વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં PCBએ એક બુટલેગરના ઘરે દરોડો પાડ્યો હતો. જેમાં મકાનની અંદર બનાવેલા ચોરખાના અને ડીજેના સ્પીકરોની અંદર દારૂનો જથ્થો પીસીબી પોલીસે ઝડપી પાડ્યો છે. દારૂનું જથ્થો જોતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. બુટલેગરે બેનંબરના ધંધા માટે ઘરની બે દિવાલો વચ્ચે એક ચોરખાનું બનાવ્યું હતું. આ સાથે જ ઘરમાં રહેલા ડીજેના સ્પીકરમાં પણ મોટી માત્રામાં દારૂનો જથ્થો સંતાડ્યો હતો. PCB પોલીસે એકની ધરપકડ કરી, ત્રણ આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે.
ડીજેની આડમાં દારૂનું વેચાણ
વડોદરા પીસીબીના એ.એસ.આઇ અરવિંદ કેશવરાવને બાતમી મળી હતી કે, પ્રદિપ ઉર્ફે પિન્ટુ ધનેશભાઇ ગવલી (રહે. એ-13 રૂમ નં.-7, ઉર્મી એપાર્ટમેન્ટ, કમાટીપુરા, ફતેગંજ, વડોદરા) ડીજેનો વ્યવસાય કરે છે અને ડીજેના ઇન્સ્ટ્રુમેન્ટ તેના ઘરે રાખે છે. આ મકાનમાં ડી.જે.ના ધંધાની આડમાં વિદેશી દારૂનું વેચાણ કરે છે. આ બાતમીના આધારે પીસીબી પીઇ એસ.ડી. રાતડાની સૂચનાથી ટીમે ઉર્મી એપાર્મેટન્ટમાં રેડ કરી હતી. આ દરમિયાન મકાનના બેઠક રૂમની એત તરફની દિવાલ અને બેડરૂમની એક તરફની દિવાલને પાર્ટીશન કરીને ચણતર કર્યું હતું. આ બંને દિવાલોમાં બનાવેલા ચોર ખાનામાંથી અને ડીજેના નાના-મોટા સ્પીકરોની અંદરથી 3.5 લાખની કિંમતનો 40 પેટી (480 બોટલ) દારૂ મળી આવ્યો હતો.
એક આરોપીની ધરપકડ
પીસીબીએ વિદેશી દારૂ, રોકડ રકમ, 3 મોબાઇલ, ડીજેના 9 સ્પીકર મળીને કુલ મળીને કુલ 6.36 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપી પ્રદિપ ઉર્ફે પીન્ટુ ગવલી (કહાર)ની ધરપકડ કરી છે અને પવન, રવિ અને મહિડાના નામના 3 શખસને વોન્ટેડ જાહેર કર્યાં છે. આ મામલે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને આરોપી પ્રદિપ ઉર્ફે પિન્ટુને ફતેગંજ પોલીસને સોંપ્યો છે.
પોલીસે તપાસ શરૂ કરીઃ પીઆઇ
પીસીબી પીઆઇ એસ.ડી રાતડાએ જણાવ્યું હતું કે, આરોપીના ઘરમાં બનાવેલા ચોરખાના અને સ્પીકરની અંદર છુપાવેલો દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.