અત્યાર સુધી આપણે WWEની ફાઈટ ટીવીના પડદા પર જોઈ છે, એવી જ ફાઈટ હવે અમદાવાદમાં યોજાવા જઈ રહી છે. જેનું આયોજન SG હાઈવે પર આવેલા કર્ણાવતી ક્લબની સામે આવેલા આર. એમ ફામની અંદર યોજાશે. 25 ફેબ્રુઆરીને રવિવારના દિવસે સાંજના 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી આ ફાઈટનું આયોજન કરાયું છે. અમદાવાદના ઈતિહાસમાં પહેલીવાર આ પ્રકારની ફાઈટનું આયોજન થવા જઈ રહ્યું છે. આ રેસલિંગ ફાઈટમાં પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત સહિતના રાજ્યોમાંથી લગભગ 25 જેટલા રેસલર આ ફાઈટમાં ભાગ લેશે.
આટલો છે ટિકિટનો ભાવ
પ્રોફેશનલ રેસલર શનિ પ્રજાપતિએ વાતચીતમાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં યોજાનાર આ રેસલિંગ ટૂર્નામેન્ટની અમારી 8મી સિઝન છે, અમે 2019માં પહેલીવાર પાલનપુરની અંદર રેસલિંગ આયોજન કર્યું હતું. ત્યારબાદ અમે પાટણ, મહેસાણા, વિસનગર સહિતના વિસ્તારોમાં કર્યું છે. અમદાવાદમાં યોજાનાર આ રેસલિંગમાં એક સાથે 10 હજાર કરતાં વધુ લોકો જોઈને આનંદ લઈ શકે તે પ્રકારનું અમે આયોજન કર્યું છે. જેમાં અમે 299થી લઈને 4999 સુધીનો ટિકિટનો અમે ભાવ રાખેલો છે.
વિદેશના ખેલાડીઓ નહીં હોય
આ ટૂર્નામેન્ટમાં ભારતના WWEના ખેલાડી કે વિદેશના ખેલાડીઓ જોવા મળશે કે કેમ એ અંગે પૂછતાં શનિ પ્રજાપતિએ કહ્યું, ભારતમાં અત્યાર સુધીમાં ધ ગ્રેટ ખલી, જીંદ મહાલ, શેરા સહિતના ઘણા બધા ખેલાડીઓ છે. જે હાલમાં WWEમાં ફાઈટ કરી રહ્યાં છે, હાલમાં તેઓ અમેરિકામાં વ્યસ્ત હોવાના કારણે અમે તેમને અહીં બોલાવી નથી શકવાના પણ આ ટૂર્નામેન્ટમાં મારો નાનો ભાઈ રવિ પ્રજાપતિ સહિતના ખેલાડીઓ આવીને પોતાનું પર્ફોર્મન્સ બતાવવાના છે.
અમદાવાદ પસંદ કરવાનું કારણ શું?
અમદાવાદના સ્થળને પસંદ કરવા અંગે શનિ પ્રજાપતિએ કહ્યું, અત્યાર સુધી ઘણી જગ્યાએ આયોજન કરી ચૂક્યાં છીએ એટલે હવે અમને લાગે છે કે અમદાવાદમાં આયોજન કરવું જોઈએ એટલે અમે આ વખતે અમદાવાદમાં આયોજન કર્યું છે. જેથી અમદાવાદના લોકો પણ આ ફાઈટને લાઈવ જોઈ શકે. એટલું જ નહીં અમદાવાદમાં અમને ઘણોં સપોર્ટ મળ્યો છે એટલે અમે અહીં આયોજન કર્યું છે.
લેડર, સહિતની વસ્તુઓ મારતાં જોવા મળશે
WWEમાં તમે જે ફાઇટ જોવ છો જેમાં એક રેસલર બીજાને પટકી પટકીને મારે છે. એવી જ રીતે આમાં પણ જોવા મળશે એટલું જ નહીં આ રેસલિંગમાં તમને એક રેસલર બીજાને ખુરશી પણ મારતો જોવા મળશે અને લેડર, સહિતની વસ્તુઓ મારતાં જોવા મળશે. બસ ફરક એટલો છે કે ત્યાં વિદેશી ફાઈટર જોવા મળે છે અને અહીં તમને ભારતીય ફાઈટરો રિંગમાં જોવા મળશે. લોકોને એવું હોય છે કે આ બધું ખોટું હોય છે પણ હું બધાને કહેવા માંગુ છું કે આપ આ રેસલિંગની સ્પર્ધાને જોવા આવો અને તમારી આંખોથી જ આ ફાઈટને નિહાળજો.
હેવી વેઇટ ચેમ્પિયનશીપનો બેલ્ટ અપાશે
જે રીતે WWEમાં બેલ્ટ આપવામાં આવે છે, એ જ રીતે આ ટૂર્નામેન્ટમાં પણ બેલ્ટ આપવામાં આવશે, અંદાજે 7 કરતાં વધુ ફાઈટ યોજાશે. જેમાં સિંગલ, ટેગ, રોયલ રંબલ સહિતના ફોર્મેટની અંદર ફાઈટનું આયોજન કરવામાં આવશે. તો એવું પણ બની જાય કે સામાન્ય વાતચીત કરતાં કરતાં બે ફાઈટર અચાનક ફાઈટ શરૂ કરી દે. આ ટૂર્નામેન્ટમાં અમે બે કેટેગરીમાં બેલ્ટ આપવાના છે, જેમાં નેશનલ હેવીવેટ ચેમ્પિયનશિપ અને બીજો વર્લ્ડ હેવી વેઇટ ચેમ્પિયનશીપનો બેલ્ટ આપવામાં આવશે. આ બેલ્ટમાં ગોલ્ડ હશે તેની કિંમત અંદાજે 6થી 7 લાખ રૂપિયા છે.
રાજનેતાઓને આમંત્રણ
અમે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને સ્પોર્ટ્સ ઓથોરિટીના નીનામાં સર, રાજદીપભાઈ રિબડા સહિત ઘણાં લોકોને મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપ્યું છે. આ બધા જ લોકોએ અમને ફાઈનાન્સથી લઈને બધો જ સપોર્ટ કર્યો છે. જ્યારે અમે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળવાં ગયા ત્યારે તેમણે અમને પૂછ્યું, તમે આ રિંગમાં એક બીજાને મારો છો તે ખરેખર હોય છે,આટલો બધો માર કેવી રીતે સહન કરી લો છો, હર્ષ સંઘવીએ પણ આવા ઘણાં સવાલો પૂછ્યા હતા. તેમજ સ્ટેજની રીંગ લોખંડની પાઈપથી બનેલી હોય છે. જેના ઉપર 18 ફૂટ લાંબા લાકડાના પાટીયા પાથરેલા હોય છે. આ આખી રીંગ 18 બાય 18ની હોય છે.
મેચમાં ત્રણ રેફરી હશે
શનિ પ્રજાપતિએ કહ્યું, જે રીતે આ ફાઈટની અંદર ભારતીય રેસલરો ભાગ લેશે, એ જ રીતે અમે વેલ ટ્રેઈન્ડ રેફરી પણ બોલાવાના છે. જેથી એ રેફરીને પણ તક મળે અને લોકો પણ આ વાતથી જાય થાય કે આપણાં દેશમાં પણ સારા સારા રેફરીઓ છે. આ બધા જ રેફરીઓ ધ ગ્રેટ ખલીની ઈન્ટીટ્યુટમાંથી જ તૈયાર થયા છે. આ મેચમાં ત્રણ રેફરી હશે જેમાં બે બેક સ્ટેજ જોવા મળશે.