નેપાળમાં ભારે વરસાદના કારણે આવેલા પૂર અને ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં 170 લોકોના મોત થયા છે. અહીં ગુરુવારથી સતત વરસાદ પડી રહ્યો છે. જેના કારણે પૂર્વ અને મધ્ય નેપાળના ઘણા વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે. કેટલાક વિસ્તારોમાં અચાનક પૂર પણ આવ્યું છે.
એકલા કાઠમંડુ ખીણમાં 40થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. સમાચાર એજન્સી PTIના જણાવ્યા અનુસાર પૂર, ભૂસ્ખલન અને પાણી ભરાવાને કારણે 55થી વધુ લોકો ગુમ છે અને 100થી વધુ ઘાયલ છે. તેમજ અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 322 ઘર અને 16 પુલને નુકસાન થયું છે.
ભારે વરસાદ અને પૂર તેમજ ભૂસ્ખલન અને પાણી ભરાવાના કારણે સેંકડો લોકો રસ્તા પર ફસાયા છે. તંત્રએ રાહત અને બચાવ કામગીરી માટે 20 હજારથી વધુ સુરક્ષાકર્મીઓને તહેનાત કર્યા છે. અત્યાર સુધીમાં લગભગ 3600 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
નેપાળમાં વરસાદને કારણે કોસી નદી 56 વર્ષ પછી રેકોર્ડ તોડવા જઈ રહી છે. શનિવારે નેપાળમાંથી પણ 5 લાખ 93 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. આ સાથે ગંડક બેરેજમાં પાણી 5 લાખ ક્યુસેક સુધી પહોંચી જશે. ગંડકની આસપાસના જિલ્લાઓના નીચાણવાળા વિસ્તારોના લોકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે.
બગાહા, બેતિયા, ગોપાલગંજ, છપરા વગેરે જિલ્લાઓમાં પૂરની સંભાવના છે. કોસી નદી તિબેટમાંથી નીકળે છે અને ચીન અને નેપાળ થઈને ભારત પહોંચે છે.