તેલંગાણાના મેડકના સાંસદ અને BRS વિધાનસભા ચૂંટણીના ઉમેદવાર કોથા પ્રભાકર રેડ્ડી પર સોમવારે છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે તેઓ ચૂંટણી પ્રચાર માટે સિદ્ધિપેટના સુરમપલ્લી ગામમાં પહોંચ્યા હતા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રભાકરને પેટમાં છરી મારવામાં આવી હતી. તેમને તાત્કાલિક ગજવેલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમની હાલત ગંભીર છે. તેમને વધુ સારવાર માટે હૈદરાબાદ શિફ્ટ કરી શકાય છે. જો કે ટોળાએ આરોપીને પકડી લીધો હતો અને તેની ભારે ધોલાઈ કરવામાં આવી હતી. લોકોએ આરોપીને પોલીસને હવાલે કર્યો હતો.
પોલીસે કહ્યું- આરોપીની ઓળખ કરવામાં આવી રહી છે
સિદ્ધિપેટ પોલીસ કમિશનર એન શ્વેતાએ કહ્યું કે હુમલાખોરને પકડી લેવામાં આવ્યો છે. તેની ઓળખ કરવામાં આવી રહી છે. આ હુમલો કરવા પાછળનું કારણ પણ તપાસવામાં આવી રહ્યું છે.
હુમલાની માહિતી મળ્યા પછી, બીઆરએસ નેતાઓએ પણ રેડ્ડીને ફોન કર્યો અને તેમની તબિયત વિશે પૂછ્યું. મંત્રી ટી હરીશ રાવે સાંસદ સાથે ફોન પર વાત કરી અને તેમની તબિયત વિશે પૂછપરછ કરી. તેઓ પોતાનો ચૂંટણી કાર્યક્રમ પણ રદ કરીને સાંસદને મળવા હોસ્પિટલ ગયા હતા.
કોણ છે કોથા પ્રભાકર રેડ્ડી
કોથા પ્રભાકર રેડ્ડીનો જન્મ 6 જૂન 1966ના રોજ એક ખેડૂત પરિવારમાં થયો હતો. 2014માં, તેમણે તેલંગાણા રાષ્ટ્ર સમિતિના ઉમેદવાર તરીકે મેડક (લોકસભા મતવિસ્તાર) માટે પેટાચૂંટણી જીતી હતી. તેઓ 3,61,833 મતોની સરસાઈથી જીત્યા હતા.