News Updates
RAJKOT

રાજકોટમાં થશે મુંબઇની ટેક્નોલોજીનો ઉપયોગ:કિસાનપરાથી મહિલા કોલેજ, બાલાજી હોલથી ધોળકિયા સ્કૂલ સુધી ‘વ્હાઇટ ટોપિંગ’ થશે; રસ્તા પર પાણી ભરાવા સહિતની સમસ્યા ઉકેલાશે

Spread the love

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મુખ્ય માર્ગોને ‘વ્હાઇટ ટોપિંગ’ ટેક્નોલોજી વડે ટકાઉ બનાવવા કવાયત હાથ ધરવામાં આવી છે. જેમાં રાજકોટ શહેરના કિસાનપરા ચોકથી મહિલા કોલેજ અંડરપાસ સુધીના મુખ્ય માર્ગ પર બંને બાજુ કાલાવડ રોડ ઉપર, તેમજ બાલાજી હોલથી આવાસ યોજના સુધી ધોળકીયા સ્કૂલવાળા રોડ ઉપર અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરી ‘વ્હાઇટ ટોપિંગ’ કરવામાં આવનાર છે. જેનાંથી રસ્તાની આવરદા ઘણી વધી જશે અને પાણી ભરાવા સહિતની સમસ્યાઓથી કાયમી છુટકારો મળશે. તાજેતરમાં રજૂ થયેલા બજેટમાં આ માટે રૂ.3.5 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા ખાસ સેલની રચના કરવામાં આવી છે. ભવિષ્યમાં શહેરનાં તમામ મુખ્ય રસ્તાઓને પણ આ ટેક્નોલોજીથી તૈયાર કરવામાં આવશે.

ડામર રોડ કરતા વધારે ખર્ચ થાય
રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, મુંબઇ, પૂના, બેંગલોર જેવા શહેરોમાં રસ્તાના લાંબા આયુષ્ય માટે ખાસ પ્રકારની વ્હાઇટ ટોપિંગ ટેક્નોલોજીનો ઉપયોગ થઇ રહ્યો છે. આ પદ્ધતિમાં ડામર રોડ ઉપર સિમેન્ટ અને ખાસ પ્રકારના કેમિકલનું મિશ્રણ કરીને તૈયાર કરવામાં આવે છે. તૈયાર કરાયેલા આ દ્રાવણથી લેયર પાથરવામાં આવે છે. આ રીતે તૈયાર કરાયેલા રસ્તાને કારણે વરસાદી પાણીમાં ઘોવાણ થતું નથી અને તેની સુરક્ષા મજબુત થાય છે. આ પદ્ધતિથી તૈયાર કરાયેલા રોડ માટે સિમેન્ટ રોડ કરતા ત્રીજા ભાગનો અને ડામર રોડ કરતા વધારે ખર્ચ થાય છે.

વ્હાઇટ ટોપિંગ કરવાથી રોડની આવરદા 10 વર્ષથી વધુની
વધુમાં તેમણે જણાવ્યું કે, પ્રતિ ચોરસ મીટર 1000 રૂપિયા જેટલો ખર્ચ આ માટે થાય છે, પરંતુ તેની સામે રસ્તાને 10 વર્ષ કંઇ થતું નથી. જેના કારણે સરવાળે બચત થાય છે અને પાણી ભરાઈ જવા જેવી સમસ્યા કાયમી દૂર થાય છે. જોકે આ પ્રકારનો રસ્તો બનાવતા પહેલા ભૂગર્ભ સહિતના અન્ય તમામ કામ પૂર્ણ કરવા ફરજિયાત છે. કારણ કે, આ રસ્તો તોડવામાં આવે તો આખો ફરીથી બનાવવો પડે છે. ડામર રોડ કે સિમેન્ટ રોડની માફક તેમાં સાંધા કરી શકાતા નથી. આ સિસ્ટમ દ્વારા બનતા રોડને વરસાદી પાણી કે અન્ય સિઝનમાં વાતાવરણની કોઇ અસર થતી નથી. ડામર રોડ પર વ્હાઇટ ટોપિંગ કરવાના કારણે રોડની આવરદા પણ 10 વર્ષથી વધુની રહે છે. જો પાયલોટ પ્રોજેક્ટ સફળ રહેશે તો શહેરના અલગ-અલગ વિસ્તારમાં ડામર પર વ્હાઇટ ટોપિંગ કરવામાં આવશે.

