રસ્તા પર નાના ધંધાર્થીઓનાં દબાણ સામે SINGHAM બની બેઠેલ મનપાનાં અધિકારીઓ મનફાવે તેવા ખડકાયેલા ગેરકાયદે બાંધકામ સામે કાર્યવાહીમાં લાચાર કેમ??
રાજકોટ,તા.૨૧:રંગીલા RAJKOTની ચહલપહલથી આકર્ષાઈને સૌ અહીં વસવા ઇચ્છતા હોય છે, આ કારણે અહીં ખૂબ બાંધકામોનાં કામ ચાલતાં હોય છે, પણ શું તમે જાણો છો કે આ બાંધકામ કાયદેસર છે કે ગેરકાયદે, એ કોઈ જોતું નથી. લોકોને છત્ર મળે એ માટે ઠેર-ઠેર ગગનચુંબી ઇમારતો બને છે. સૌકોઈ એવું વિચારે છે કે પોતાનું એક ઘર તો હોવું જ જોઈએ, પણ શું તમે જાણો છો કે તમે જ્યાં રહો છો અથવા જ્યાં જગ્યા લેવા માગો છો એ કાયદેસર છે કે ગેરકાયદે. જો બાંધકામ ગેરકાયદે હોય તો તમારે ખાલી કરવું જ પડે છે. ત્યાર બાદ ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવે છે ત્યારે આપણે કઈ જ નથી કરી શકતા. આપણે આપણા જીવનની જમાપૂંજી ઘર ખરીદવામાં લગાવતાં હોઈએ છીએ, તો આપણે ખૂબ જ ચોકસાઈ રાખવી જરૂરી છે. નવું થઈ રહેલું બાંધકામ રેરા સાથે જોડાયેલું છે કે નહીં એ જોવું જરૂરી છે.
ગેરકાયદે બાંધકામ અટકાવવા માટે તમે તમારી ફરિયાદ કલેક્ટરને નોંધાવી શકો છો. ઘણી વખત આવી અરજીઓ કર્યા પછી પણ ગેરકાયદે બાંધકામ અટકાવવામાં આવતું નથી, કારણ કે ત્યાં રાજકારણીઓની સાઠગાંઠને કારણે આ કૃત્ય પર લગામ લગાડવામાં આવતી નથી. આવા સમયે જાહેર જનતા ન્યાય માટે જાય તો ક્યાં જાય? આવા સમયે તમે કાયદાનો ઉપયોગ કરી શકો છો, માટે ગેરકાયદે બાંધકામ ન જ થવું જોઈએ.
ખાસ કરીને હાલમાં જ્યારે રંગીલા રાજકોટની વાત કરવામાં આવે છે ત્યારે સૌ કોઈ પોતાના અંગત લાભ માટે ગુજરાત રીયલ એસ્ટેટ રેગુલેટરી ઓથોરીટી એટલે કે રેરા અને રાજકોટ મહાનગરપાલિકાનાં તમામ નિયમો મુકીને બેફામ બાંધકામને સમર્થન આપી રહ્યા છે અને પોતે બાંધકામ કરી રહ્યા છે.
ખરેખર, આ ગેરકાયદેસર અને બેફામ થતા ગેરકાયદે બાંધકામ રોકવાની જેમની જવાબદારી છે તે રાજકોટ મહાનગરપાલિકા વિભાગનાં જે-તે વોર્ડનાં આસીસ્ટન્ટ ટાઉન પ્લાનરથી લઈને ઉપલી સીસ્ટમ સુધી કોઈને પણ કાઈ જ ફેર પડતો નથી એ બધાનું જીવન એક જ સુત્ર પર ચાલે છે અને એ સુત્ર છે…અપના કામ બન્તા,તો ભાડ મેં જાયે જનતા..
પરંતુ વર્ષો પહેલા અને તાજેતરમાં બનેલી ઘણી નાના-મોટી ઇમારતોમાં છેડ-છાડ કરીને રાજકોટ મહાનગરપાલિકાને ચૂનો ચોપડનારા અત્યારે રાજકોટનાં દરેક વોર્ડમાં વસે છે અને નવાઈની વાત તો એ છે કે,આ કાંડમાં ફક્ત આ લોકો એકલાજ નથી પરંતુ રાજકોટ મહાનગરપાલિકાની ખાસ ગણાતી ટાઉન પ્લાનિંગ શાખાનાં અમુક કર્મચારીઓ પણ ભાગ બટાઈ મેળવીને પોતાના ખિસ્સા ભરી જ લે છે. અને ઉચ્ચ અધિકારીઓને આ કાંડનો અંદાજ પણ કોઈ મોટી દુર્ઘટના ન બને તો આવવા જ નથી દેતા તેટલા માહેર છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ મહાનગરપાલીકાનાં પૂર્વ કમિશનર અમિત અરોરા(IAS AMIT ARORA) દ્વારા રાજકોટમાં સેંકડો ગેરકાયદે બાંધકામો પર ડીમોલેશનનો હથોડો લાગાવવામાં આવ્યો હતો પરંતુ વર્તમાન મ્યુનીસીપલ કમિશનર આનંદ પટેલ(IAS ANAND PATEL)ની કામગીરી પણ જરાયે અવગણવા લાયક તો નથી જ.કેમ કે, તેઓએ પણ મહાનગરપાલિકાની કરોડોની જમીન પર કરાયેલા સેંકડો દબાણો દૂર કરીને ડીમોલેશન કર્યા જ છે. પરંતુ હાઈરાઈઝ બિલ્ડીંગમાં વૈભવશાળી જીવનની ભૌતિક સુવિધાઓ વધારવા માટે થતા તોતિંગ ગેરકાયદે બાંધકામો કેટલા યોગ્ય અને કેટલા કાયદેસર તેનો જવાબ તો રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશનર સાહેબ પોતે જ જાણે!!
