સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર ખાતે જલારામ બાપાની 225મી જન્મજયંતિની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. દેશ વિદેશમાં પ્રસિદ્ધ સંત શિરોમણી જલારામ બાપાની 225મી જન્મ જ્યંતીને લઈને યાત્રાધામ વીરપુરમાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા છે.
જલારામ બાપાની 225મી જન્મ જ્યંતીની ઉજવણી નિમિતે 225 કિલોની કેક કાપીને ભક્તોને પ્રસાદી તરીકે વિતરણ કરાવાનું આયોજન કરવામાં આવ્યું હતું. 225મી જન્મ જયંતિ હોવાથી ક્રમપ્રમાણે 225 નંબર રાખી એક એક કિલોની કેકના ટૂકડા રખાયા હતા અને જલારામ બાપાની આરતી ઉતારી કેક કટિંગ કરાઈ હતી. જેને ઉપસ્થિત તમામ ભક્તોએ પ્રસાદી તરીકે આરોગી હતી.
જલારામ બાપાની જયંતિ હોવાથી ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. જય જલારામના નાદથી વીરપુર ગુંજી ઉઠ્યું છે અને ઠેર-ઠેર ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો હતો. જલારામ જયંતિ નિમિત્તે વિરપુર પગપાળા અને સાયકલ દ્વારા અનેક સંઘો આવે છે. સાયકલ સવાર સંઘ પટેલ બ્રધર્સ ગ્રુપ સતત ત્રીજા વર્ષે સુરતના ઉનથી વિરપુર પહોંચ્યું છે. 45 સાયકલ સવાર ચાર દિવસમાં 500 કિલોમીટરનું અંતર કાપી જલારામ બાપાના દર્શન કરવા પહોંચ્યા હતા.