છેલ્લા કેટલાક સમયથી હિન્દુ રાષ્ટ્રને લઈને ચર્ચામાં આવેલા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો અમદાવાદમાં 29 અને 30 મે એમ બે દિવસ દિવ્ય દરબારનું આયોજન કરાયું છે. ઘાટલોડિયા વિસ્તારમાં ચાણક્યપુરી સેક્ટર-6 ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે 28મીએ સાંજે 5 વાગ્યાની આસપાસ ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદ આવી પહોંચશે.
બે દિવસ સુધી તેઓ અમદાવાદમાં રોકાવવાના છે, ત્યારે તેમની રહેવા, ખાવા-પીવા સહિતની વ્યવસ્થાનું આયોજન સભાસ્થળની એકદમ નજીક કરવામાં આવ્યું છે. મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રી જ્યાં રહેવા માટે એક ખાસ બંગલો તૈયાર કરવામાં આવી રહ્યો છે. 10 જેટલા રૂમ સાથે બે માળના બંગલામાં ધીરેન્દ્ર શાસ્ત્રી તેમના સચિવ સાથે રહેશે. બંગલાની સુરક્ષા માટે 200 જેટલા સિક્યોરિટી ગાર્ડ રાખવામાં આવશે.
શાસ્ત્રી માટે અત્યાધુનિક એસી સાથેનો બંગલો
નવા બની રહેલા આ બંગલામાં ગ્રાઉન્ડ ફ્લોરથી લઇ અને બે માળ સુધી અલગ અલગ રૂમ બનાવવામાં આવ્યા છે. જેમાં ગ્રાઉન્ડ ક્લોર ઉપર અને પહેલા માળે બે વિશાળ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે. ધીરેન્દ્ર શાસ્ત્રી પહેલા માળ ઉપરના બે રૂમમાં તેમના સચિવ સાથે જ રહેશે. ધીરેન્દ્ર શાસ્ત્રીના રહેવા માટે બંગલામાં તમામ નવી વસ્તુઓ મૂકવામાં આવશે પલંગ, એસી, કબાટ, ફર્નિચર વગેરે તદ્દન નવા મૂકવામાં આવશે.
એક વર્ષ પહેલાં શાસ્ત્રીએ મુલાકાત લીધી હોવાનું આયોજકનું કહેવું
અમદાવાદમાં દિવ્ય દરબારના આયોજક અને મૂળ ઉત્તર પ્રદેશના જિનેન્દ્ર શાસ્ત્રીના નજીકના ગણાતા મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રી એક વર્ષ અગાઉ આ જગ્યા ઉપર આવી ચૂક્યા છે અને ફરીથી તેઓ આવવાના હતા તેઓ સંકલ્પ કર્યો હતો. જેને લઇ 29 અને 30 મેના રોજ બે દિવસ અહીંયાં દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. તેમના રહેવા માટે ખાસ બંગલાની વ્યવસ્થા કરવામાં આવી છે. આખો નવો બંગલો તૈયાર કરવામાં આવ્યો છે. તેમના સચિવ સાથે તેઓ રહેશે. બંગલાની સિક્યુરિટી માટે 200 જેટલા સિક્યોરિટી ગાર્ડ રાખવામાં આવ્યા છે.
સ્ટાફ માટે 20 જેટલાં મકાનોની વ્યવસ્થા
મહારાજના સ્ટાફ માટે પણ અલગથી 20 જેટલાં આસપાસનાં મકાનોની વ્યવસ્થા કરી છે. અંદાજે રૂ. રૂપિયા 80 લાખના ખર્ચે બનનારા બે માળના બંગલામાં 10થી વધુ રૂમ બનાવવામાં આવ્યા છે. બંગલામાં એક મંદિર બનાવવામાં આવશે. આ બંગલાની તમામ કામગીરી થોડા દિવસમાં પૂર્ણ થઈ જશે. 25થી વધુ રસોઈયા સવાર સાંજ ચાર દિવસ માટે રસોઈ માટે હાજર રહેશે. તદ્દન નવા પલંગ, ગાદલા, એસી વગેરે મૂકવામાં આવશે.