ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ નજીક ઉત્તર ગુજરાતમાં પર્યટકો માટે નડાબેટ બાદ સાંતલપુરના એવાલમાં બોર્ડર એરિયા ડેવલપમેન્ટ હેઠળ 2019-20માં 2.69 કરોડની ફાળવણી કરવામાં આવી હતી. જેને લઈ એક હેક્ટર જમીનમાં 2.69 કરોડના ખર્ચે પર્યટન સ્થળ માટે ઇકો ટૂરિઝમ સેન્ટર 2020-22માં તૈયાર થઇ ગયું છે. આ સેન્ટર પરથી પ્રવાસીઓ ડેઝર્ટ સફારી કરી રણદર્શન સહિત આસપાસનાં ધાર્મિક સ્થળોની સાથે આ વિસ્તારની સંસ્કૃતિ અને પ્રકૃતિનાં દર્શન કરી શકશે. ઇકો ટૂરિઝમ સેન્ટર પર પ્રવાસીઓને રહેવા-જમવા માટેની સુવિધા ઊભી કરાઇ છે. ત્યારે આગામી સમયમાં સેન્ટરને પર્યટકો માટે ખુલ્લું મૂકવાની શક્યતા છે.
એક હેક્ટરમાં પ્રવાસીઓ માટે રહેવા-જમવા માટેની વ્યવસ્થા
પાટણના નાયબ વન સંરક્ષક બિન્દુબેન પટેલે જણાવ્યું કે, ભારત સરકાર દ્વારા 2.69 કરોડની ગ્રાન્ટમાંથી એક હેક્ટરમાં ઇકો ટૂરિઝમ સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં એક હેક્ટરમાં પ્રવાસીઓને રહેવા-જમવા માટેની વ્યવસ્થા ગોઠવાઈ છે. ડબલ બેડની સુવિધા સાથેના છ રૂમ તૈયાર કરાયા છે. ડબલ બેડ, ટીપોઈ, ખુરશી, ટીવી, એસી, ગીઝર સહિતની સુવિધા ઊભી કરાઇ છે. 10 બેડની સુવિધા સાથેનો એક હોલ પણ બનાવાયો છે. સાથે રસોડું તેની બાજુમાં એકસાથે 50 માણસો ભોજન લઈ શકે તેવી વ્યવસ્થા પણ કરાઇ છે. રિસેપ્શન રૂમ, બે વન કુટીર, વોચ ટાવર, બગીચો, બાળકોને રમવાનાં સાધનો, પાર્કિંગ, લેડીઝ અને જેન્ટ્સ ટોઇલેટ, અંડરગ્રાઉન્ડ પાણીનો ટાંકો, કમ્પાઉન્ડ વોલ સહિતની સુવિધા કરાઇ છે.
દૂરબીનના માધ્યમથી આસપાસનો પ્રાકૃતિક નજારો પણ માણી શકશે
આ ઉપરાંત બાજુમાં તળાવ પણ બનાવવામાં આવ્યું છે. આ તળાવમાં વિદેશી પક્ષીઓ આવે અને લોકો વોચ ટાવર પરથી તેને જોઈ શકે તે માટેનું આયોજન કરાયું છે. તો તે વિસ્તારનાં પ્રાણીઓ જેવા કે, ઘુડખર, ચિંકારા, શિયાળ, રાણલોકડી જોઈ શકશે. સાથે વોચ ટાવર પરથી પ્રવાસીઓ દૂરબીનના માધ્યમથી આસપાસનો પ્રાકૃતિક નજારો પણ માણી શકશે. 500 વૃક્ષોનું વાવેતર કરાયું છે. જેમાં સુશોભન પ્રકારના છાયડો આપતા અને દેશી કુળના વૃક્ષો વાવ્યાં છે.
રશિયાથી આયાત થયેલી ઈમ્પોર્ટેડ શીટનો ઉપયોગ
રણ વિસ્તાર નજીક હોવાથી ઉનાળામાં ગરમીનું પ્રમાણ વધારે રહેતું હોવાના કારણે પ્રવાસીઓને ગરમીથી રક્ષણ મળી રહે તે માટે રૂમોના ટેરેસ પર રશિયાથી આયાત કરાયેલ ઈમ્પોર્ટેડ શીટનો ઉપયોગ કરાયો છે. જેનાથી બહારના તાપમાન કરતાં રૂમના તાપમાનમાં ઘટાડો થશે. આ સંકુલમાં પાથવે પર બોલાર્ડ લાઈટનો ઉપયોગ કરાયો છે.
આ ઇકો ટૂરિઝમ સેન્ટર પાસેનાં સ્થળો
ઇકો ટૂરિઝમ સેન્ટર પર આવતા પ્રવાસીઓ આ વિસ્તારના ઈશ્વરિયા મહાદેવ, સરગુડીબેટ, રણદર્શન, ઝઝામ સગત, માતા મંદિર, ચારણકા સોલાર પાર્ક, પોકાવાડા વરવી માતા, આલુવાસ ભીમકુંડ, ભીમનાથ મહાદેવ, કાળકા માતા મંદિર, ચાઇનાકલે( અલગ અલગ રંગની માટી) સાંતલપુર અગરિયા વિસ્તાર અને વૈવા નકળા ધામ સહિતના વિસ્તારની મુલાકાત લઈ શકશે. જોકે, ઇકો ટૂરિઝમ સેન્ટરથી ઘુડખર અભ્યારણનો વિસ્તાર અડીને આવેલો છે. રણદર્શન માટે પ્રવાસીઓને અભ્યારણ વિસ્તારમાં જવા વાઇલ્ડ લાઇફ વોર્ડની મંજૂરી લેવી પડશે.
