અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરે વર્ષ 2022માં જાહેરનામું બહાર પાડ્યું હતું. જેમાં ખાનગી ટૂરિસ્ટ બસોને સવારે 8થી રાત્રિના 10 વાગ્યા સુધી શહેરમાં પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. જેને ખાનગી ટ્રાવેલ્સ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. અગાઉ સિંગલ જજે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરના જાહેરનામાને યોગ્ય ઠેરવ્યું હતું. ત્યારબાદ આજે ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ અનિરૂદ્ધ માયીની બેન્ચ દ્વારા પણ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરના જાહેરનામાને યોગ્ય ઠેરવ્યું હતું અને ખાનગી ટ્રાવેલ્સની અરજી ફગાવી દીધી હતી.
આજની સુનાવણીમાં અરજદારે જણાવ્યું હતું કે, અગાઉ સિંગલ જજે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર દ્વારા ખાનગી ટ્રાવેલ્સને લઈને વર્ષ 2004ના જાહેરનામા ઉપર ચુકાદો આપ્યો હતો. જેને અપીલમાં પડકારતા તેને પણ નકારી દેવામાં આવી હતી. પરંતુ ખાનગી ટ્રાવેલ્સ સંદર્ભે વર્ષ 2004 અને 2022ના શહેર પોલીસ કમિશ્નરના જાહેરનામામાં ફેર છે. વર્ષ 2004ના જાહેરનામામાં ખાનગી બસોને કેટલાક ચોક્કસ રૂટ ફાળવ્યા હતા અને પાર્કિંગ માટે બે જગ્યાઓ પણ ફાળવી હતી. પરંતુ 2022ના જાહેરનામાએ ખાનગી ટ્રાવેલ્સના દિવસ દરમિયાન શહેરના પ્રવેશ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો છે.
2004 અને 2022ના જાહેરનામા વચ્ચે 18 વર્ષનું અંતર છે. જાહેરનામામાં ખાનગી બસોના દિવસ દરમિયાન શહેરમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ અંગે ત્રણ કારણો અપાયા છે. જેમાં પ્રથમ ટ્રાફિક, બીજું અકસ્માત અને ત્રીજું પ્રદૂષણ છે. પરંતુ સરકારી આંકડા જોતા ખાનગી બસો ફક્ત 0.9 ટકા અકસ્માતો માટે જવાબદાર છે. જ્યારે દ્વીચક્રી વાહનો 60થી 70 ટકા અકસ્માતો માટે જવાબદાર છે. ખાનગી બસો ટ્રાફિક માટે માત્ર 5.9 ટકા જ જવાબદાર છે. જ્યારે પ્રદૂષણ માટે તો પબ્લિક ટ્રાન્સપોર્ટને ઉત્તેજન આપવાની વાત છે. જો કે, કોર્ટે કહ્યું હતું કે ખાનગી બસો રોડ ઉપર વધુ જગ્યા રોકે છે. અરજદારે કહ્યું હતું કે, પરિસ્થિતિ વણસી હોય તેવો કોઈ ડેટા નથી. જો કે, કોર્ટે અરજદારની અરજી ફગાવી દૂધી હતી.
આ મુદ્દે અગાઉ કોર્ટને જણાવાયું હતું કે, અમદાવાદમાં 40 લાખ રજિસ્ટર ટુ-વ્હીલર છે. કોર્ટે જણાવ્યું હતું કે, રોડ ઉપર વાહનોને આવતા રોકી શકાય નહીં, પરંતુ તેને રેગ્યુલેટ કરી શકાય. આ જાહેરનામામાં કોઈ હસ્તક્ષેપ કરવા ઇચ્છતી નથી. રોડ ઉપર કોણ વાહન ચલાવશે અને કોણ નહીં તે કોર્ટ નક્કી કરી શકે નહીં. એક્ઝિક્યુટિવ નિર્ણયો ઉપર કોર્ટ જ્યુડિશિયલ રિવ્યુ આપવા ઇચ્છતી નથી. આ કેસ ખાનગી હિતો વિરુદ્ધ જાહેર હિતોનો છે. એમ છતાં કોર્ટે અરજદારને પોતાની દલીલોથી કોર્ટને કન્વિન્સ કરવા સમય આપ્યો હતો.
