સરપંચે હાથ કર્યા ઊંચા ?
થોરાળા ગામના સરપંચ હસુભાઈ ટીમબડીયાને પૂછતા તેમણે જણાવ્યું હતું કે પુર્વ સરપંચ એ.કે.પટેલે મારી પાસે ઠરાવ કર્યા વગર જ લેટર પેડમાં બારોબાર લેટરપેડમાં મંજૂરી બાબતે લખાવી લીધેલ છે.
આ બાબતે સેલુકાના તલાટી મંત્રી સેજલબેન ગોંડલીયાને પૂછતા તેમણે જણાવ્યું હતું કે સેલુકા ગ્રામપંચાયતમાં પણ આવી મંજૂરી માટે કોઈ પ્રકારનો ઠરાવ કરવામાં આવ્યો નથી અને આવી કોઈ માટી ઉપાડવાની મંજૂરી પણ આપવામાં આવી નથી. જ્યારે સેલુકા ગામના વહીવટદારએ જણાવ્યું હતું કે આ બાબતે મામલતદારને જાણ કરવામાં આવી છે રોડ કૉન્ટ્રાક્ટરો દ્વારા કોઈપણ પ્રકારની મંજૂરી વગર સેલુકા ગામની સીમ માંથી માટી ખોદકામ કરી ખનીજ ચોરી કરી રહ્યા
મામલતદારની તપાસની ખાતરી
આ બાબતે જેતપુર ગ્રામ્ય મામલતદાર અંટાળાને પૂછતા તેમણે જણાવ્યું કે વરાહા ઇન્ફ્રા કંપનીને માટી ઉપાડવાની મંજૂરી સિવાયના જો એ બીજા વિસ્તારમાંથી માટી ઉપાડતા હશે તો તપાસ કરીશું.
માટી ખોદતી કંપનીના કર્મચારીએ શું કીધું ?
વરાહા ઇન્ફ્રા કંપનીના કર્મચારી નાથુસીંગએ જણાવ્યું જતું અમને આ સેલુકા ગામની સીમમાં માટી કાઢવા માટે જેતપુર મામલતદાર અને તેમના કર્મચારીઓએ જગ્યા બતાવી હતી કે અહીંથી માટી કાઢવી.ત્યારે સવાલ એ થાય કે જેતપુર મામલતદાર પણ આ બાબતોથી અજાણ છે કે મંજૂરી કોઈ ઓર જગ્યાની અને માટી કાઢવાની પણ બીજી જગયાએથી….. શુ જેતપુર ગ્રામ્ય મામલતદારની પણ આ ખનીજ ચોરીમાં મિલિભગત છે??
સેલુકા ગામની સીમમાં આવેલ ગૌચરની જમીન માથી ખનીજ ચોરી કરતા અટકાવવા ગયેલા ચાર થી પાંચ માલધારીઓને ખોટા કેશમાં ફિટ કરીને જેલ હવાલે પણ કરવામાં આવ્યા હતા એ ઘટના બાદ સમગ્ર માલધારી સમાજ પણ રોષે ભરાઈને ગૌચરમાં થતી આ ખનીજ ચોરી અટકાવવા ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચર્ચાઓ જાગી છે.
– અહેવાલ: ગૌરવ ગાજીપરા,વીરપુર (જલારામ)