વિદેશની ધરતી, 162 એકર જમીન પર ભવ્ય મંદિર, આલીશાન બાંધકામ, મંદિરના પ્રાંગણમાં નીલકંઠ વર્ણીની 49 ફૂટ ઊંચી નયનરમ્ય પ્રતિમા અને દરરોજ કારીગરોની સાથોસાથ કામ કરતા સેંકડો સ્વયંસેવક. આ અદભુત દૃશ્યો જોવા મળ્યાં અમેરિકાના ન્યૂજર્સી રાજ્યમાં આવેલા રોબિન્સવિલે શહેરમાં. જ્યાં અમેરિકાનું સૌથી મોટું અને ભવ્ય હિન્દુ મંદિર બનીને તૈયાર થવા આવ્યું છે અને ટૂંક સમયમાં જ પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે.
નિર્માણાધીન અક્ષરધામ મંદિરનું અત્યાર સુધીમાં જેટલું કામ થયું છે પરંતુ ત્યાં બની રહેલાં અક્ષરધામ મંદિરની કામગીરી કેવી રીતે થઈ રહી છે? ગાંધીનગર અને દિલ્હીમાં બનેલા અક્ષરધામથી રોબિન્સવિલેનું અક્ષરધામ કેટલું અલગ કે સરખું છે? ઈટાલીની ખાણોમાંથી આરસપહાણ લાવીને વાયા ભારત થઈને અમેરિકા કેમ અને કેવી રીતે પહોંચાડવામાં આવ્યો? વિદેશની ધરતી પર વિશાળ મંદિર બનાવવામાં કેવા પડકારો આવ્યા? અને ભારતીયોમાં આ મંદિર અંગે કેવો ઉત્સાહ છે?, આ તમામ મુદ્દે અક્ષરવત્સલ સ્વામી અને બ્રહ્મવિહારીદાસ સ્વામી પાસેથી જાણકારી મેળવી હતી.
વિદેશની ધરતી પર ભવ્ય મંદિર બનાવવાનો વિચાર કોને અને કેવી રીતે આવ્યો, તે અંગે સવાલ કરતા બ્રહ્મવિહારીદાસ સ્વામીએ ‘રોબિન્સવિલેમાં જે અક્ષરધામ બની રહ્યું છે, તે પ્રમુખસ્વામી મહારાજનો સંકલ્પ હતો. મહંતસ્વામી મહારાજે આ સંકલ્પ આગળ વધાર્યો છે. પહેલાં આ જ સ્થળે એક નાનું મંદિર બનાવવામાં આવ્યું હતું, જ્યાં લોકો ભજન ભક્તિ માટે એકત્ર થઈ શકે. અહિંયાં હજારોની સંખ્યામાં લોકો આવે છે, રવિ સભા પણ થતી હોય છે. આ નાના મંદિરની પ્રતિષ્ઠા કરવા માટે પણ પ્રમુખસ્વામી મહારાજ 94 વર્ષની ઉંમરે રોબિન્સવીલે આવ્યા હતા અને પૂજા કરી હતી. પ્રમુખ સ્વામી મહારાજે 10 ઓગસ્ટ 2014ના રોજ આ મંદિરની શિલાન્યાસ વિધિ કરી હતી. અત્યારે અક્ષરધામમાં મંદિરની આસપાસ પરિક્રમા અને મુખ્ય મંદિરનું કામ આયોજનબદ્ધ રીતે આગળ વધી રહ્યું છે.’
ઈટાલીથી પથ્થર વાયા ભારત થઈ અમેરિકા કેમ લઈ જવાયા?
