News Updates
RAJKOT

સુરત-રાજકોટને મળ્યા નવા મેયર:રાજકોટમાં નયના પેઢડિયા મેયર તો સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે જયમીન ઠાકર જાહેર, સુરતમાં દક્ષેશ માવાણી મેયર

Spread the love

સુરત મહાનગરપાલિકાના 38માં મેયર પદે દક્ષેશ માવાણી જાહેર થયા છે. જ્યારે સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે રાજન પટેલ, દંડક ધર્મેશ વાણયાવાળા, ડેપ્યુટી મેયર તરીકે નરેન્દ્ર પાટીલ, શાસક પક્ષના નેતા તરીકે શશી ત્રિપાઠીની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે રાજકોટમાં મેયર પદ માટે નયનાબેન પેઢડિયાને જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે મેયર પદની રેસમાં છેલ્લે સુધી જ્યોત્સના ટીલાળાનું નામ ચાલી રહ્યું હતું. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જયમીન ઠાકરની નિમણૂક કરવામાં આવી છે.

પ્રથમ વખત પ્રદેશના નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી
રાજકોટ મનપાના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે પ્રથમ વખત પ્રદેશના નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પ્રદેશના નેતાઓ દ્વારા પદાધિકારીઓ અને નગરસેવકોને સાંભળી અપેક્ષિતોને બોલાવી રીવ્યુ સાથે સેન્સ લેવામાં આવી હતી. રોટેશન મુજબ મેયર પદ પર મહિલા અનામત હોવાથી મહિલા મેયર બનશે એ વાત નક્કી હતી. રાજકોટના નવા મેયર તરીકે છેલ્લા 15 દિવસથી 6 નામો ચર્ચામાં હતા. જેમાં ડો. દર્શના પંડ્યા, જ્યોત્સના ટીલાળા, નયના પેઢડિયા, ભારતી પરસાણા, વર્ષા રાણપરા અને પ્રીતિ દોશીના નામનો સમાવેશ થયો હતો.. પરંતુ હાલ તો રાજકોટમાં મેયર પદ માટે પાટીદાર મહિલા નયના પેઢડિયા પર મહોરર લાગી છે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જયમીન ઠાકર નિમાયા
રાજકોટના નવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે મનીષ રાડિયા, જયમીન ઠાકર, નેહલ શુક્લ, દેવાંગ માંકડ, અશ્વિન પાંભર અને ચેતન સુરેજાના નામો છેલ્લા 15 દિવસથી ચર્ચાઇ રહ્યા હતા. જેની સામે બ્રાહ્મણ સમાજને ધ્યાનમાં રાખી રાજકોટ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે શિક્ષિત અને સ્વચ્છ ચહેરા જયમીન ઠાકરને સ્થાન આપવામાં આવ્યું છે. જોકે, છેલ્લે દેવાંગ માંકડનું નામ મોખરે હતું.. જ્યારે ડેપ્યુટી મેયર માટે નીતિન રામાણી, ડો.અલ્‍પેશ મોરઝરીયા, અને પરેશભાઇ પીપળીયાના નામો ચર્ચાઈ રહ્યા હતા. પરંતુ ભાજપે સરપ્રાઈઝ આપીને ડેપ્યુટી મેયર તરીકે નરેન્દ્રસિંહ જાડેજાને જાહેર કર્યા છે.

નયના પેઢડીયા પાર્ટી અને સરકારની ગુડ બુકમાં સ્થાન ધરાવે છે
રાજકોટના મેયર પદ માટે નયના પેઢડિયાની નિણણૂક થઈ છે. જેઓ હાલ વોર્ડ નંબર-4ના કોર્પોરેટર છે અને અગાઉ રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. તેઓ પાર્ટી અને સરકારની ગુડ બુકમાં સ્થાન ધરાવે છે. આ ઉપરાંત સંગઠનમાં સતત સક્રિય રહેવાના કારણે તેઓનું નામ મેયર પદ માટે આગળ ચાલી રહ્યું હતું અને અંતે તેના નામ પર જ ભાજપે મહોર લગાવી છે.

દેવાંગ માંકડનું પત્તુ કપાયું
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદ માટે દેવાંગ માંકડનું નામ મોખરે ચાલી રહ્યું હતું. તેઓ વોર્ડ નંબર-7ના કોર્પોરેટર છે તેમજ પંચનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી છે. સેવાકીય પ્રવૃત્તિમાં તેમનું નામ આગળ હોય છે અને અગાઉ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પણ તેઓ ચેરમેન રહી ચૂક્યા છે. એટલું જ નહીં ગત વિધાનસભાની ચૂંટણી સમયે પશ્ચિમ બેઠકના દાવેદારોમાં તેમનું નામ મોખરે હતું. સ્વચ્છ અને શિક્ષિત છબી ધરાવતા પીઢ નેતા હોવાથી સ્ટેન્ડિંગ ચેરમેન માટે તેમનું નામ અગ્રસ્થાને ચાલી રહ્યું હતું. જોકે તેનું પત્તુ કાપી ભાજપે સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે જયમીન ઠાકરને જાહેર કર્યા છે.

