News Updates
RAJKOT

‘કાળિયા’ રોગથી ઘઉંમાં કાળો કેર:વાતાવરણમાં બદલાવથી ઉપદ્રવ વધ્યો, વીઘે 50 મણની જગ્યાએ માત્ર 15 મણ ઉત્પાદન થશે, શું છે રોગના લક્ષણો, અટકાવવા શું કરવું?

Spread the love

ધોરાજીના અમુક વિસ્તારોમાં ઘઉંના પાકમાં કાળિયો રોગ જોવા મળ્યો

ગુજરાતમાં હાલ સતત વાતાવરણમાં બદલાવ આવી રહ્યો છે, ક્યારેક અચાનક ઠંડી વધી જાય તો ક્યારેક વાદળછાયું વાતાવરણ જોવા મળે છે. તો ક્યારેક તાપમાનનો પારો ઊંચો જોવા મળે છે. સવારે ઝાંકળ અને ઠંડીનો ચમકારો તો બપોરે ઉનાળા જેવો તકડો જોવા મળી રહ્યો છે. આથી વાતાવરણમાં સતત બદલાવની અસર હવે ઘઉંના પાક પર જોવા મળી છે. હાલ ઘઉંમાં ‘કાળિયા’ નામના રોગે ઉપદ્રવ મચાવ્યો છે. આ રોગથી ઘઉંનો છોડ કાળો પડી સૂકાઇ જાય છે અને દાણો નબળો પડી જાય છે. આથી ઘઉંની ગુણવત્તા અને ઉત્પાદન પર મોટી અસર થાય છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે વીઘે 50 મણનો ઉતારો આવે તેમ હતો પણ કાળિયા રોગને કારણે માત્ર 15 મણનો જ ઉતારો આવે એવી શક્યતા છે. ખેડૂતોને નફો તો દૂરની વાત પણ વાવેતરનો ખર્ચ પણ નિકળે શકે તેમ નથી.

ધોરાજી પંથકમાં કાળિયા રોગે હાહાકાર મચાવ્યો
રાજકોટનાં ધોરાજી પંથકમાં કાળિયા રોગે હાહાકાર મચાવ્યો છે. છેલ્લા થોડા દિવસથી અચાનક ગરમી પડતા ઘઉંનાં પાકનો ઉતારો વહેલો આવવાની સંભાવના છે. ઘઉંમાં કાળિયા નામનો રોગ જોવા મળી રહ્યો હોવાથી ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. હજારો રૂપિયાનો ખર્ચ અને તનતોડ મહેનત કરવા છતાં ધારણા કરતા માત્ર 100માંથી 25 ટકા ઉતારો આવે તેવી શક્યતાને પગલે સરકાર દ્વારા ટેકાનાં ભાવે ઘઉંની ખરીદી કરવામાં આવે અથવા નિકાસ કરવાની છૂટ આપવામાં આવે તેવી માગ ખેડૂતોમાં ઉઠી રહી છે.

ખેડૂતોની આશા પર કાળિયા રોગે પાણી ફેરવ્યું
કપાસનાં પાકનો ભાવ પણ પૂરો મળતો ન હોવાથી ખેડૂતોએ કપાસનો પાક કાઢી ઘંઉનું વાવેતર કર્યું હતું. જેમાં મોંઘા ભાવના બિયારણ અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરી ખેડૂતોએ ઘઉંનો પાક ઉછેરીને મોટો કર્યો હતો. ખેડૂતોને સારા ઉત્પાદનની આશા હતી. પણ તેમની આશા પર કાળિયા રોગે પાણી ફેરવી દીધું છે. આથી ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ છવાયો છે. ઘઉંના પાકમાં આટલું મોટું નુકસાન થવાથી ખેડૂતોને તો ‘પડ્યા પર પાટા’ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે ખેડૂતો હવે સરકાર પાસે મદદની આશા રાખી રહ્યા છે. સરકાર દ્વારા નિકાસની છૂટ આપવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે.

સરકાર ઘઉંની નિકાસની છૂટ આપે
જયેશભાઈ લાખાણી નામના ખેડૂતે જણાવ્યું હતું કે, ઘઉંનો પાક શિયાળુ અને રોકડિયો પાક ગણાય છે. આ કારણે ધોરાજી-ઉપલેટા તાલુકામાં ખેડૂતોએ ઘઉંનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું હતું. આ વખતે સરકાર ઘઉંની નિકાસની છૂટ આપતી નથી. બીજી તરફ વાતાવરણ અનુકૂળ નહીં હોવાથી ઉતારો પણ ઓછો આવે તેમ છે. તેમજ ‘કાળિયા’નો રોગ અને ઈયળો આવતા 50 મણ ધારણા સામે માત્ર 15 મણ ઉત્પાદન થાય તેમ છે. ત્યારે સરકાર દ્વારા ઘઉંની નિકાસની છૂટ આપવામાં આવે તે જરૂરી છે.

કપાસમાં સારું ઉત્પાદન નહીં થતા ઘઉં વાવ્યા
તોરણિયા ગામના ખેડૂત ભરતભાઈ દુર્લભભાઈ ધુલિયા જણાવે છે કે, મેં કપાસમાં ઉત્પાદન નહીં મળતા 10 વીઘા જમીનમાંથી કપાસ કાઢીને ઘઉંનું વાવેતર કર્યું હતું. કપાસમાં સારું ઉત્પાદન નહીં મળવા છતાં ઘઉંમાં વિઘે 7થી 8 હજાર રૂપિયા ખર્ચીને ઘઉંનું વાવેતર કર્યું હતું. જેમાં ‘કાળિયા’ નામનો રોગ આવી ગયો છે. દર વર્ષે 50થી 60 મણ જેટલા ઘઉં થાય છે. જેને બદલે આ વખતે માત્ર 15થી 20 મણનું ઉત્પાદન થવાની શક્યતા છે. ત્યારે સરકાર દ્વારા નિકાસની છૂટ આપવામાં આવે તો ખેડૂતોને થોડી રાહત મળે તેવી શક્યતા છે.