ન્યુ જર્સી રોબિન્સવિલેમાં બની રહેલાં અક્ષરધામ મંદિરના નિર્માણ વિશેની સૌથી રસપ્રદ બાબત એ છે કે મંદિરના બાંધકામમાં વપરાયેલા આરસના પથ્થરોને સૌથી પહેલાં ઈટાલીથી ભારત લાવવામાં આવ્યા હતા. કેટલાંક વર્ષો સુધી રાજસ્થાનના ડુંગરપુર વિસ્તારના 2 હજારથી પણ વધુ શિલ્પીઓએ આ પથ્થર ઉપર કોતરણી કરી. હિન્દુ સંસ્કૃતિ અને પરંપરા મુજબ જ પથ્થરોને આકાર મળે, અમેરિકાની ધરતી પર બનનારા મંદિરનું બાંધકામ અને દેખાવ પણ ભારતનાં મંદિરોને જ અનુરૂપ હોય એ રીતે કામ થયું અને અથાક પરિશ્રમના અંતે આરસના પથ્થરોને એક નવું જ રૂપ આપી દીધું. ભારતમાં પથ્થરો પર કોતરણી કામ તો થઈ ગયું પરંતુ હજુ એક મોટો પડકાર બાકી હતો.
સૌથી મોટો પડકાર આ પથ્થરોને અમેરિકા મોકલવાનો હતો. એમાં પણ જો જરાય પથ્થરોના કદ અને ડિઝાઈનના કામમાં ઊણપ ચલાવી લેવાય એમ ન હતી. એટલે કોતરણી થયેલા પથ્થરોને ભારતમાં જ બે વખત જોડવામાં આવ્યા. નક્કી કરેલી ડિઝાઈન મુજબનું કામ થયું છે કે કેમ? આ આરસના બધા પથ્થર એકબીજા સાથે ચોક્કસ રીતે ફિટ થઈ રહ્યાં છે કે નહીં? તેની ચકાસણી કર્યા બાદ કેટલાક નાના-મોટા ફેરફાર કર્યા. આરસના તમામ પથ્થરોને એક ચોક્કસ નંબર આપવામાં આવ્યા. ત્યાર પછી આ પથ્થરોને અમેરિકાના ન્યૂજર્સીમાં આવેલા રોબિન્સવિલે મોકલવામાં આવ્યા હતા. જ્યાં કુશળ કારીગરોની ટીમે તમામ પથ્થરોને એક ચોક્કસ સ્થાને અસેમ્બલ કર્યા અને આમ મંદિરનો એક મોટો હિસ્સો ભારતીય વાસ્તુકળા અનુસાર તૈયાર કરવામાં આવ્યો છે.
નિશ્ચિત સમયમર્યાદામાં યુરોપથી વાયા ભારત થઈને અમેરિકા સુધી 68,000 ક્યૂબિક ફૂટ માર્બલ મોકલવા એ ખૂબ જ પડકારજનક હતું. મંદિર પ્રશાસને જણાવ્યું કે, મંદિરમાં લાગેલા ઘણા પથ્થરોએ યુરોપથી ભારત અને ત્યાર બાદ અમેરિકા સુધી 34 હજાર 600 કિલોમીટરની મુસાફરી કરી હતી.
મંદિરનું આવી રીતે થયું ભવ્ય બાંધકામ
ન્યુ જર્સી રોબિન્સવિલેમાં આવેલ BAPS સ્વામિનારાયણ મંદિર બહાર અને અંદર બંને રીતે સુંદર છે. મંદિરના બહારના ભાગે હિન્દુ સ્થાપત્યને અનુસરીને બનાવવામાં આવેલો 135 ફૂટ પહોળો અને 55 ફૂટ ઊંચો વિશાળ મંડપ મંદિરને અદભુત સુંદરતા પૂરી પાડવાની સાથોસાથ સુરક્ષા પણ આપે છે. જેમાં બનેલા સ્તંભ પર આંખો ઠરી જાય એવું બારીક કોતરકામ કરવામાં આવ્યું છે.