સુરતમાં સૌરાષ્ટ્રીયન પાટીદાર મેયર બન્યા
સુરત મહાનગરપાલિકાના 38માં મેયર પદે સૌરાષ્ટ્રીયન પાટીદાર દક્ષેશ માવાણી જાહેર થયા છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મૂળ સુરતી રાજન પટેલ, દંડક ધર્મેશ વાણયાવાળા, ડેપ્યુટી મેયર તરીકે નરેશ પાટીલ, શાસક પક્ષના નેતા તરીકે શશી ત્રિપાઠીની નિમણૂક કરવામાં આવી છે. ફરી એક વખત ભાજપે પુરવાર કર્યો કે કોઈપણ પ્રકારની ચર્ચા ન હોય તેવા નામોની જાહેરાત કરી છે. નામ જાહેર થતાની સાથે સૌ કોઈ ચોંકી ગયા છે. ભાજપના આંતરિક માળખામાં પણ જાહેર થયેલા નામને આવકારવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હોય તે રીતે માહોલ દેખાયો છે. જોકે જેમને અંદરથી પોતાના નામની જાહેરાત થવાની શક્યતાઓ હતી તેઓ પણ નિરાશ છે.

ભાજપે પરંપરા જાળવી
મેયર તરીકે સૌરાષ્ટ્ર દક્ષેશ માવાણીની પસંદગી કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે સુરતીની નિમણૂક થઈ છે. ગત વખતે મેયર તરીકે મૂળ સુરતી હેમાલીબેન બોઘાવાલા હતા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે પરેશ પટેલ હતા. સુરત શહેરમાં આ જ પ્રકારનું માળખું ઘણા સમયથી સેટ કરી દેવામાં આવ્યું છે અને તે જ પરંપરા અકબંધ રાખવામાં આવી છે.

રિવરફ્રન્ટ તેમજ અન્ય પ્રોજેક્ટની કામગીરી ઝડપથી આગળ વધે તેવા પ્રયાસ
સુરત મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું કે, શહેરની અંદર જે વિકાસના કામો છે તેને ઝડપથી વેગ આપવાની તરફ કામ કરવામાં આવશે. પાર્ટી અમારા પર જે વિશ્વાસ મૂક્યો છે તે વિશ્વાસને પરિપૂર્ણ કરવા માટેના પ્રયાસો કરીશું. રિવરફ્રન્ટની કામગીરી તેમજ અન્ય જે પ્રોજેક્ટ છે તેના માટે ઝડપથી કામ આગળ વધે તેવા પ્રયાસ કરીશું.

મહત્ત્વની કામગીરી સોંપવામાં આવી તેને પરિપૂર્ણ કરવા માટેનો પ્રયાસ
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજન પટેલે જણાવ્યું કે, શહેરમાં જે પ્રકારે મેટ્રોની કામગીરી ચાલી રહી છે. તેના કારણે લોકોને ખૂબ જ મુશ્કેલી થઈ રહી છે. તે સિવાયના અનેક એવા મોટા પ્રોજેક્ટો છે કે તેને લઈને કામ ઝડપથી કરવા પડશે. નાનામાં નાના કાર્યકર્તા તરીકે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ આજે મને મહત્ત્વની કામગીરી સોંપવામાં આવી છે તેને પરિપૂર્ણ કરવા માટેનો પ્રયાસ કરીશ.

શાસક પક્ષ તરીકે પરપ્રાંતિય
શાસક પક્ષના નેતા તરીકે અમિત સિંહ રાજપુત હિન્દી ભાષી હતા તેમને સ્થાને ફરીથી શશી ત્રિપાઠીને શાસક પક્ષના નેતા તરીકે લેવાયા છે. શાસક પક્ષ માટે આ સ્થાન નક્કી માનવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી આ જ પરંપરા પ્રમાણે ભાજપ તમામ રાજકીય અને અલગ અલગ રાજ્યમાંથી આવેલા અને સ્થાયી થયેલા લોકોને પણ ન્યાય આપવાનો પ્રયાસ કરે છે.

સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય તરીકે મહિલાઓને વધુ સ્થાન
સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય તરીકે પ્રથમ વખત 8 જેટલી મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે. મોટાભાગના નવા જ કોર્પોરેટર તરીકે હતા, તેમને સ્થાન આપવામાં આવ્યું છે. સ્થાયી સમિતિ ચેરમેન સહિત 12 સભ્યો સ્ટેન્ડિંગ કમિટીમાં હોય છે. જે પૈકીના 8 મહિલાઓને સ્થાયી સમિતિના સભ્ય તરીકે લેવામાં આવતા આશ્ચર્ય ફેલાયો છે. સ્ટેન્ડિંગ કમિટી શહેરની સૌથી મહત્ત્વની કમિટી પૈકીની એક છે. જેમાં મહિલાઓને સ્થાન મળતા ભાજપના જ કોર્પોરેટરોમાં પણ આશ્ચર્ય ફેલાયું છે.

સ્થાયી સમિતિના સભ્યો

 1. દીનાનાથ ચોધરી
 2. ડિમ્પલ કાપડિયા
 3. સુમન ગડિયા
 4. નરેશ ધમેલિયા
 5. ગીતા રબારી
 6. ઘનશ્યામ સવાણી
 7. આરતી વાઘેલા
 8. નીરાલા રાજપૂત
 9. અલકા પાટિલ
 10. જીતેન્દ્ર સોલંકી
 11. ભાવિશા પટેલ

Spread the love

Related posts

રાજકોટ મહાનગરપાલિકાનાં નવનિયુક્ત મેયર માટે ગેરકાયદે બાંધકામ મોટો પડકાર..

Team News Updates

લસણથી ભરપુર ચટાકેદાર ખાવાના શોખીનો સાવધાન, વધુ રૂપિયા ખર્ચવા તૈયાર રહેવુ પડશે

Team News Updates

રાજકોટથી દ્વારકા, સોમનાથ, અમદાવાદ, સુરત જેવાં સ્થળોએ જવા માટે 5 નવેમ્બરથી 150 એક્સ્ટ્રા બસો દોડાવાશે

Team News Updates