રાજકોટ મહાનગરપાલિકાનાં ફૂડ વિભાગ દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં મંગળવારે કોઠારિયા વિસ્તારમાં આવેલા પટેલ મહિલા ગૃહ ઉધોગમાંથી મોટી માત્રામાં અખાદ્ય જથ્થો પકડાયો હતો. ટુટીફ્રુટી તેમજ જેલીનું ઉત્પાદન કરતી આ પેઢીમાંથી મનપાએ 20,000 કિલો અખાદ્ય કાચા પપૈયાનો સ્થળ પર નાશ કર્યો હતો. સમગ્ર મામલે મ્યુ કમિશનર આનંદ પટેલ દ્વારા કડકમાં કડક કાર્યવાહીનો આદેશ આપવામાં આવતા મનપાએ પટેલ મહિલા ગૃહ ઉધોગનાં યુનિટને સીલ કર્યું છે. નવો આદેશ ન મળે ત્યાં સુધી યુનિટને સીલ કરવામાં આવતા ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. આ ઉપરાંત નાનામૌવા નજીક આઈસ્ક્રીમની પેઢીમાં તપાસ કરવામાં આવી હતી. અને 4 નમુના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગત મુજબ, મંગળવારે કોઠારીયા રોડ ખાતેનાં પટેલ મહિલા ગૃહ ઉદ્યોગમાં ફૂડ વિભાગે દરોડો પાડ્યો હતો. જેમાં ટુટીફ્રુટી તેમજ જેલીનું ઉત્પાદન કરતી આ પેઢીમાંથી 20 હજાર કિલો કાચા પપૈયાનો જથ્થો સાવ અખાદ્ય હાલતમાં મળી આવતા તેનો નાશ કરાયો હતો. આ મામલે મ્યુ. કમિશનર આનંદ પટેલ અને નાયબ મ્યુ. કમિશનર સ્વપ્નિલ ખરેનાં આદેશથી જાહેર આરોગ્યને નુકસાનકર્તા પ્રવૃતિ અટકાવવા ધી. જી. પી. એમ. સી. એક્ટ- 1949 ની કલમ-376 “એ” મુજબ ખોખડદડ નદીના કાંઠે, કોઠારીયા રિંગ રોડ, નેશનલ હાઇ વે-8B, ઓમ ઇન્ડ. એરીયામાં આવેલ જયેશ પરસોતમભાઇ સાવલીયાની માલિકી ઉત્પાદક પેઢી “પટેલ મહિલા ગૃહ ઉદ્યોગ”ને પેઢીના માલિકની હાજરીમાં સીલ કરવામાં આવ્યું હતું. તેમજ આગામી હુકમ ન થાય ત્યાં સુધી સીલ યથાવત્ રાખવા અને પેઢીમાં કોઈ પ્રવૃતિ ન કરવા અંગે સૂચના આપવામાં આવી હતી.
આ ઉપરાંત ઉનાળાની સિઝનને અનુલક્ષીને સર્વેલન્સ ચેકિંગ દરમિયાન પાન એમ્પાયર, શોપ નં. 5, સિલ્વર હાઇટ્સ સામે, નાનામવા રોડ, રાજકોટ મુકામે આવેલ ક્રીમઝેન આઇસ્ક્રીમ પ્રા. લિ. (કંપની રિટેલ આઉટલેટ)ની તપાસ કરવામાં આવી હતી. જેમાં પેઢીમાં ગ્રાહકોને વેચાણ માટે સંગ્રહ કરેલ વિવિધ ફ્લેવરના આઇસ્ક્રીમનો એક્સપાયરી થયેલ કુલ 18 કિ.ગ્રા. જથ્થો સ્થળ ઉપર નાશ કરવામાં આવ્યો હતો. તથા પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા બાબતે સૂચના આપવામાં આવી હતી. FSW વાન સાથે શહેરના આકાશવાણી ચોકથી યુનિવર્સિટી ગેઇટ સુધીના વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 21 ધંધાર્થિઓની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં 21 નમુનાની સ્થળ પર ચકાસણી કરી કુલ 7 ધંધાર્થીઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવી હતી.
- કેસર પિસ્તા આઇસ્ક્રીમ (લુઝ); સ્થળ- ક્રીમઝેન આઇસ્ક્રીમ પ્રા. લિ., પાન એમ્પાયર, શોપ નં.-5, સિલ્વર હાઇટ્સ સામે, નાનામવા રોડ
- સ્ટ્રોબેરી આઇસ્ક્રીમ (લુઝ); સ્થળ- ક્રીમઝેન આઇસ્ક્રીમ પ્રા. લિ., પાન એમ્પાયર, શોપ નં.-5, સિલ્વર હાઇટ્સ સામે, નાનામવા રોડ
- વાઇલ્ડ બેરી ચીઝ કેક આઇસ્ક્રીમ (લુઝ); સ્થળ- જીલ આઇસ્ક્રીમ, ધ્રુવ કોમ્પ્લેક્સ, રણછોડનગર શેરી નં.-4, પેડક રોડ
- કુકીઝ અને ક્રીમ આઇસ્ક્રીમ (લુઝ); સ્થળ- ડીલક્સ ફૂડ્સ, હથિયારી બિલ્ડીંગ કડિયા વાડી સામે, મોચી બજાર