શહેરી વિસ્તારની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ ડ્રગ્સ તેમજ નશાકારક દ્રવ્યોનું સેવન વધી રહ્યું છે. જેથી પોલીસ પણ એક્ટિવ થઈ છે. નવસારીના અંતરિયાળ આદિવાસી વિસ્તારમાંથી પોલીસે એક દિવ્યાંગ પાસેથી ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ દિવ્યાંગની ગાંજો સંતાડવાની મોડસ ઓપરેન્ડી તેમજ ક્યા કારણે તેણે પગ ગુમાવ્યાં અને તે બાદ કેવી રીતે તે નશાના રવાડે ચડ્યો તે જાણી પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
ગેરકાયદેસર પ્રવૃત્તિએ દિવ્યાંગને જેલની હવા ખવડાવી
વિકલાંગતા માનવી માટે સૌથી કષ્ટદાયક પરિસ્થતિ હોય છે. જેમાં આમ નાગરિક જેવા કાર્યો દિવ્યાંગ વ્યક્તિ સહેલાઈથી કરી શકતા નથી, પરંતુ કેટલાક આવી પરિસ્થિતિને સકારાત્મક પદ્ધતિથી જીવન જીવે છે તો કેટલાક ગુનાના રવાડે ચડી જીવન બરબાદ કરે છે. આ વચ્ચે ખેરગામના 50 વર્ષીય વૃદ્ધ વાસુદેવ જોશી એ પણ દિવ્યાંગતાને ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે જોડતા તેને હાલ જેલ જવાનો વારો આવ્યો છે.
નકલી પગમાં ગાંજાની પડીકી રાખી
નવસારીના આદિવાસી પટ્ટામાં ગાંજાનો વેપલો થતો હોવાની ફરિયાદોને આધારે સતર્ક થયેલી ખેરગામ પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં નકલી પગમાં ગાંજાની પડીકી રાખી, ખેરગામની શાળા નજીકમાં નશાનો વેપલો કરતા દિવ્યાંગ આધેડને ગાંજા સાથે ઝડપી પાડ્યા હતા. આ આધેડ તેના યુવાન મિત્રને ગાંજો આપવા આવતા પોલીસે 5 હજારથી વધુના ગાંજાનો જથ્થા સાથે બન્ને પકડી પાડ્યા હતા. તેમજ પોલીસે એક મહિલાને વોન્ટેડ જાહેર કરી તપાસને વેગ આપ્યો છે.
મિત્રને ગાંજો વેચવા આવ્યોને પોલીસે ઝડપી લીધો
નવસારી જિલ્લામાં નશાનો કારોબાર ફૂલો ફાલ્યો છે ખાસ કરીને આદિવાસી અંતરિયાળ વિસ્તારમાં યુવાનો નશાના રવાડે ચડ્યા છે. જિલ્લા પોલીસ પણ નાર્કોટીક્સની પ્રવૃત્તિઓને રોકવા માટે સતર્ક થઇ છે. ખેરગામ પોલીસના PSI એમ. બી. ગામીતને બાતમી મળી હતી કે, ખેરગામના પારસીવાડમાં જનતા સ્કૂલ પાસે રહેતો વાસુદેવ જોશી ગાંજાનો વેપલો કરે છે અને તેનો મિત્ર તથા વલસાડના અટગામ અતુલ ફળિયામાં રહેતો વિપ્રેશ ઉર્ફે ચકો જીગ્નેશ મોર્ય ગાંજો લઈને ચકાને આપવા પારસીવાડ આવનાર છે. જે બાતમીને આધારે પોલીસે ફિલ્ડીંગ ગોઠવી હતી, એ દરમિયાન વાસુદેવ પોતાની બાઈક પર 5050 રૂપિયાનો 505 ગ્રામ ગાંજાનો જથ્થો લઈને ચકાને આપવા જતા પોલીસે બંને મિત્રોને રંગે હાથ પકડી પાડ્યા હતા.
ગાંજાનો જથ્થો પહોંચાડનાર મહિલા વોન્ટેડ
પોલીસે વિપ્રેશ ઉર્ફે ચકો મોર્ય અને વાસુદેવ જોશીની ધરપકડ કરી, ઘટના સ્થળેથી 5 હજારના ગાંજા સાથે 45 હજાર રૂપિયાની બાઈક અને 500 રૂપિયાના મોબાઈલ ફોન મળીને કુલ 50,550 રૂપયાનો મુદ્દામાલ કબ્જે કરી, ખેરગામ પોલીસ મથકે નાર્કોટીક્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ આરંભી છે. જયારે બંને મિત્રોને ગાંજાનો જથ્થો પહોંચાડનારી તાપીના વ્યારાની રેખા ગાયકવાડને પોલીસે વોન્ટેડ જાહેર કરી છે.
