રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ભડલી ગામ નજીકથી રાજકોટ ગ્રામ્ય SOG પોલીસ ટીમે પોષડોડા અને અફીણ સાથે મનુભાઈ સામતભાઈ ખાચર (ઉં.વ.67) નામના વૃધ્ધને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં આરોપી વૃધ્ધે પોતાની પાસે આ માદક પદાર્થનો જથ્થો સૌરાષ્ટ્રના પ્રવાસે નીકળ્યા હોવાથી પીવા માટે રાખ્યાનું રટણ કર્યું હતું.
ખીસ્સામાંથી 50 ગ્રામ અફીણ મળી આવ્યું
રાજકોટ ગ્રામ્ય SOG પોલીસ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન મળેલી ચોકકસ બાતમીના આધારે જસદણ પોલીસ મથકની હદમાં આવતાં ભડલી ગામ નજીકથી પસાર થયેલી સિલ્વર કલરની વેગનઆર કારને અટકાવી તલાશી લેતા પાછળથી 500 ગ્રામ ષોષડોડાનો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે કારચાલક મનુભાઈના ખીસ્સામાંથી 50 ગ્રામ અફીણ મળી આવ્યું હતું. આ બંને માદક પદાર્થ ઉપરાંત મોબાઈલ અને કાર મળી કુલ રૂ. 2.04 લાખનો મુદામાલ પોલીસે કબજે કર્યો હતો.
NDPSની કલમો હેઠળ ગુનો દાખલ
પોલીસ પુછપરછમાં આરોપી હાલ ચાર દિવસ સૌરાષ્ટ્રના પ્રવાસે નીકળ્યાનું અને પીવા માટે માદક પદાર્થ સાથે રાખ્યાનું રટણ કરી રહ્યાં છે. જોકે, આ વાતમાં કેટલું તથ્ય છે, તેની ખરાઈ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. આરોપીએ આ માદક પદાર્થ કોની પાસેથી લીધો હતો અને ખરેખર પીવા માટે લાવ્યા હતા કે વેચવા માટે તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે. હાલ આરોપી વિરૂદ્ધ જસદણ પોલીસ મથકમાં એનડીપીએસની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.