સફારી માટે જીપ્સીની દરખાસ્ત કરાઇ
પાટણના નાયબ વન સંરક્ષક બિન્દુબેન પટેલે વધુમાં જણાવ્યું કે, આ વિસ્તારમાં પ્રવાસીઓ આવવાથી આ વિસ્તારનો વિકાસ થાય અને લોકોની રોજગારીનું પ્રમાણ વધે તે માટે રણ સફારી પ્રોજેક્ટ મુકાયો છે, જેમાં ઇકો ટૂરિઝમ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. આ સેન્ટરનું કલેક્ટર સુપ્રીતસિંઘ ગુલાટીએ પણ થોડા સમય પહેલાં નિરીક્ષણ કર્યું હતું. પર્યટકો રણ સફારી કરી શકે તે માટે જીપ્સી અને જંગલ ટ્રેઇલ માટેની દરખાસ્ત કરાઈ છે. આ ઇકો ટૂરિઝમ સ્થળ પાટણથી 100 કિલોમીટરના અંતરે આવેલું છે જ્યાં જવા માટે પાટણથી સાંતલપુર, ગરમાડી મઢૂંત્રા, જાખોતાર થઈ એવાલ રોડ પાર આવેલ છે. સાંતલપુર તાલુકાના એવાલ આસપાસના 5 કિમીની ત્રિજ્યા રણ વિસ્તાર અને જંગલ વિસ્તારમાં ઘુડખર, ચિંકારા, રણ લોકડી, શિયાળ, રણ બિલાડી, સાપ, નોળિયા તેમજ નીલગાય જેવી કેટલીય પ્રાણીઓની જીવ સૃષ્ટિ તેમજ આજુબાજુના વિસ્તારમાં વિદેશી પક્ષીઓ જેવાં કે ફ્લેમિંગો પંગ કરકરા તેમજ કુંજ મહેમાન બની વસવાટ કરે છે જેને નિહાળીને પ્રવાસીઓ અદભુત આનંદ મેળવી શકશે.
કુદરતી સૌંદર્ય સાથે પ્રવાસીઓને રણ અને સરહદ દર્શનનો આનંદ મળશે
ચારણકા ગામથી આશરે 10 કિમીના અંતરે રણ મધ્યે સરગુડિયા બેટ આવેલો છે જ્યાં બહોળા પ્રમાણમાં સરગવાનાં વૃક્ષો આવેલાં છે. આમ રણની વચ્ચોવચ્ચે આવાં વૃક્ષોની હયાતી એ પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. એવાલ ખાતે બીએસએફનો કેમ્પ આવેલો છે જ્યાં હથિયાર ટ્રેનિગ સેન્ટર બનાવવામાં આવેલ છે.
એવાલથી 40 કિમીના અંતરે ભારત-પાકિસ્તાનની બોર્ડર આવેલી છે. હરવા-ફરવાની વિશેષ લાગણી અનુભવી શકાશે. એના નજીક ચારણકાનો એશિયાનો સૌથી મોટો સોલરપાર્ક આવેલો છે જ્યાં માનવ સર્જિત વીજ ઉત્પાદન કરવામાં આવે છે, જે સાહેલાણીઓ માટે આકર્ષાણનું કેન્દ્ર બનશે.
અગરિયાના જનજીવનથી પરિચિત થશે પ્રવાસીઓ
એવાલથી મુખ્ય મથક સાતલપુર આવતા સાંતલપુર તેમજ તથા ગરામડી ગામના રણ વિસ્તારમાં અગરિયાઓ દ્વારા મીઠું પકવવામાં આવે છે, તેમજ રણ વિસ્તારમાં મીઠું પકવીને સાંતલપુર ખાતે લાવી મીઠાને રિફાઇન કરી તેમજ પેકિંગ કરી દેશ-વિદેશમાં નિકાસ કરવામાં આવે છે. આમ છેવાડાનાં ગામોમાં વિકટ પરિસ્થિતિમાં કેવી રીતે રોજગારી પેદા કરી પોતાનું ગુજરાન ચલાવવામાં આવે છે, તે પ્રવાસીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની શકશે અને પ્રવાસીનો અગરિકોના જનજીવનથી પરિચિત થશે.
રણ સફારી નજીકનાં સ્થળ
- ઈશ્વરિયા મહાદેવ મંદિર- 4.5 કિમી
- વરુડી માતાજી મંદિર- 10 કિમી
- સંગત માતાજી મંદિર- 33 કિમી
- આલુ વાસ મહાદેવ મંદિર-14 કિમી
- સંરગુડિયા બેટ-4 કિમી
- સોલાર પાર્ક- 14 કિમી