વડતાલમાં દ્વિશતાબ્દી મહોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. દૈનિક લાખોની સંખ્યામાં હરિભક્તો વડતાલ ધામમાં આવી રહ્યા છે અને કાર્તિક સમૈયામા સહભાગી થઈ રહ્યા છે.ભોજન પ્રસાદીની કેવા પ્રકારની વ્યવસ્થા છે તેની મુલાકાત લીધી હતી. અનાજ કઠોળ સ્ટોરના ડોમથી માંડીને વિવિધ ડોમમાં હજારોની સંખ્યામાં સ્વયંસેવકો વિવિધ પ્રકારની સેવાઓ કરતા જોવા મળ્યા હતા. દૈનિક અઢી લાખ લોકો માટે ભોજન તૈયાર થાય છે. 3300 સ્વયંસેવકો અને રસોઈયા અવનવી વાનગીઓ તૈયાર કરે છે. મિષ્ટાનથી માંડીને વિવિધ ભોજનનો પ્રસાદ હરિભક્તો ગ્રહણ કરી રહ્યા છે.
સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તિર્થધામ વડતાલ ખાતે શ્રી લક્ષ્મીનારાયણ દેવનો દ્વિશતાબ્દી મહોત્સવનો આજે બીજો દિવસ છે. 800 વીઘા જમીનમાં પથરાયેલા આ વિશાળ જગ્યા પર જ્યાં નજર દોડે ત્યાં હરિભક્તો અને સ્વયંમસેવક જોવા મળે છે. અહીં કથા, મહાપૂજા, સ્વામિનારાયણ ધૂન, 108 કુંડી મહાયાગ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. વર્તમાન આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના સાનિધ્યમાં આ સંપૂર્ણ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે અહીંયા ઉમટેલા લાખોની સંખ્યામાં હરિભક્તો માટે સવાર, સાંજ વિશાળ 15 ડોમમાં જમવાની અલાયદા વ્યવસ્થા કરવામાં આવી છે. દુરદુરથી અવેલા હરિભક્તોને કઈ અગવડતા ન થાય તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. તો આ સિવાય સવારે નાસ્તાની પણ સુંદર વ્યવસ્થા કરાઈ છે.
લાખોની સંખ્યામાં આવતા હરિભક્તો માટે 15 ડોમમાં જમવાની વ્યવસ્થા કરાઈ છે. જેમાં પુરષ, મહિલા અને વીઆઈપી એમ ત્રણ વિભાગો છે. તો મિષ્ટાનથી માંડી વિવિધ ભોજનનો પ્રસાદ હરિભક્તો ગ્રહણ કરે છે અને તૃપ્ત થાય છે. દિવ્યભાસ્કરની ટીમે અહીંયા રસોડામાં મુલાકાત લીધી હતી. ત્યારે અનાજ કઠોળના સ્ટોરના ડોમથી માંડીને વિવિધ ડોમમાં હજારોની સંખ્યામાં સ્વયંસેવકો વિવિધ પ્રકારની સેવાઓ કરતા જોવા મળ્યા હતા. કોઈ ચારણીથી દળેલા લોટને ચારતા, તો કોઈ અનાજ સાફ કરતા તો કોઈ વળી શાકભાજી સુધરતા અને થાળી ધોઈ રહેલા નજરે પડ્યા હતા. આ તમામ પોતપોતાની સેવામાં મસગુલ હતા.
દરરોજ 600 રસોયા અને 2500થી વધુ મહિલા સ્વયંમસેવકો અને અન્ય પુરૂષ સ્વયંમસેવકો દિવસ રાત રસોડામાં ખડે પગે સેવા આપી રહ્યા છે. રસોડાથી ટ્રેક્ટર મારફતે પિરસવાની જગ્યાએ ભોજન પ્રસાદ પહોંચાડવામાં આવે છે. દૈનિક કોઈના કોઈ પ્રકારની મિષ્ટાન પણ હોય છે. લાખોની સંખ્યામાં હરિભક્તો અહીંયા ભરપેટ જમે છે અને જઠરાગ્નિને ઠારે છે.
દૈનિક અઢી લાખથી ત્રણ લાખ ભક્તો માટે રસોઈ બને છે. 600 વ્યક્તિઓ રસોઈ બનાવે છે અને બીજી 200 મહિલાઓ વાસણ ધોવાની સેવામાં છે તો 2500થી વધુ મહિલા સ્વયંમસેવકો શાકભાજી સમારવાની, અનાજને સાફ કરવાની સેવામાં લાગેલા છે. ખાસ તમામ સ્વયંમસેવકો હાથમાં મોજા અને માથે ટોપી પહેરીને રસોઈ બનાવવાની કામગીરી કરે છે.
રસોડામાં સેવા અર્થે આવેલા ધંધુકાના અરૂણાબેન ચુડાસમાએ જણાવ્યું કે, આ મહોત્સવમાં 2500થી વધુ મહિલા સ્વયંમસેવકો ગામેગામથી આવી રસોડામાં વિવિધ કામગીરી કરી રહ્યા છે. તન, મન અને ધનથી સેવામાં લાગેલા છે અને મનથી પ્રસાદીની સેવા કરે છે.
પ્રસાદી ગ્રહણ કરતા હળવદના ગંગાબેને જણાવ્યું કે, વડતાલ ઉત્સવમાં સહભાગી થયા છે. ભગવાનના ધામમાં ભગવાનનુ ભોજન સ્વાદિષ્ટ જ હોય, ભાત ભાતના પકવાન ભક્તો જમે છે અને આનંદની અનુભૂતિ કરે છે. જ્યારે મોરબીથી આવેલા કુંદનબેન સાપરીયાએ જણાવ્યું કે, અમે ચાર તારીખના વડતાલ ધામમાં આવ્યાં છીએ અને ત્યારથી જ પીરસવાની સેવામાં લાગી ગયા છીએ હજી સુધી અમે સભા મંડપ જોયો નથી. રસોઈ પીરસીને આનંદ માણીએ છીએ, અમારા ઘરે પાંચ મહેમાનો વધારાના આવે તો અગવડતા થાય છે તો અહીંયા તો ગણ્યા ગણાય નહીં એટલા બધા માણસો આવ્યાં છે આમ છતાં કોઈ દિવસ કોઈ રસોઈ ખૂટતી નથી. ભક્તો હેત અને પ્રેમથી જમે છે.