News Updates
RAJKOT

બાબાના ચકકરમાં લાખો ગુમાવ્યા:રાજકોટની મહિલાને માનસિક અશાંતિ દૂર કરવાની લાલચ આપી છેતરપિંડી આચરી, ખોટી વિધિ કરવાના બહાને 2.73 લાખ પડાવ્યા

Spread the love

ટીવીમાં ચમત્કારી તાંત્રિક જયોતિષીની જાહેરાત જોઈ તેના ચક્કરમાં ફસાઈ પોતાની માનસિક અશાંતિ દૂર કરવા ગયેલી એક મહિલાને 2.73 લાખ રુપિયા ગુમાવવાનો વારો આવ્યો હતો. રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસમાં આ અંગે પોતાને ચમત્કારી તાંત્રિક જયોતિષ બાબા ગણાવતા ઈશ્વર રાધાવલ્લભ જોષી વિરૂધ્ધ વિશ્વાસઘાત, છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ હતી જેને આજ રોજ એક મહિના બાદ ભક્તિનગર પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.

પોલીસની પકડથી બચવા આરોપી ફોન બંધ રાખતો
ટીવીમાં તાંત્રિક વિધિ અંગે જાહેરાત આપી માનસિક અશાંતિને દૂર કરી દેવાની લાલચ આપી ખોટી વિધિ કરવાના બહાને છેતરપિંડી અને વિશ્વાસઘાત કરનાર આરોપી ઈશ્વર જોશી (ઉ.વ.24) મૂળ રાજસ્થાનનો વતની હોવાનું પોલીસ તપાસમાં સામે આવતા પોલીસે અલગ-અલગ દિશામાં તપાસ હાથ ધરી ફરિયાદીની ફરિયાદ આધારે મળેલ સંપર્ક નંબર તેમજ ટેક્નિકલ સોર્સીસ મદદથી રાજસ્થાનના પાલી શહેર ખાતે આંબેડકરનગર વિસ્તારમાં આવેલ તેમના નિવાસ્થાનેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ પકડથી બચવા આરોપી મોબાઈલ ફોન બંધ રાખતો હતો. જો કે, તેમના નિવાસ્થાને આવ્યો હોવાની ચોક્કસ હકીકત બાતમી આધારે પોલીસની એક ટીમ રાજસ્થાન પહોંચી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ટીવીમાં ગુજરાતી ચેનલ પર જાહેરાત જોઈ હતી
રાજકોટના કોઠારીયા રોડ પરની મહાત્મા ગાંધી સોસાયટી શેરી નં-1માં રહેતી ભાવનાબેન કનુભાઈ વાઘેલા (ઉ.વ.41)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેને સંતાનમાં બે પુત્રો છે. પતિ ડ્રાઈવિંગ કામ કરે છે. ચાર-પાંચ વર્ષ પહેલા તેનું એક્સિડન્ટ થતાં માથામાં ઈજા થવા પામી હતી ત્યારથી દર વર્ષે વધુ પડતી ગરમી અને વધુ પડતી ઠંડી પડવાથી તેને માનસિક અશાંતિ રહેતી હતી અને આ તકલીફ છેલ્લા 10 મહિનાથી વધી ગઈ હતી. ગત વર્ષે નવેમ્બર મહિનામાં ઘરે ટીવી જોતી હતી ત્યારે એક ગુજરાતી ચેનલ ઉપર ચમત્કારી તાંત્રિક જયોતિષીની જાહેરાત જોઈ હતી. જેમાં જણાવેલા મોબાઈલ નંબર ઉપર પરિવારજનોને જાણ કર્યા વગર કોલ કરતાં સામેથી પોતાને ચમત્કારી તાંત્રિક બાબા ગણાવનારે પોતાનું નામ ઈશ્વર જોશી આપ્યું હતું.

વિધિના નામે લાખો રુપિયા પડાવ્યા
જેને પોતાની સમસ્યાઓ વર્ણવી કે, મને ખૂબજ બેચેની રહે છે, અમારા ધંધા ચાલતા નથી, ઘરમાં સુખ શાંતિ રહેતી નથી. જે વાત સાંભળી ઈશ્વર જોષીએ કહ્યું કે, હું તમારી બધી મુશ્કેલીઓ દૂર કરી દઈશ. જે માટે હું વિધિ ચાલુ કરીશ. તમારે પ્રથમ રૂ. 2501 આપવા પડશે. જેથી તેણે ઓનલાઈન આ રકમ મોકલી ત્યારબાદ અવારનવાર તેને કોલ કરી જુદી-જુદી વીધી કરી રહ્યાનું કહી કટકે-કટકે રૂ. 2.73 લાખ પડાવ્યા હતા. જે રકમ તેની અંગત બચતની હતી.

છેલ્લી વિધિ બાકી છે કહીને કોલ ઉપાડવાનું પણ બંધ કરી દીધું
એટલું જ નહીં દાગીનાઓ ગીરવે મુકી ગોલ્ડ લોન લઈ તે રકમ પણ ચુકવી દીધી હતી. આમ છતાં માનસિક બેચેની કે ધંધામાં કોઈ ફાયદો નહીં થતાં અવારનવાર ઈશ્વર જોષીનો સંપર્ક કરતા હતા. આખરે તેણે કહ્યું કે હવે છેલ્લી વિધિ બાકી છે જેના તમારે રૂ. 35000 આપવા પડશે. જેથી તમારું બધુ કામ પુરુ થઈ જશે પરંતુ, હવે રૂપિયા બચ્યા ન હોવાથી આપ્યા ન હતા. આખરે પોતાને છેતરાઈ ગયાનો અહેસાસ થયો હતો. જેથી ઈશ્વર જોષી પાસેથી તેનું સરનામું માંગતા આપ્યું ન હતું. માત્ર એટલું કહ્યું કે તમે ભરૂચ રેલ્વે સ્ટેશને આવી મને કોલ કરો એટલે મારો માણસ તમને લઈ જશે. આ પછી તેના કોલ ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું. જેથી પરિવારજનોને વિગતો જણાવ્યા બાદ ફરિયાદ નોંધાવી હતી.


Spread the love

Related posts

ગ્રામજનોની ચીમકી ઉગ્ર વિરોધ:જેતપુરમાં બનતા બ્રિજ નજીક જો ગટર બનશે તો જોયા

Team News Updates

સૌરાષ્ટ્ર યુનિ.ના UPSC ભવનમાં વર્ગો શરૂ થશે,IAS-IPS બનવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે મફત ક્લાસ,10 જૂન સુધીમાં ફોર્મ ભરો, એક્ઝામ-ઈન્ટરવ્યુના આધારે એડમિશન

Team News Updates

 RAJKOT: વોકહાર્ટ હોસ્પિટલ્સ ખાતે સફળ ઓપરેશન,દર્દીની કિડનીમાં રહેલ એડવાન્સ કેન્સરની ગાંઠનું 

Team News Updates