કેવી રીતે પગ ગુમાવ્યાં? કેવી રીતે નશાના વેપલાને રવાડે ચડ્યો?
આરોપી વાસુદેવ જોશી ધોરણ 12 પાસ થયા બાદ અકસ્માતે રેલવેમાં તેના બંને પગ કપાઈ ગયા હતા. થોડો સમય તેણે કોઈ જગ્યાએ કામ કરી જીવન વ્યતીત કર્યું હતું, પરંતુ વધુ પૈસા મેળવવાની લાલચ અને દેવું થઈ જતા શોર્ટકટમાં રૂપિયા કમાવવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો. દિવ્યાંગે તેના કપાયેલા પગના સ્થાને આર્ટિફિશિયલ પગ લગાવી તેમાં ગાંજો ભરી વેપલો શરૂ કર્યો હતો. શરૂઆતમાં પગમાં ગાંજાના જથ્થા સાથે ચાલવામાં તકલીફ પડતી હતી પરંતુ આર્થિક લાભ થતા તેણે તકલીફ પણ સહન કરી અને ગાંજાનો વેપલો શરૂ રાખ્યો હતો.
પાંચ વર્ષથી ગાંજાનો વેપલો કરતો
વિકલાંગ હોવાથી કોઈપણ સરકારી એજન્સી તેના ઉપર સહેલાઈથી શક ન કરે તેના માટે આર્ટિફિશિયલ પગમાં ગાંજો સહિત અન્ય નશીલા દ્રવ્યો ભરીને તે વેચાણ કરતો હતો. આ વેચાણ આશરે તે પાંચ વર્ષથી કરતો હોવાનો અંદાજ પોલીસે વ્યક્ત કર્યો છે. મોટાભાગે તે કાર કે બસમાં સામાન તાપીથી લઈને આવતો હતો પરંતુ જે દિવસે તેની ધરપકડ થઈ તે દિવસે તે મોટરસાયકલ ઉપર માલ આપવા ગયો હતો, અને ખેરગામ પોલીસના હાથે ઝડપાયો હતો. પોલીસે ગાંજાના વેપલાનો પર્દાફાશ કરી નાખ્યો હતો.
હાઈસ્કૂલ પાસે જ નશાનો કારોબાર ચલાવતો
ખેરગામ પોલીસે પકડાયેલા આરોપીઓના રિમાન્ડ મેળવી આગળની તપાસને વેગ આપ્યો છે. જેમાં પ્રાથમિક તપાસમાં આરોપી વિપ્રેશ ઉર્ફે ચકો પગે દિવ્યાંગ હોવાથી, તેના આર્ટીફીશ્યલ પગમાં ગાંજાની નાની 100 રૂપિયાની પડીકીઓ બનાવી સંતાડી રાખતો અને ખેરગામની જનતા હાઈસ્કૂલ પાસે જ નશાનો કારોબાર ચલાવતો હતો. જેને મિત્ર વાસુદેવ જોશી, તાપીની મહિલા પાસેથી ગાંજો લાવીને આપતો હતો.
પોલીસે હાલ આગળની તપાસ હાથ ધરી
નવસારી જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક એસ.કે.રાયે જણાવ્યું કે, ખેરગામમાં આરોપી વાસુદેવ જોશી અને તેનો મિત્ર ચકો બાઈક ઉપર વ્યારાથી ગાંજાનો જથ્થો લાવીને વેચાણ કરતા હતા જેની બાતમી ખેરગામ પોલીસને મળતા બાઈક ઉપર ખેરગામમાં પ્રવેશતી વેળા બંનેને રોકી ચકાસણી કરતા આરોપી વાસુદેવ જોશીના આર્ટિફિશિયલ પગમાંથી 500 ગ્રામ જેટલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેના આધારે બંનેની ધરપકડ કરવામાં આવી છે સાથે જ ગાંજાનો જથ્થો ઉપલબ્ધ કરાવનાર તાપીની એક મહિલાને પણ વોન્ટેડ જાહેર કરવામાં આવી છે. પોલીસે હાલ આગળની તપાસ હાથ ધરી છે.