મયૂર દ્વાર
મંડપનો મુખ્ય દરવાજો, જેને મયૂર દ્વાર કહેવાય છે, તે મંદિરનું મુખ્ય આકર્ષણ છે. મયૂર દ્વારને આરસમાંથી કોતરવામાં આવેલા મોર, હાથી, સાધુઓ અને ભક્તો સહિત 236 શિલ્પોથી સુંદર રીતે શણગારવામાં આવ્યું છે. ભવ્ય મંદિર સુધી પહોંચવા માટે 50 ફૂટ ઊંચું લાઈમસ્ટોનનો ગેટ છે. આ ગેટ પર સેંકડો મોર કોતરવામાં આવ્યા છે. મયૂર દ્વાર એ હિંદુ મંદિરોમાં ઉત્કૃષ્ટ પ્રવેશદ્વારની પ્રાચીન પરંપરાનો એક ભાગ છે.
પ્રાર્થના હોલ
મંદિર પાસે બનેલા મંડપમાં એક ભવ્ય પ્રાર્થના હોલ છે, જ્યાં એક સમયે 1000થી પણ વધુ ભક્તો બેસીને ભગવાનની ભક્તિ કરી શકે છે. મંદિર સંકુલના યુવાનો માટે પ્રવૃત્તિ કેન્દ્ર, મુલાકાતીઓ માટે આરામગૃહ અને ફૂડ કોર્ટ બનાવવામાં આવ્યું હતું. એક આકર્ષક વાત એ પણ છે કે મંદિર અને તેની આસપાસના વિસ્તારની સુંદરતા ઉત્તર અને દક્ષિણ ભારતીય મંદિરોની સ્થાપત્ય શૈલીના સમૃદ્ધ મિશ્રણથી પ્રભાવિત છે.
સ્તંભ, દીવાલ, છતથી નજર ન હટે એવું નકશીકામ
રોબિન્સવિલે, ન્યુ જર્સીમાં BAPS સ્વામિનારાયણ મંદિરનો મુખ્ય ભાગ 4 માળનો છે. જેમાં ભારતના વારસા, ઇતિહાસ અને સંસ્કૃતિની ગૌરવશાળી ગાથાને પ્રદર્શિત કરે છે. સુશોભિત સ્તંભ, દીવાલો અને છત પર થયેલું કોતરણીકામ રામાયણ, મહાભારત અને પ્રાચીન ગ્રંથોની વાર્તાઓને દર્શાવે છે. હોલમાં ભારતીય હિંદુ સમુદાયના ધાર્મિક આગેવાન અને સાધુઓની મૂર્તિઓ મુકાઈ છે.
ભવ્ય ગુંબજ
34 ફૂટ ઊંચા, 30 ફૂટ વ્યાસવાળા ગુંબજ મંદિરને ભવ્યતા પ્રદાન કરે છે. જે મંદિરની કોતરણીની જટિલતાને પૂરક બનાવે છે. ગુંબજ માત્ર એક પથ્થર કે આધુનિક સમયમાં બનતી ઈમારતોની જેમ ક્રોંક્રિટથી નથી બનાવવામાં આવ્યું. પરંતુ વિવિધ ઇન્ટરલોકિંગ સ્લેબનું સંયોજન છે. ગુંબજની મધ્યમાં, એક સુંદર આરસનું કેન્દ્ર છે. કી-સ્ટોનની જેમ, આ એક ટુકડો, બાકીના પથ્થરો સાથે એવી રીતે જોડાયેલો છે કે તેને નયનરમ્ય આકર્ષણની સાથે મજબૂતી પણ મળી રહે. ગુંબજમાં લગાવેલા તમામ પથ્થર જાણે કે એકબીજા સાથે ‘તાળું’ લગાવ્યું હોય એવી રીતે જોડવામાં આવ્યા છે.
મંદિરના પ્રવેશદ્વાર ઉપરાંત વિવિધ દીવાલો પર મોર, હાથી, સિંહ, વાનર, હરણ, સસલા, બકરા, પોપટ, ગાય અને ખિસકોલી સહિતનાં ઘણાં પ્રાણીઓની શિલ્પાકૃતિઓ છે. સમગ્ર મંદિરમાં પ્રાણીઓની આવી કોતરણી યાદ અપાવે છે કે હિંદુ ધર્મ પ્રકૃતિ સાથે સુમેળ પર ભાર મૂકે છે.
અમેરિકામાં મંદિરના શિલાન્યાસ સમયે શું થયું?
પ્રમુખસ્વામી મહારાજે રચેલા સ્વામિનારાયણ અક્ષરધામ વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિ, સનાતન ધર્મ અને સ્વામિનારાયણ સંપ્રદાયની એક આગવી અસ્મિતા સભર ઓળખ બની છે. ગુજરાતમાં ગાંધીનગર અને દિલ્હી ખાતે બનેલા સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરની ભવ્યતા તો કરોડો લોકો નિહાળી ચૂક્યા છે. ત્યારે અમેરિકાની ધરતી પર સ્વામિનારાયણ અક્ષરધામના નિર્માણનો વેદોક્ત વિધિપૂર્વક આરંભ કર્યો હતો. અક્ષરધામ સ્થાપત્યનો માંગલિક શિલાન્યાસવિધિ 6 ઓક્ટોબર 2011ના રોજ દશેરાના દિવસે અમેરિકા ખાતે ન્યૂજર્સી રાજ્યના રોબિન્સવિલેની ધરતી પર થયો હતો. 162 એકર ભૂમિ પર રચાનારા સ્વામિનારાયણ અક્ષરધામના આ ત્રિદિવસીય શિલાન્યાસ વિધિમાં હજારો હરિભક્તો સામેલ થયા હતા.
મંદિરમાં જે શિલા વપરાઈ તેની વિધિ મુંબઈમાં કેમ થઈ?
આ શિલાન્યાસ વિધિમાં અક્ષરધામના પાયામાં જે શિલાઓ રાખવાની હતી, તેનું વેદોક્ત વિધિપૂર્વક પૂજન પ્રમુખસ્વામી મહારાજના હસ્તે મુંબઈ ખાતે થયું હતું. 31 ઓગસ્ટ 2011ના રોજ મુંબઈ ખાતે પ્રમુખસ્વામી મહારાજના સાનિધ્યમાં મુંબઈમાં દાદર ખાતે BAPS સ્વામિનારાયણ મંદિર પરિસરમાં ઉત્સવ યોજાયો હતો. મુંબઈના શિખરબદ્ધ BAPS સ્વામિનારાયણ મંદિરના મધ્ય ઘુમ્મટ તળે મધ્યખંડમાં ઠાકોરજીની બરાબર સન્મુખ સ્વામીનું આસન રાખવામાં આવ્યું હતું. પ્રમુખસ્વામી મહારાજ દ્વારા મંદિરના ઘુમ્મટ તળે પ્રાતઃપૂજા કરી હોય એવો આ પહેલો જ પ્રસંગ હતો.
બ્રહ્મવિહારીદાસ સ્વામીએ એક રસપ્રદ જાણકારી આપતા કહ્યું, ‘અમેરિકામાં રહેતા હોય તેવા સેંકડો સ્વયંસેવકો વારાફતી આવીને મંદિરના બાંધકામમાં સેવા આપે છે. અહિંયાં આવતા લોકોને તમામ પ્રકારનાં કામકાજ શિખવાડવામાં આવ્યાં છે. કોઈ સ્વયંસેવક આવે તો તેનાં માતા-પિતા, પરિવારના અન્ય સભ્યો, કોઈ અભ્યાસ કે જોબ કરતું હોય તો ત્યાંથી રજા લઈને પણ મંદિરે આવીને ખૂબ ઉત્સાહપૂર્વક સેવા કરે છે.’
‘અમેરિકામાં મોટા પગારની નોકરી કરતા લોકો પણ સેવા આપવા આવે છે’, ‘રોબિન્સવિલેમાં BAPS સ્વામિનારાયણ મંદિર માટે અમેરિકામાં રહેતા તમામ ઉંમરના સ્વયંસેવકોએ શરૂઆતથી જ તેમનો સમય અને સંસાધનો સમર્પિત કર્યા છે. બાંધકામના કામમાં મદદ કરવી, સ્થળની આસપાસ સફાઈ કરવી, રોજિંદા ધોરણે તમામ કારીગરો માટે ખોરાક તૈયાર કરવો અને અન્ય કાર્યમાં મદદ કરવી. આ મંદિર હિન્દુ મૂલ્ય કેળવવા અને સમુદાયની ઘણી રીતે સેવા કરવા માટે એક પ્લેટફોર્મ તરીકે સેવા આપશે. મંદિરની બાજુમાં આવેલી ઇમારત પ્રવૃત્તિ કેન્દ્ર છે, જે વિવિધ સાંસ્કૃતિક, માનવતાવાદી અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ માટે સુવિધા પૂરી પાડે છે. નવા ખોલવામાં આવેલ શાયોના કાફે(પ્રેમવતી) એ ભારતના કેટલાક પરંપરાગત અને અધિકૃત સ્વાદનો અનુભવ કરાવશે. BAPS સ્વામિનારાયણ મંદિર એ મોટા કેમ્પસનો એક ભાગ છે જેમાં એક મહામંદિર અને હિંદુ ધર્મની સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાને પ્રકાશિત કરતું પ્રદર્શન પણ સામેલ હશે.’
ભવ્ય મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ક્યારે થશે?
બ્રહ્મવિહારીદાસ સ્વામીએ જણાવ્યું કે, ‘અત્યારે જે રીતે કામકાજ ચાલે છે, તેને જોતાં એમ લાગી રહ્યું છે કે આ વર્ષ દરમિયાન અક્ષરધામનું કામ પૂર્ણ થશે અને આ જ વર્ષે પ્રાણપ્રતિષ્ઠાનો પણ ભવ્ય કાર્યક્રમ થશે. જો કે આ કાર્યક્રમ ક્યારે ગોઠવવો તેની તારીખ નક્કી કરવાની બાકી છે. યોગ્ય મુહૂર્ત જોઈને અમે તારીખ નક્કી કરીશું. ન્યૂ જર્સીના રોબિન્સવિલેનું આ અક્ષરધામ દુનિયાની અજાયબી હશે.’
અન્ય મંદિરો કરતાં અમેરિકામાં બનેલું મંદિર કેટલું અલગ?
અમેરિકાની ધરતી પર બનેલું અક્ષરધામ કેવી રીતે અલગ પડશે, આ સવાલના જવાબમાં બ્રહ્મવિહારીદાસ સ્વામીએ જણાવ્યું કે, ‘અક્ષરધામ હોય કે અન્ય કોઈ પણ મંદિર હોય ત્યાં ભગવાનની મૂર્તિ હોય ત્યાં એકસરખી જ શક્તિ હોય છે. BAPSના 1200થી વધુ મંદિર છે, કોઈ પણ મંદિરમાં ભગવાનની શક્તિ એકસરખી જ છે, પરંતુ આ અક્ષરધામ અમેરિકામાં છે, વિશિષ્ટ કોતરકામ છે, હિન્દુ સ્થાપ્ય પ્રમાણે બાંધકામ થયું છે. જેમાં ઘણી બધી પ્રેરણાત્મક કથાઓ છે, અહિંયાં જે વાતાવરણ ઊભું થાય છે એ વિશિષ્ટ છે. અમેરિકામાં રહેતા અને ઊછરતા લોકો હિંદુ ધર્મનું વિશેષ જ્ઞાન મેળવી શકશે, આધ્યાત્મિક રીતે આગળ વધી શકે, વેસ્ટર્ન દુનિયામાં રહેતા લોકો સારી રીતે સમજી શકે તેવી રીતે વ્યવસ્થિત આયોજન અને પ્રદર્શન કરવામાં આવ્યું છે.’