હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી અત્યંત ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે જેને પગલે સુરતમાં પુરની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે આજે (24 જુલાઈ) પણ હવામાન વિભાગ દ્વારા આણંદ જિલ્લામાં અત્યંત ભારે કરતાં પણ વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. ત્યારે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ઓરેન્જ અને ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદવાસીઓને આજે ગરમીમાંથી અંશત રાહત મળે તેવી શક્યતા છે. આ ઉપરાંત અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર હાલમાં ગુજરાત ઉપર ત્રણ સિસ્ટમ સક્રિય છે, જેને કારણે આગામી પાંચ દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના છે. હાલમાં રાજ્યના ઉત્તર ભાગમાં સર્ક્યુલેશન સક્રિય થયું છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં ઓફ શોર ટ્રફ તથા સૌરાષ્ટ્રના ભાગમાં શિયર ઝોનની અસરને કારણે આજે સમગ્ર રાજ્યમાં હળવાથી ભારે વરસાદની શક્યતાઓ છે.
આ ઉપરાંત આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તથા આજથી પાંચ દિવસ સુધી એટલે કે 28 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે કારણ કે, દરિયાકાંઠાના વિસ્તારોમાં 45થી 55 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની સાથે ગાજવીજ સહિત વરસાદની શક્યતાઓ છે.
અમદાવાદવાસીઓને આજે ગરમીથી હાશકારો મળવાની સંભાવના છે. આ સાથે જ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતા નાવકાસ્ટ બુલેટીનમાં અમદાવાદ શહેરમાં 40થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત વિવિધ જિલ્લામાં વિવિધ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યા છે.