કોર્ટે કહ્યું હતું કે, ખાનગી ટ્રાવેલ્સને શહેર બહાર જ્યાં સ્ટોપ અપાયા છે, ત્યાંથી બસ સેવા ઓપરેટ કરવામાં આવે. શહેરમાં ખાનગી બસ પ્રવેશને મૂળભૂત હક ગણી શકાય નહીં. શહેરમાં દરરોજ અકસ્માત થાય છે. બેથી ત્રણ અકસ્માત તો કોર્ટે એસ.જી.હાઇવે ઉપર આવેલા સોલા ઓવરબ્રિજ ઉપર જોયા છે. એક યુવાન તો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યો હતો. આ સુનાવણીમાં શિવરંજની ચાર રસ્તા ઉપર થયેલા અકસ્માતનો પણ ઉલ્લેખ કરાયો હતો.
કોર્ટે કહ્યું હતું કે, સવારે લોકો ઓફિસ જાય છે અને ઉતાવળમાં હોય છે. ખાનગી ટ્રાવેલ્સ સંચાલકોને ધંધો કરવાનો અધિકાર છે, પરંતુ યોગ્ય અંકુશ સાથે, એટલે આ પ્રતિબંધ કોર્ટને યોગ્ય લાગે છે. વર્તમાન જાહેરનામા મુજબ 33 પેસેન્જર કરતા વધુ બેઠકો ધરાવતી અને 7500 કિલો કરતા વજનની બસોના પ્રવેશ પર દિવસ દરમિયાન પ્રતિબંધ મૂકેલો છે. આજે ટ્રાફિક વધ્યો છે, પાર્કિંગ સ્પેસ ભરેલા છે અને પાર્કિગની અછત છે. હાઇકોર્ટમાં પણ પાર્કિંગ ફુલ હોય તો શહેરમાં પાર્કિગની પરિસ્થિતિ વિશે અનુમાન લગાવી શકાય છે.
દિવસના 8થી 10નો સમય ઓફિસનો, શાળાનો, ગૃહિણીઓની ખરીદી વગેરે માટેનો હોય છે. અરજદારે દલીલ કરી હતી કે, મેરેજ માટે આવતી પ્રાઇવેટ બસોને શહેરમાં પ્રવેશ ઉપર છૂટ છે. જે સંદર્ભે કોર્ટે કહ્યું હતું કે, તેમની પાસે સ્પેશિયલ પરમિશન હોય છે, જે દરરોજ શહેરમાં આવતી નથી ચોક્કસ સમયગાળામાં જ આવે છે. 2004માં જે રૂટ ઉપર ખાનગી બસોને પ્રવેશની છૂટ હતી. ત્યાં આજે મુખ્ય રસ્તા ઉપર ટ્રાફિક વધતા લોકો તેનો વૈકલ્પિક માર્ગ તરીકે ઉપયોગ કરતા હશે.
અરજદારે કહ્યું હતું કે, બસ દ્વારા થતાં અકસ્માતોમાં 70 ટકા જેટલા અકસ્માત જાહેર બસો દ્વારા થાય છે. જે સંદર્ભે કોર્ટે કહ્યું હતું કે, લોકોની સવલત ખાતર પબ્લિક બસને શહેરમાં પ્રવેશતા રોકી શકાય નહીં. અરજદારે જણાવ્યું હતું કે, જાહેર ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા વર્તમાન માંગને પહોંચી શકતી નથી. એટલે જ પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટને શહેરમાં પ્રવેશવા ઉપર પરવાનગી આપવી જોઈએ. કોર્ટે કહ્યું હતું કે, આ બસો આખો દિવસ શહેરના રોડ ઉપર પાર્ક થયેલી રહે તો ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય. કાલે ઉઠીને તમે રેલવે સ્ટેશન અને એરપોર્ટ જેવી જગ્યાઓ ઉપર પણ જવા પરવાનગી માંગશો.
કોર્ટે કહ્યું હતું કે, પ્રાઇવેટ બસે શા માટે શહેરમાં પ્રવેશવું છે તે જણાવો? લોકોને ઘરે ઉતારવા પ્રાઇવેટ બસ જશે? પ્રાઇવેટ બસના પેસેન્જર શહેર બહારથી સિટી બસ પકડીને પોતાના ઘરે જશે. અરજદારે કહ્યું હતું કે, અમે પ્રાઇવેટ બસ માટે બસ સ્ટોપની માંગ કરી હતી, પરંતુ સરકારે તેની ના પાડી. પેસેન્જરોને શહેર બહાર ઉતારી ત્યાંથી મિની બસમાં શહેરમાં લાવવા કહ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે, શહેરમાં તો પ્રાઇવેટ બસ માટે સરકાર બસ સ્ટોપ ના જ આપે, શહેર બહાર આપી શકે. જે લોકોએ પ્રાઇવેટ બસ પરવડે છે, તેઓ શહેર બહાર ઉતરશે જ, તેમના માટે શહેરમાં લોકોના જીવ જોખમમાં મૂકી શકાય નહીં.