ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઠળીયાગામનો વતની અને દુષ્કર્મ અંગેના ગુનામાં વડોદરા સબ જેલમાં પાકાં કામના આરોપી તરીકે સજા કાપી રહેલ આરોપી જામીન પર છૂટ્યા બાદ ફરાર થઈ જતાં ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તથા પેરોલ ફર્લો સ્ક્વોર્ડે સુરત શહેરમાંથી આરોપીને ઝડપી લઈ વડોદરા જેલમાં મોકલી આપ્યો હતો.
સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર તળાજા તાલુકાના ઠળીયા ગામના કનુ ઉર્ફે કાનો ઓધા ખસીયા વિરુદ્ધ દુષ્કર્મ અંગેનો કેસ થયો હતો, આ કેસ કોર્ટમાં ચાલતા કોર્ટે આરોપીને સજા ફટકારી હતી અને આરોપી વડોદરા શહેરમાં આવેલી મધ્યસ્થ જેલમાં પાકાં કામના આરોપી તરીકે સજા કાપી રહ્યો હતો.
આ દરમ્યાન થોડા સમય પૂર્વે આરોપી જામીન પર મુક્ત થયો હોય જેમાં જામીન અવધિ પૂર્ણ થયે ફરી જેલમાં હાજર થવાના બદલે નાસતો ફરતો હોય આ આરોપીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો, દરમ્યાન ફરાર આરોપી સુરત શહેરમાં આવેલ કડોદરા વિસ્તાર સ્થિત સિધ્ધિવિનાયક ફલેટમાં રહેતો હોવાની બાતમી ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તથા પેરોલ ફર્લો સ્ક્વોર્ડને મળતા બંને ટીમોએ સંયુક્ત કામગીરી હાથ ધરી આરોપીને સુરતથી ઝડપી લઈ વડોદરા જેલ હવાલે કર્યો હતો.