અમેરિકામાં શુક્રવારે (27 સપ્ટેમ્બર) ત્રાટકેલું વાવાઝોડું હેલેનના કારણે અત્યાર સુધીમાં 5 રાજ્યોમાં 49 લોકોના મોત થયા છે.
વાવાઝોડાની સૌથી વધુ અસર દક્ષિણ કેરોલિના અને જ્યોર્જિયામાં જોવા મળી હતી જ્યાં કેટેગરી 4ના વાવાઝોડાને કારણે 34 લોકોના મોત થયા હતા. નોર્થ કેરોલિનામાં કેટલીક જગ્યાએ ભૂસ્ખલન પણ થયું હતું. લોકોને રેસ્ક્યૂ કરવા માટે અહીં હેલિકોપ્ટર મોકલવામાં આવ્યા હતા.
આ દરમિયાન ફ્લોરિડાની એક હોસ્પિટલમાં ફસાયેલા લગભગ 59 લોકોને હેલિકોપ્ટર દ્વારા બચાવી લેવાયા હતા. અમેરિકામાં વાવાઝોડાને કારણે 45 લાખ લોકોના ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. ફ્લોરિડામાં બચાવ કામગીરી માટે 4 હજાર નેશનલ ગાર્ડસમેન તહેનાત કરવામાં આવ્યા છે.
નાણાકીય કંપની મૂડીઝે કહ્યું કે હેલેન વાવાઝોડાને કારણે દેશભરમાં 2 લાખ 51 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. બીબીસી અનુસાર, મેક્સિકોના અખાતમાંથી ફ્લોરિડાના દરિયાકાંઠે ત્રાટકેલું આ અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી વાવાઝોડું છે.
તે અમેરિકાના ઈતિહાસના 14 સૌથી ખતરનાક વાવાઝોડામાંથી એક છે. આ પહેલા શુક્રવારે જાહેર કરાયેલા આંકડા અનુસાર, વાવાઝોડાથી 1 કરોડ 20 લાખ લોકો અસરગ્રસ્ત થયા છે. જેના કારણે 1 હજાર ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. સ્ટેટ ઈમરજન્સી સર્વિસે કહ્યું હતું કે આગામી બે-ત્રણ દિવસમાં 5 કરોડ લોકો અસરગ્રસ્ત થઈ શકે છે.
અમેરિકન હવામાન વૈજ્ઞાનિક ફિલ ક્લોટ્ઝબેચે કહ્યું કે છેલ્લા 35 વર્ષમાં હેલેન કરતાં માત્ર ત્રણ વાવાઝોડાં જ મોટાં હતાં. 2017નું ઇરમા, 2005નું વિલ્મા અને 1995નું ઓપલ. તેમજ, મેક્સિકોની ખાડીમાં 100 વર્ષમાં આ સૌથી મોટું વાવાઝોડું છે.
ઈરમા વાવાઝોડાને કારણે અમેરિકા અને આસપાસના દેશોમાં 134 લોકોના મોત થયા છે. વિલ્માથી 23 અને ઓપલથી 27 લોકોના મોત થયા હતા. હવામાનશાસ્ત્રીઓના મતે તાપમાનમાં વધારો થવાને કારણે શક્તિશાળી વાવાઝોડાની સંખ્યા વધી રહી છે.
વાવાઝોડું એ વાતાવરણમાં એક પ્રકારનો ડિસ્ટર્બેંસ છે, જે ભારે પવન દ્વારા આવે છે અને તેની સાથે વરસાદ, બરફ અથવા કરા પડે છે. જ્યારે તે જમીન પર હોય છે, ત્યારે તેને સામાન્ય વાવાઝાડું કહેવામાં આવે છે, પરંતુ સમુદ્રમાંથી ઉદ્ભવતા વાવાઝોડાને હરિકેન કહેવામાં આવે છે. હરિકેન સામાન્ય વાવાઝોડા કરતાં વધુ ખતરનાક હોય છે.
હરિકેન, ચક્રવાત અને ટાયફૂન એક સમાન છે. સમગ્ર વિશ્વમાં ચક્રવાતને જુદા જુદા નામોથી ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે, ઉત્તર અમેરિકા અને કેરેબિયન ટાપુઓમાં બનેલા ચક્રવાતને વાવાઝોડા કહેવામાં આવે છે, ફિલિપાઇન્સ, જાપાન અને ચીનમાં બનતા ચક્રવાતને ટાયફૂન કહેવામાં આવે છે અને ઓસ્ટ્રેલિયા અને હિંદ મહાસાગર એટલે કે ભારતની આસપાસ સર્જાતા વાવાઝોડાને ચક્રવાત કહેવામાં આવે છે.
મહાસાગરોના દૃષ્ટિકોણથી, એટલાન્ટિક અને ઉત્તર-પશ્ચિમ મહાસાગરોમાં બનેલા ચક્રવાતને હરિકેન કહેવામાં આવે છે. ઉત્તર-પશ્ચિમ પેસિફિક મહાસાગરમાં સર્જાતા વાવાઝોડાને ટાયફૂન કહેવામાં આવે છે. જ્યારે દક્ષિણ પેસિફિક મહાસાગર અને હિંદ મહાસાગરમાં ઉદ્ભવતા વાવાઝોડાને ચક્રવાત કહેવામાં આવે છે.
આ કારણોસર, ભારતની આસપાસના વિસ્તારોમાં આવતા દરિયાઈ વાવાઝોડાને ચક્રવાત કહેવામાં આવે છે. ટોર્નેડો પણ બારે વાવાઝોડું છે, પરંતુ તે ચક્રવાત નથી, કારણ કે તે મોટાભાગે સમુદ્રને બદલે જમીન પર રચાય છે. મોટાભાગના ટોર્નેડો અમેરિકામાં જ આવે છે.