શહેરના ભાયલી વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા યુવાનની વિદેશમાં વધુ અભ્યાસ કરવા જવા માટેની ઈચ્છા હતી, પરંતુ માતા-પિતાની છત્રછાયા ગુમાવી બેઠેલા આ યુવાનની આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે સપનું પૂરું નહીં થાય તેમ જણાતા ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે તાલુકા પોલીસે તપાસ શરૂ કરી છે.
મળેલી માહિતી પ્રમાણે મૂળ આણંદ જિલ્લાના ઉમરેઠ ગામમાં પુરુષોત્તમ બંગલાનો રહેવાસી છેલ્લા લગભગ આઠ માસથી શહેરના ભાયલીમાં ઈરા ઇન્ટરનેશનલ સ્કૂલની બાજુમાં આવેલ C- 303, ક્રિષ્ના મેરેડીયનમાં ભાડેથી 24 વર્ષિય વિશેષ રમેશચંદ્ર પટેલ રહેતો હતો. જેને બુધવારે બપોરે 4 વાગ્યાથી 8 વાગ્યાના સમયગાળા દરમિયાન પોતાની ટી શર્ટથી ફાંસો ખાઇ જીવાદોરી ટૂંકાવી લીધી હતી.
ભાડાના મકાનમાં રહેતા વિશેષ પટેલની સાથે અન્ય રૂમ પાર્ટનારો પૈકી અમિત કુમાર રાઠોડ સાંજે રૂમ પર આવતા તેણે વિશેષ પટેલને ફાંસો ખાધેલી હાલતમાં જોતા ચોકી ઉઠ્યો હતો. દરમિયાન તેણે આ બનાવની જાણ તાલુકા પોલીસને કરતા પોલીસ દોડી આવી હતી. મૃતદેહનો કબજો લઈ તપાસ શરૂ કરી હતી. બીજી બાજુ આ બનાવને પગલે ફ્લેટના લોકો તેમજ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. આ બનાવે વિસ્તારમાં ચકચાર જગાવી મૂકી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં આપઘાત કરનાર વિશેષ પટેલ ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો અને સાથે સાથે જર્મની ખાતે M.S. (માસ્ટર સાયન્સ)નો વધુ અભ્યાસ કરવા માટે જવાની તૈયારી કરી રહ્યો હતો, પરંતુ આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે અને વિદેશ વધુ અભ્યાસ કરવા જવા માટેનો ખર્ચો વધુ હોવાથી તે મૂંઝવણમાં રહેતો હતો. વિશેષને પોતાનું વિદેશ ભણવા જવાનું સપનું પૂરું નહીં થઈ શકે તેવું જણાતા બુધવારે બપોરે પોતાના રૂમમાં ફાંસો ખાઇ જીવાદોરી ટૂંકાવી લીધી હોવાની વિગતો પોલીસને મળી હતી.
આ બનાવની તપાસ કરી રહેલા તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહે લાશનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી. તે સાથે તેઓના પરિવારજનોને જાણ કરતા બહેન સહિતના પરિવારજનો વડોદરા ખાતે દોડી આવ્યા હતા. તાલુકા પોલીસે હાલ આપઘાતનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.