ગુરુપૂર્ણિમાના પાવન અવસરે ઇન્દ્રભારતીબાપુએ વર્ણવ્યો ગુરુનો મહિમા
ગુરુપૂર્ણિમા અવસરની આજે રાજ્યભરમાં ઉજવણી થઇ રહી છે ત્યારે જૂનાગઢના ગિરનાર મંડળના પ્રમુખ અને પંચદશનામ જૂના અખાડાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઇન્દ્રભારતીબાપુએ ગુરુપૂર્ણિમા અવસર અને ગુરુનો મહિમા વર્ણવ્યો છે. તેમણે કહ્યું કે, ‘ગુરુ ગોવિંદ દોનો ખડે, કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી જાને ગોવિંદ દિયો બતાયે’ ગુરુ એ સ્ટેજ છે જે ભગવાન સુધી પહોંચાડી શકે. ગુરુ અને ગોવિંદ બે ઊભા હોય તો પ્રથમ પૂજા ગુરુની થાય અને પછી ભગવાનની થાય. અને આજની પણ રીત જોઈએ તો ચાર વ્યક્તિની પૂજા મુખ્ય છે. પ્રથમ માતાની, બીજા નંબરે પિતાની, ત્રીજા નંબરે ગુરુની અને ચોથા નંબરે ઈશ્વરની. ગુરુના ગુરુ દત્તાત્રેય, જેના ગુરુ કોઈ ન હોય તેના ગુરુ દત્તાત્રેય છે અને ગુરુ દત્તાત્રેય એટલા મહાન છે કે એમણે પણ 24 ગુરુ કરેલા હતા. જે 24 ગુરુઓનો આખો મહિમા દીધેલો છે. જેની અંદરથી એમને જ્ઞાન પ્રાપ્ત થયું એમણે એને ગુરુ કરેલા હતા.
એટલે ગુરુઓના ગુરુ દત્તાત્રેય હોય એમણે પણ 24 ગુરુ કરેલા હતા. સાત સમુદ્ર કી શાહી કરું, કલમ કરું વનરાય, પૃથ્વી કા કાગઝ કરું, ગુરુ ગુણ લિખા ન જાયે એવું કહેવાય છે કે, સાત સમુદ્રની શાહી કરો અને કલમ કરો વનરાય, ગુરુ ગુણ લિખા ન જાયે’ એટલે કે સાત સમુદ્રની શાહી કરો અને જે વડ છે એની વડવાઈની કલમ કરો તો પણ ગુરુ મહિમા તમે લખી ન શકો. ગુરુ અનંતા, ગુરુ કથા અનંતા’ એટલે કે ગુરુ અનંત છે અને તેની કથા છે એ અનંત છે. ગુ+રુ એટલે કે ગુ એટલે કે અંધારું અને રુ એટલે અજવાળું. એટલે અંધારામાંથી અજવાળામાં લઇ જાય એ ગુરુ છે. અંધારામાંથી અજવાળામાં લઈ જાય એ ગુરુ છે.
સ્વયંવર એટલે લગ્ન. ગુરુ અને શિષ્યના જ્યારે લગ્ન થાય તે લગનનો અર્થ એ થાય કે ગૃહસ્થ પરંપરામાં સ્ત્રી અને પુરુષના લગ્ન થાય છે, પરંતુ નાદ પરંપરામાં ગુરુ અને શિષ્યના લગ્ન થાય છે. હવે લગ્ન શેના થાય? તો ગુરુનો શબ્દ અને ચેલાની સુરતા એ પરણે છે. અને આજે પરંપરાઓ છે જેવી રીતે અમારી સંન્યાસની પરંપરાઓ રામા અવતારથી એટલે કે તેમાં ભગવાન રામ પણ હતા. આદિ એટલે જ્યાંથી શરૂ થાય તે. આદિ ગુરુ શંકરાચાર્યએ વેદનો પ્રચાર કરવા માટે ચાર દિશાની અંદર ચાર મઠ સ્થાપ્યા. એ ચારેય મઠ સ્થાપીને એક મઠની અંદર ત્રણ શિષ્યોને બેસાડ્યા, બીજા મઠની અંદર ત્રણ શિષ્યોને બેસાડ્યા, ત્રીજા મઠની અંદર બે શિષ્યોને બેસાડ્યા, અને ચોથા મઠની અંદર બે શિષ્યોને બેસાડ્યા. ગિરી, પૂરી, ભારતી, સાગર, વન, અરણ્ય, તીર્થ, સરસ્વતી, પર્વત અને આશ્રમ એ દશનામ કહેવાયા.
ચારેય મઠની અંદર જે જે શિષ્યો બેઠા હતા તેમને બધાને એક-એક વેદ અપાયો. સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ, અને ઋગ્વેદ. ચારેય વેદ આપીને ચારેય દિશાની અંદર ધર્મનો પ્રચાર કરવો, વેદોનો પ્રચાર કરવો, એવી રીતે જગદગુરુ શંકરાચાર્યએ જ્યારે આપણા ધર્મ ઉપર આક્રમણો થતા, વિદ્રોહીઓ હોય ત્યારે જગદગુરુ શંકરાચાર્યએ એક નાગા ફોજ તૈયાર કરી. નાગા ફોજ એટલે એક ધર્મની મિલિટરી છે. એમને અખાડા કહેવાય છે તેમણે સાત અખાડા સ્થાપ્યા હતા જેમાં શસ્ત્રો કેમ ચલાવવા, ધર્મની રક્ષા કેમ કરવી એવી શિક્ષાઓ અને દીક્ષાઓ આપતા.
અને આજે પણ જ્યારે કુંભ મેળો હોય ત્યારે તે મેળાની અંદર આજે પણ શસ્ત્રપ્રદર્શન કરે છે. કેમ કે શસ્ત્ર અને શાસ્ત્રનો વેદ સાધુઓ પાસે હોય છે. એક હાથમાં શસ્ત્ર અને બીજા હાથમાં શાસ્ત્ર. શાસ્ત્રની જરૂર હોય ત્યારે શાસ્ત્રનું જ્ઞાન આપે છે અને જ્યારે ધર્મ અને રાષ્ટ્ર ઉપર કોઈ આફત આવે તો સાધુ શસ્ત્ર ઉપાડવામાં વાર નથી કરતો. તો આજે ગુરુ મહિમા જેટલો કહીએ તેટલો ઓછો છે. 1 કરોડમાં 100મો પૈસો અને એનો 100મો ભાગ આજે કહ્યો છે. બાકી તો સાત સમુદ્ર કી શાહી કરું… ગુરુ ગુણ લિખા ન જાયે…