આજે દેશભરમાં વિશ્વ મહિલા દિવસની ઉજવણી થઈ રહી છે. ત્યારે અલગ અલગ જગ્યાએ મહિલાઓને સન્માનિત કરવામાં આવે છે. ત્યારે રાજકોટના પૂર્વ કોર્પોરેટર અને ગુજરાત પ્રદેશના સનાતન ધર્મ સમિતિના અધ્યક્ષ વિજય વાંક દ્વારા આજે સતત 8માં વર્ષે વિશ્વ મહિલા દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. તેમનાં દ્વારા દર વર્ષે વિશ્વ મહિલા દિવસે જન્મતી દીકરીઓને સોનાની ચૂંક અને રૂ.100ની ભેટ આપવામાં આવી હતી. આજે મધર એન્ડ ચાઈલ્ડ સરકારી હોસ્પિટલમાં જન્મેલી 5 દીકરીઓને સોનાની ચૂંક આપી મહિલા દિવસની ઉજવણીનો પ્રારંભ કર્યો હતો.
અવિરત કાર્યનું આ 8મું વર્ષ
આશાબા વાઘેલાએ જણાવ્યું હતું કે, સનાતન ધર્મ રક્ષક સમિતિના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ વિજય વાંક દ્વારા છેલ્લા 7 વર્ષથી વિશ્વ મહિલા દિવસે જન્મતી દીકરીને સોનાની ચૂંક અને રૂ.100ની ભેટ આપવામાં આવે છે. અને આ વખતે આ 8મું વર્ષ છે. મધર ચાઈલ્ડ હોસ્પિટલ, પદ્મકુંવરબા હોસ્પિટલ કે અન્ય કોઈ હોસ્પિટલમાં દીકરીનો જન્મ થાય તો તેને સોનાની ચૂંક, રૂ.100 અને ગુલાબનું ફૂલ ભેટમાં આપી દીકરીઓને વધાવવામાં આવી રહી છે. વિજયભાઈ લગ્ન પ્રસંગમાં હોવાથી આજે મહિલા પાંખ દ્વારા મધર ચાઈલ્ડ હોસ્પિટમાં જન્મેલી 5 દીકરીઓને સોનાની ચૂંક આપવામા આવી છે.
મધર ચાઈલ્ડ હોસ્પિ.માં 5 દીકરીઓને ભેટ આપવામાં આવી
તેમણે જણાવ્યું હતું કે, સરકારી હોસ્પિટલ વિશ્વ મહિલા દિવસે જન્મેલી દીકરીઓને છેલ્લા 9 વર્ષથી સોનાની ચૂંક ભેટમાં આપવામાં આવે છે. ત્યારે અત્યાર સુધીમાં 263 જેટલી દીકરીઓને સોનાની ચૂંક અને રૂ.100ની ભેટ ગુલાબના ફૂલ સાથે આપવામાં આવી છે. મધર ચાઈલ્ડ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં જન્મેલી 5 દીકરીઓને આ ભેટ આપવામાં આવી છે. જેનાથી ગરીબ અને મધ્યમ વર્ગની દીકરીના પરિવારમાં ખુશીની લહેર ફેલાઈ છે. આજના દિવસે જન્મેલી લક્ષ્મીને સોનાની ચૂંક આપી મહિલા દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે.
બાળકીની માતા સહિતના પરિવારજનોના મુખ પર ખુશી
ઉલ્લેખનીય છે કે, આજે જ્યારે રાજકોટની જૂની જનાના અને હાલની સરકારી આધુનિક મધર એન્ડ ચાઈલ્ડ હોસ્પિટલમાં જન્મેલી દીકરીઓના પરિવારને સોનાની ચૂંક આપવામાં આવી રહી હતી. ત્યારે બાળકીની માતા સહિતના પરિવારજનોના મુખ પર ખુશી જોવા મળી રહી હતી. વિજય વાંક લગ્ન પ્રસંગમાં હોવાથી તેમના બદલે આ સત્કાર્ય કરવા પહોંચેલી મહિલા પાંખ પણ ખુશ થઈ ગઈ હતી અને જણાવ્યું હતું કે, મહિલા દિવસની આનાથી સાર્થક ઉજવણી બીજી કોઈ હોઈ જ ન શકે.