ફીઝીબીલીટી સરવે, કોસ્ટ એનાલિસિસ, ફન્ડીંગ, અમલીકરણ
હાલ આ માટે ખાસ ‘વ્હાઇટ ટોપિંગ સેલ’ ઉભું કરવામાં આવનાર છે. જેના દ્વારા ભવિષ્યમાં રાજકોટનાં તમામ મુખ્ય માર્ગોની આવરદામાં વધારો થાય, રાહદારીઓને રસ્તા પર વરસાદી ઋતુ દરમિયાન થતા ખાડાની સમસ્યામાંથી લાંબા ગાળાની રાહત મળે અને હાલાકીમાં ઘટાડો થાય તે માટે જરૂરિયાત મુજબ આ ટેક્નોલોજીથી તબક્કાવાર તમામ મુખ્ય જાહેર માર્ગો ઉપર ‘વ્હાઇટ ટોપિંગ’ કરવા માટે ફીઝીબીલીટી સરવે, કોસ્ટ એનાલિસિસ, ફન્ડીંગ તથા અમલીકરણ સહિતની કામગીરી કરવામાં આવશે. હાલ કિસાનપરાથી મહિલા કોલેજ અને બાલાજી હોલથી લઈ ધોળકિયા સ્કૂલ સુધી વ્હાઇટ ટોપિંગ થશે.

આગામી સમયમાં મુખ્ય 48 માર્ગો પર આ ટેક્નોલોજીનો ઉપયોગ થશે
ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબર 2021માં મનપા ઇજનેર વાય.કે ગોસ્વામી આ ટેક્નોલોજીની મદદથી તૈયાર થયેલા રસ્તાના અભ્યાસ માટે મુંબઇ અને પુના ગયા હતા. ત્યારે આ રસ્તાનું કામ થોડું ખર્ચાળ હોવાનું સામે આવ્યું હતું. જેના 15 મહિના બાદ નવી પદ્ધતિથી રોડ બનાવવા અંગે પ્રથમ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. આ પ્રયોગમાં સફળતા મળતા વધુ બે રસ્તાઓ પર પણ મહાનગરી મુંબઇ જેવા વેધરપ્રૂફ અને ટકાઉ વ્હાઇટ ટોપિંગ સિસ્ટમનો ઉપયોગ જારવામાં આવનાર છે. જો આ કામગીરી સફળ રહેશે તો આગામી સમયમાં મુખ્ય 48 માર્ગો પર આ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.


Spread the love

Related posts

રાજકોટ ST બસમાં મુસાફરી કરતા પહેલા સાવધાન:ગઠિયાઓ ગણતરીની સેકન્ડમાં મોબાઈલ ચોરી જાય છે, સીસીટીવીનાં આધારે પોલીસે એક આરોપીને ઝડપ્યો

Team News Updates

રાજસ્થાનના ડેપ્યુટી CM રાજકોટના પ્રવાસે:લોકસભા ચૂંટણીમાં ભાજપ 400થી વધુ બેઠક સાથે જીતશે, વિપક્ષોના INDIA ગઠબંધનનું નામ નિશાન નહીં રહે: દિયા કુમારી

Team News Updates

વિચરતી જાતિના 425 પરિવારો પ્લોટ વિહોણા:ઝૂંપડપટ્ટી-પતરાની આડશ બાંધી કરે છે વસવાટ; પડધરી-જસદણમાં જાતિના દાખલા પણ મળતા નથી

Team News Updates