ગીતા મંદિર બસ સ્ટેશન પર ગત અઠવાડિયે જ અસામાજિક તત્વોએ તોડફોડ કરી હતી ત્યારે આજે ફરી એક તોડફોડનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ગત રાતે કેટલાક અસામાજિક તત્વોએ ગીતા મંદિર બસ સ્ટેશન પર આતંક મચાવ્યો હતો. અસામાજિક તત્વોએ બસ સ્ટાફ અને મુસાફરો સાથે અભદ્ર વર્તન કરીને મારામારી કરી હોવાની ઘટના ઘટી છે, આ તમામ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઇ ગયા હતા.
મુસાફરો અને સ્ટાફ સાથે મારામારી કરી
રાતના સમયે બસ સ્ટેન્ડ પર બે અજાણ્યા યુવકો દ્વારા મુસાફરો અને સ્ટાફની સાથે કારણ વગર મારામારી શરુ કરવામાં આવી હતી. આમાં એક યુવકે પતરી વડે હુમલો કર્યો હતો અને બાદમાં સ્ટાફ પર ખુરશી વડે હુમલો કરીને મારામારી કરી હતી.
કર્મચારીઓને ખુલ્લેઆમ ધમકીઓ આપી
જો કે, બાદમાં પોલીસે આ અસામાજિક તત્વોને પકડી લીધા હતા અને કોઇપણ કાર્યવાહી કર્યા વગર જ તેઓને પાછા છોડી દેવામાં આવ્યા હતા. છુટી ગયા બાદ પણ ફરીથી બસ સ્ટેન્ડ પર આ અસામાજિક તત્વોએ આવીને કર્મચારીઓને ધમકીઓ આપવાનું શરૂ કરી દીધુ હતુ. અહીં આ બે યુવકો અવારનવાર દરેક દુકાનો પરથી 100 રૂપિયાનો હપ્તો ઉઘરાવતા હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે.
લુખ્ખા તત્વોના આતંકથી વ્યક્તિઓને ધંધો કરવો મુશ્કેલ
અમદાવાદના ગીતામંદિર એસટી સ્ટેન્ડ પાસે હજારો લોકો રોજ અવર-જવર કરે છે. અહીં બનેલા કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં મોબાઇલનું મોટું માર્કેટ આવેલું છે. જેમાં ખાસ કરીને હોલસેલનું માર્કેટ હોવાથી વેપારીઓ પોતાનું ગુજરાન ચલાવવાનો પ્રયાસ કરે છે પરંતુ, અહીં કેટલાક લુખ્ખા તત્વોનો એટલો આતંક છે કે, સામાન્ય વ્યક્તિઓને ધંધો રોજગાર કરવો મુશ્કેલ બની ગયો હતો. આ અંગેની ફરિયાદ આ પહેલા એક વેપારી દ્વારા કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી. છતાં પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી.
સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો વીડિયો
અગાઉ પણ એસટી સ્ટેન્ડના પ્લેટફોર્મ નંબર છ પાસે આવેલી આશાપુરા મોબાઈલની દુકાનમાં કેટલાક ટપોરીઓએ આવીને તોડફોડ કરી હતી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો હતો. વેપારી પોતાની વસ્તુઓ બચાવવાનો પ્રયાસ કરતો હતો ત્યારે હાથમાં પટ્ટા અને છરી સાથે કેટલાક લોકોએ તોડફોડ કરી રહ્યા હતા.