ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની સોમવારે લંડનમાં એડીની સફળ સર્જરી કરવામાં આવી હતી. શમીએ તેના સોશિયલ મીડિયા પર એક ફોટો પોસ્ટ કરીને આ માહિતી આપી હતી. શમીએ ગયા વર્ષે ટીમ ઈન્ડિયા માટે ODI વર્લ્ડ કપ રમ્યો હતો, જે બાદ તે ઈજાના કારણે ક્રિકેટ રમી શક્યો નહોતો.
શમીએ સોશિયલ મીડિયા પર ફોટા પોસ્ટ કરીને લખ્યું, મારી એડીનું સફળ ઓપરેશન થયું. રિકવરી થવામાં સમય લાગશે પરંતુ હું મારા પગ પર ઊભો થવા અને જલદી બોલિંગ કરવા માટે ઉત્સાહિત છું.
8 મહિના માટે બહાર હોઈ શકે છે
સર્જરી બાદ શમીને લગભગ 3 થી 4 મહિના આરામ કરવો પડી શકે છે. આ પછી જ તે પ્રેક્ટિસ શરૂ કરશે. NCA તરફથી ફિટનેસ ક્લિયરન્સ મળ્યા બાદ જ તેને મેચ રમવાની મંજૂરી મળશે. આમાં 6 થી 8 મહિનાનો સમય લાગી શકે છે.
PTIના જણાવ્યા અનુસાર, સર્જરી બાદ શમી IPL તેમજ T20 વર્લ્ડ કપ પણ રમી શકશે નહીં. સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં યોજાનારી બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ શ્રેણી માટે પણ તેના માટે ફિટ રહેવું મુશ્કેલ છે. જોકે BCCIને આશા છે કે ડિસેમ્બરમાં ઓસ્ટ્રેલિયા સામે શરૂ થનારી ટેસ્ટ શ્રેણી સુધીમાં શમી ફિટ થઈ જશે.
શમી 3 અઠવાડિયાથી લંડનમાં હતો
શમી જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં લંડન ગયો હતો. જ્યાં તેણે પગની ઘૂંટી માટે ખાસ ઈન્જેક્શન લીધાં હતાં. ડૉક્ટરોએ તેને કહ્યું કે તે 3 અઠવાડિયાં પછી દોડવાનું શરૂ કરી શકે છે. જો તેને સારું લાગ્યું હોત તો તેણે દોડ્યા પછી બોલિંગ શરૂ કરી દીધી હોત, પરંતુ ઈન્જેક્શનની અપેક્ષા મુજબ અસર દેખાઈ નહીં. આવી સ્થિતિમાં શમી પાસે સર્જરી કરાવવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો ન હતો.
IPLમાં મોહમ્મદ શમીનું પ્રદર્શન શાનદાર રહ્યું
મોહમ્મદ શમીએ IPL 2023માં પણ જોરદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 17 મેચમાં 18.64ની એવરેજથી સૌથી વધુ 28 વિકેટ લીધી હતી અને તે સિઝનનો પર્પલ કેપ વિનર બન્યો હતો. તેની IPL કારકિર્દી ઘણી શાનદાર રહી છે. તેણે અત્યાર સુધી 110 IPL મેચ રમી છે, જેમાં તેણે 26.87ની એવરેજ અને 8.44ની ઇકોનોમી રેટથી 127 વિકેટ લીધી છે. તેણે બે વખત એક ઇનિંગમાં ચાર વિકેટ લીધી છે.
સાઉથ આફ્રિકા અને ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝ રમી નથી
ગયા વર્ષે નવેમ્બરમાં વર્લ્ડ કપ પૂરો થયા બાદ શમી ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો. તે ગયા વર્ષના અંતમાં દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાનો ભાગ હતો. પરંતુ બે ટેસ્ટ મેચની શ્રેણી પહેલાં તે એડીની ઈજાને કારણે બહાર થઈ ગયો હતો. આ પછી, તે ઇંગ્લેન્ડ સામે ચાલી રહેલી ઘરેલુ ટેસ્ટ શ્રેણીનો ભાગ પણ બની શક્યો ન હતો.
શમી વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો
મોહમ્મદ શમી ઈજા છતાં ગયા વર્ષે ઓક્ટોબર અને નવેમ્બરમાં વનડે વર્લ્ડ કપ રમ્યો હતો. તેણે ટુર્નામેન્ટની 7 મેચમાં સૌથી વધુ 24 વિકેટ લીધી હતી. આ સાથે તે વર્લ્ડ કપમાં 50થી વધુ વિકેટ લેનારો પ્રથમ ભારતીય બોલર બન્યો છે.