ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી છેતરપિંડીના બનાવો વધી રહ્યા છે ત્યારે જુનાગઢના સોની વેપારીએ ગ્રાહકના 8,000,00થી વધુના દાગીના પેઢીમાં રાખી છેતરપિંડી આચાર્યનો કિસ્સો સામે આવ્યો છે. જુનાગઢ ઝાંઝરડા રોડ પર રહેતા ફરીયાદી સોનલબેન વિજયભાઈ મંગાભાઈ ચોરવાડાએ બે સોની વેપારી વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ ફરીયાદમાં જણાવ્યાં મુજબ ગત વર્ષ 26-4-2023 થી આજ દિન સુધીમાં સોનાની પેઢી ધરાવતા નીરેન ગીરધર ધોળકીયા, હાર્દિક ગીરધાર ધોળકીયાની સોનાની દુકાન દિવાન ચોક સોની હરકીશન પરસોતમની પેઢીમાં સોનાના દાગીના ગીરવે મૂકી રૂપિયા વ્યાજે લીધા હતા. જેમાં હાર દોરો બુટી મળી વજન 100 ગ્રામ કિંમત રૂ.4 લાખના દાગીના ગીરવે મુકી રૂા.3,50,000 માસીક વ્યાજ રૂા.2600 લેખે લીધેલા જેનું દર માસે વ્યાજ ચુકવતા હતા. ત્યારબાદ દાગીના છોડાવવા માટે રૂા.1 લાખ જમા કરાવેલ હતા.
જેમાં રૂા.2,50,000 બાકી દેવાના હતા. તેમજ સાહેદ મનીષાબેને મંગલસુત્ર વજન 20 ગ્રામ 80,000, રોકડા રૂા.50,000 મળી કુલ 1,30,000 તેમજ જીવીબેનની કાન બુટી વજન 10 ગ્રામ કિંમત રૂા.40,000 તેમજ હરેશભાઈ ચૌહાણનો હાર વજન 30 ગ્રામ કિંમત રૂા.1,20,000 તેમજ નવા દાગીના બનાવવા રાખેલ તેના એડવાન્સ પેટે આપેલ રોકડ રૂા.1,12,000 મળી કુલ રૂા.2,32,000 તથા હીનાબેન ડાભીની બુટી જોડી 2 વજન 10 ગ્રામ રૂા.40,000 મળી કુલ રૂા.8,42,000 વિશ્વાસમાં લઈ સોનાના દાગીના ગીરવે રાખી ફરિયાદીને વ્યાજે રૂપિયા આપ્યા હતા. ત્યારબાદ બંને સોની વેપારીએ પૈસા આપી લલચાવી વેપારી તરીકે વિશ્વાસમાં લઈ તમામના દાગીના પરત નહી આપી આ બન્ને વેપારીઓએ ફરીયાદી સોનલબેન અને સાહેદો સાથે વિશ્વાસઘાત કરી છેતરપીંડી કર્યાની એ ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાવતા પીએસઆઈ જે.આર. વાઝાએ તપાસ હાથ ધરી છે.