રોગને કેવી રીતે ઓળખશો
કાળિયો રોગ (અંગ્રેજીમાં પ્લાઇટ કહેવામાં આવે છે) એ વાતાવરણમાં બદલાવ આવતા પાકમાં જોવા મળે છે. આ રોગને ઓળવો હોય તો શરૂઆતમાં ઘઉંના પાકમાં પાંદડા પર કથ્થઇ રંગની ટિપકી જોવા મળ છે. સમય જતા આ રોગનું પ્રમાણ વધે છે. પાંદડા બાદ ડાળીઓ પર આ રોગ પ્રસરે છે, ડાળીઓ પર બદામી રંગની પટ્ટીઓ જોવા મળે છે. ફૂગવાળું વાતાવરણ મળતા રોગ ખૂબ જ ઝડપથી ફેલાય છે. જેના માટે વાદળછાયું વાતાવરણ મુખ્ય કારણભૂત બને છે. જેમાં આખા છોડ કાળા પડીને સૂકાય જાય છે.

ક્યારામાં વધુ પડતું પાણી ભરાય રહેવું પણ જોખમી
આ રોગ પાછળ બીજું કારણ એ છે કે, એકમ કરતા છોડની વધુ સંખ્યા, કમોસમી વાતાવરણ, ક્યારામાં વધુ પડતું પાણી ભરાય રહે ત્યારે ભેજનું પ્રમાણ વધે છે અને આ રોગને અનુકૂળ વાતાવરણ મળે અને આ રોગ ફેલાય છે. આ રોગ અટકાવવા માટે લાંબા ગાળે એકનો એક પાક વાવતા હોવ તો પાકની ફેરબદલી કરવી જોઈએ, રોગમુક્ત બિયારણની પસંદગી કરવી જોઈએ. બીજને જ્યારે વાવીએ ત્યારે ફૂગ નાશક દવાનો પટ ખાસ લગાવવો જોઈએ. એક કિલોએ 3 ગ્રામ દવાનો પટ લગાવવો જોઈએ.

ક્યારા નાના અને સમતલ બનાવવા
ઘઉંનું છાંટીને વાવેતર કરવાને બદલે ઓરણીથી 30 સેન્ટિમીટરના અંતરે વાવેતર કરવામાં આવે તો આ રોગ અટકાવી શકાય છે. પિયત બાદ આંતર ખેડ કરવામાં આવે તો આ રોગ પર નિયંત્રણ મેળવી શકીએ છીએ. ક્યારા નાના અને સમતલ બનાવવા જોઈએ, જેથી પાણી ભરાય રહેવાની શક્યતા ઘટી જાય છે અને ભેજ વધતો નથી. નાઇટ્રોજનયુક્ત ખાતર એમોનિયા અને યુરિયાનો વધુ પડતો ઉપયોગ પણ નુકસાન પહોંચાડે છે. બાજુમાં જીરૂ અને રાયડાનું વાવેતર હોય તો ઘઉંના પાકમાં આ રોગ આવવાની શક્યતા વધી જાય છે.

પોક અવસ્થામાં પિયત કર્યા પછી પિયત ન કરવું
વાતાવરણમાં વાદળછાયું, માવઠાની શક્યતા અને ભેજનું પ્રમાણ વધુ હોય ત્યારે ઘઉંના પાકમાં કાળિયા નામનો રોગ પગ પેસારો કરે છે. આ રોગ ઘઉંના ઉત્પાદન અને ગુણવત્તા પર અસર કરે છે. કાળિયા રોગથી ઘઉંના ભૂણ (દાણાના ઉપરના ભાગે) પર કાળુ ટપકું પડે છે. ખાસ કરીને મોટા દાણાની જાતો છે એમાં આ પ્રમાણ વધારે જોવા મળે છે. જે દાણાના ઉત્પાદન પર અસર કરે છે અને માર્કેટમાં યોગ્ય ભાવ પણ મળતા નથી. ખાસ કરીને છેલ્લું પિયક પોક અવસ્થાએ આપવામાં આવે છે (વાવેતરના 90થી 95 દિવસે) ત્યારબાદ પિયત આપવાનું બંધ કરવું જોઈએ. જો પિયત આપવામાં આવે તો આ રોગની તિવ્રતા વધી જાય છે. જો આ રોગને અટકાવવો હોય તો બજારમાં મળતી ફૂગનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ.


Spread the love

Related posts

આખલાએ યુવતીને ઉલાળ્યાના CCTV:રાજકોટમાં ભૂરાયો થયેલો આખલો રસ્તા પર દોડતો દોડતો આવ્યો ને ચાલુ ટુવ્હિલર પર જતી યુવતીને ઢીંક મારી પછાડી

Team News Updates

PADADHARIમાં મામલતદાર કચેરી ખાતે આધાર કેન્દ્ર શરૂ,ભાજપ અગ્રણી રોહિત ચાવડાની રજુઆતને સફળતા

Team News Updates

‘તને હું જીવતો નહિ રહેવા દઉ’:રાજકોટમાં પૈસાની લેતી-દેતી મામલે યુવકે 4 સ્થળોએ સ્કોર્પિયોથી ઈંડાની લારીઓ ઉડાવી, માથાકૂટ કરી હત્યાની ધમકી

Team News Updates