દેશભરમાં વરસાદી માહોલ જોરદાર જામ્યો છે. હવામાન વિભાગે આજે 11 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. રવિવારે રાત્રે 1 વાગ્યાથી સોમવારે સવારે 7 વાગ્યા સુધીના છ કલાકમાં મુંબઈમાં 300 મીમીથી વધુ વરસાદ નોંધાયો હતો. જેના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જોકે શુક્રવારે (28 જૂન) દિલ્હીમાં ચોમાસાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. 24 કલાકમાં 9 ઈંચ વરસાદ પડ્યો હતો, જે જૂન 1936માં 9.27 ઈંચ પછી એક જ દિવસમાં બીજો સૌથી વધુ વરસાદ હતો. આ સાથે માત્ર જૂન જ નહીં, પરંતુ માર્ચથી લઈને અત્યાર સુધી એટલે કે 4 મહિનાનો ક્વોટા પણ પૂરો થઈ ગયો હતો.
મુંબઈમાં વરસાદને લઈ રેલવે વિભાગે જણાવ્યું કે, પાટા પર પાણી ભરાઈ જવાને કારણે મુંબઈ ડિવિઝનની 5 ટ્રેનો રદ કરવામાં આવી છે. કેટલીક લોકલ ટ્રેનો પણ કલાકો મોડી ચાલી રહી છે. મુંબઈમાં BMCએ આજે સરકારી અને ખાનગી શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરી છે.
બીજી તરફ ઉત્તરાખંડમાં છેલ્લા 4 દિવસથી ભારે વરસાદને કારણે કેદારનાથ અને બદ્રીનાથ હાઈવે સહિત 115થી વધુ રસ્તાઓ બંધ થઈ ગયા છે. ભૂસ્ખલન અને કેટલાક ધોવાણને કારણે ઘણા રસ્તાઓ બંધ થઈ ગયા હતા. આ પછી ચાર ધામ યાત્રા રોકી દેવામાં આવી હતી. જેના કારણે 6 હજાર શ્રદ્ધાળુઓ વિવિધ સ્થળોએ ફસાયેલા છે. ગંગા, અલકનંદા, ભાગીરથી સહિત અનેક નદીઓ ખતરાના નિશાનની નજીક વહી રહી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 1 જૂનથી ઉત્તરાખંડમાં 276.8 મીમી વરસાદ થયો છે. જ્યારે સામાન્ય ક્વોટા 259 મી.મી. સમગ્ર ચોમાસા દરમિયાન ઉત્તરાખંડમાં સરેરાશ 1162.2 મીમી વરસાદને સામાન્ય ચોમાસું ગણવામાં આવે છે.
- હવામાન વિભાગે જણાવ્યું છે કે, આજે પણ મુંબઈમાં ભારે વરસાદની આશંકા છે. 7 જુલાઈના રોજ સવારે 8 વાગ્યાથી 8 જુલાઈના રોજ સવારે 6 વાગ્યા વચ્ચેના 22 કલાકમાં મુંબઈ સેન્ટ્રલ શહેરમાં 110 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે પૂર્વ મુંબઈમાં 150 મીમી વરસાદ નોંધાયો હતો. પશ્ચિમ મુંબઈમાં 146 મીમી વરસાદ નોંધાયો હતો.
- BMC અધિકારીઓએ કહ્યું કે, અધિકારીઓ પાણી ભરાઈ જવાની સ્થિતિને કાબૂમાં લેવા મેદાનમાં છે. નીચાણવાળા વિસ્તારોમાંથી પાણી કાઢવાની કામગીરી ચાલુ છે. BMCએ મુંબઈના લોકો માટે એક એડવાઈઝરી જારી કરીને કહ્યું છે કે, તેઓ ઘરની બહાર ત્યારે જ બહાર આવે જ્યારે એકદમ જરૂરી હોય.
- પર્યાવરણ કાર્યકરોએ પાણી ભરાવા માટે મુંબઈ મેટ્રોના નિર્માણને જવાબદાર ઠેરવ્યું છે. તેમનું કહેવું છે કે સમગ્ર શહેરમાં કોંક્રીટના બાંધકામોને કારણે જમીન પાણીને શોષી શકતી નથી. રસ્તાઓ પણ સિમેન્ટના બનેલા છે અને ડ્રેનેજની વ્યવસ્થા પણ અંગ્રેજોના જમાનાની છે.