વર્ષ-૨૦૨૧માં ગેરકાયદે બાલ્કની વધારવાનાં બાંધકામ દરમ્યાન થયા હતા ૨ શ્રમિકોનાં મોત
આવા કિસ્સામાં જવાબદાર કોણ? બિલ્ડર,રહેવાસીઓ કે પછી રાજકોટ મહાનગરપાલિકા??
શહેરમાં ગેરકાયદે બાંધકામોનો ખડકલો થયો હોય તેમ અવાર-નવાર અકસ્માતોના બનાવ બનતા રહે છે ત્યારે શહેરની ભાગોળે મવડી વિસ્તારમાં જીવરાજપાર્ક નજીક આવેલા બ્લોસમ સીટી એપાર્ટમેન્ટમાં ગેરકાયદે બાંધકામનો માચડો તુટતા ત્રણ શ્રમિકો દટાયા હતા જેમાંથી બેના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા ત્યારે એક શ્રમિકને ગંભીર ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો.જાણવા મળતી વિગત વિગત મુજબ જીવરાજપાર્ક વિસ્તારમાં અંબિકા ટાઉનશીપ નજીક આવેલા બ્લોસમ સીટી નામના ચાર માળના એપાર્ટમેન્ટમાં બિલ્ડર દ્વારા ગેરકાયદે બાલ્કની વધારવાનું કામકાજ ચાલતુ હોય જેમાં આજે સવારે દસ વાગ્યાના અરસામાં એપાર્ટમેન્ટના ચોથા માળે સ્લેબ વધારવા માટે ત્રાપાટેકા ઉભા કરેલા હોય જે શ્રમીકો કાઢી રહ્યા હતા ત્યારે અચાનક સ્લેબ ધરાશાઈ થતા દુર્ઘટના સર્જાય હતી. જેમાં ચોથા માળે કામ કરી રહેલા ત્રણ શ્રમિકો દટાઈ ગયા હતા. બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના પીઆઈ સહિતનો સ્ટાફ અને ફાયર બ્રિગેડની ટીમ દોડી ગઈ હતી.
ફાયરબ્રિગેડના જવાનોએ કાટમાળ હટાવવાની કામગીરી કરતા કાટમાળ નીચે દટાયેલા ત્રણ શ્રમિકોને ઈજાગ્રસ્ત હાલત માટે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જે પૈકી ગંભીર રીતે ઘવાયેલા રાજુભાઈ ખુશાલભાઈ સાગઠિયા (ઉ.૩૫, રહે.ચામુંડાનગર-૪, માયાણીચોક પાસે) તથા શિવાનંદ (ઉ.૨૪)નું મોત નીપજ્યુ હતું. જ્યારે સુરજ સહેજારી રામ (ઉ.૨૪)ને ઈજાગ્રસ્ત હાલતમાં દાખલ કરાયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક રાજુભાઈ ત્રણ ભાઈ એક બહેનમાં મોટા અને સેન્ટ્રીંગ કામની મજુરી કરતા હોવાનું તથા સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યુ છે તેઓ છેલ્લા એક મહિનાથી બ્લોસમ સીટી એપાર્ટમેન્ટમાં રીનોવેશનનું કામ કરી રહ્યા હતા. આ બનાવથી બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી દેતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે જ્યારે પરપ્રાંતિય યુવાનના મોતથી પણ તેના પરિવારમાં પણ શોકની લાગણી છવાઈ હતી.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ મહાનગરપાલિકા શું હજુ ઉપરોક્ત ઘટનાના વિશાળ પુનરાવર્તનની રાહ જોઈ રહી છે કે શું? આખરે,મનપાનું તંત્ર ક્યારે જાગશે અને આવા ગેરકાયદે બાંધકામ સામે સખ્ત કાર્યવાહી કરશે તે પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે.