અમદાવાદ શહેર સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં હાલમાં વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે શાકભાજી જેવી વસ્તુ ઝડપથી ખરાબ થઈ જતી હોય છે. વરસાદના કારણે શાકભાજી બગડે એ પહેલાં શાકમાર્કેટમાં ખેડૂતો ઠાલવી રહ્યા છે. જેને પગલે ભાવમાં 50%નો ઘટાડો નોઁધાયો છે. જો કે, હજુ પણ ચોમાસામાં જોવા મળતાં કંકોડા મધ્યમ અને ગરીબ વર્ગ માટે સપના સમાન છે. કે તેનો ભાવ પ્રતિ કિલો રૂ. 200 છે. આ ઉપરાંત આદુનો ભાવ પણ 180 પ્રતિ કિલો છે, જ્યારે વટાણા રૂ. 150 પ્રતિ કિલો છે.
વરસાદી પાણીને કારણે શાકભાજી બગડી જાય છે, જેથી ખેડૂતો અને વેપારીઓ દ્વારા એપીએમસી માર્કેટમાં ઝડપથી શાકભાજી ઠાલવવામાં આવે છે, તેથી અમદાવાદ એપીએમસી માર્કેટમાં શાકભાજીની આવકમાં વધારો થયો છે. તેને કારણે પંદર દિવસ અગાઉ શાકભાજીના જેટલા ભાવ હતા તેના કરતા 50%નો ઘટાડો નોંધાયો છે. આ કારણથી મધ્યમ વર્ગ સહિતના લોકોને હાલ પૂરતી રાહત મળી છે, પરંતુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ હવે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે થોડા દિવસ બાદ શાકભાજીની આવકમાં ઘટાડો થતાં તેના ભાવ ઉચકાઈ શકે છે.
અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં નાના-મોટા શાકમાર્કેટમાં મોટાભાગના શાકભાજી 60થી 70 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે, જે 15 દિવસ અગાઉ શાકભાજીના ભાવ 120થી 140 હતા, તેમાં 50%નો ઘટાડો નોંધાયો છે. શાકભાજીના ભાવમાં ઘટાડો થતાં ગૃહિણીઓએ હાશકારો અનુભવ્યો છે, પરંતુ શાકના હોલસેલ વેપારીઓના જણાવ્યા અનુસાર જે વિસ્તારમાં વધુ વરસાદ વરસી રહ્યો છે, ત્યાંથી શાકભાજીની આવક ઘટી રહી છે, તેને કારણે થોડા દિવસ બાદ તેના ભાવમાં વધારો પણ થઈ શકે છે. એટલે કે, ખુશી થોડા દિવસ માટેની હોઈ શકે છે. અમદાવાદ એપીએમસી માર્કેટમાં વિવિધ શાકભાજીના જેટલા ભાવ છે, તેના કરતાં 10થી 20 રૂપિયા રીટેલ માર્કેટમાં ભાવ વધુ નોંધાયા છે.
વિવિધ શાકભાજીના રિટેલ માર્કેટના પ્રતિ કિલો દીઠ ભાવ
ટામેટા 60 થી 70
આદુ 160 થી 180
ફંણસી 120
બીટ 40
કેપ્સિકમ 80
કાકડી 50
ગાજર 40
મકાઈ 40
ફુલાવર 80
કોબીજ 60
મરચા 40-60
લીંબુ 60
દુધી 40
ગવાર 120
સરગવો 40
કારેલા 40
ગલ્કા 40
કંકોડા 200
વાલોર 80 થી 100
વટાણા 140 થી 150
ભીંડા 50
ટીંડોળા 40
પરવર 50
ચોળી 60-80