રાજકોટમાં હાલ મિશ્રઋતુને કારણે રોગચાળો વકર્યો છે. જેમાં લાંબા સમય બાદ ડેન્ગ્યુનો એક કેસ નોંધાયો છે. આ સિવાય શરદી-ઉધરસ તેમજ તાવનાં 316 ઉપરાંત ઝાડા-ઉલ્ટીના 102 કેસ સપ્તાહમાં નોંધાયા છે. વીતેલા સપ્તાહની સરખામણીએ શરદી-ઉધરસ-તાવના કેસોમાં ઘટાડો થયો છે, જ્યારે ઝાડા-ઉલટીનાં કેસોમાં વધારો નોંધાયો છે. આગામી દિવસોમાં વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહીને લઈ રોગચાળો વધવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી. જો કે, આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળો ફેલાય નહીં તેનાં માટે ઠેર-ઠેર ફોગીંગ સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ સાથે આરોગ્ય અધિકારી જયેશ વાંકાણીએ રોગચાળો સંપૂર્ણ કાબુમાં હોવાનો દાવો કર્યો છે.
ડેંગ્યુનાં મચ્છરોનો ઉપદ્રવ અને વાઈરલ ઇન્ફેક્શનમાં ઘટાડો
આ અંગે આરોગ્ય અધિકારી જયેશ વાંકાણીએ જણાવ્યું હતું કે, છેલ્લા સપ્તાહમાં ડેંગ્યુનો એક કેસ નોંધાયો છે. સાથે જ શરદી ઉધરસ અને તાવનાં 316 કેસ નોંધાયા છે, જ્યારે ઝાડા-ઉલટીનાં 102 કેસ સામે આવ્યા છે. આમ વીતેલા સપ્તાહની સરખામણીએ શરદી-ઉધરસ અને તાવના કેસોમાં મોટો ઘટાડો નોંધાયો છે. જેનું મુખ્ય કારણ છે કે, કોવિડનું સંક્રમણ ઘટ્યું છે. સાથે જ મિશ્ર ઋતુ હોવા છતાં લોકોની સાવચેતી અને પરેજીએ પણ ખૂબ મોટો ભાગ ભજવ્યો છે. સાથે જ તડકો વધી રહ્યો હોય ડેંગ્યુનાં મચ્છરોનો ઉપદ્રવ અને વાઈરલ ઇન્ફેક્શનમાં ઘટાડો થયો છે.
શરદી-ઉધરસ અને તાવના કેસોમાં ઘટાડો થવાની શક્યતા
વધુમાં તેમણે કહ્યું હતું કે, હાલ છેલ્લા 4 દિવસ વરસાદની આગાહી હતી, પરંતુ તે પ્રમાણે વરસાદ પડ્યો નથી. આ કારણે મિશ્રઋતુનો ખાસ અનુભવ
થયો નથી, જે ખરેખર સારી બાબત છે. હાલ તાપમાનનો પારો 40 ડીગ્રી સુધી પહોંચવાની તૈયારીમાં છે. જેને કારણે ગરમી વધતા આગામી દિવસોમાં પણ કોમન કોલ્ડ એટલે કે શરદી-ઉધરસ અને તાવના કેસોમાં ઘટાડો થવાની પુરી શક્યતા છે.
ડેંગ્યુ સંપૂર્ણપણે કાબુમાં હોવાનો દાવો
ડેંગ્યુનાં કેસ અંગે જણાવતા તેમણે કહ્યું કે, સામાન્ય રીતે શહેરમાં ડેંગ્યુનાં છૂટક કેસો જોવા મળતા હોય છે. રાજકોટ ડેંગ્યુ માટે એંડેમીક ઝોનમાં આવતું હોવા છતાં હાલ ડેંગ્યુ સંપૂર્ણપણે કાબુમાં છે, જે સારી બાબત ગણી શકાય. માત્ર ડેંગ્યુ જ નહીં ચિકનગુનિયા માટે જવાબદાર મચ્છરોનો ઉપદ્રવ ખૂબ જ ઓછો હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો.