રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં દરરોજ 20 મિનિટ પાણી આપવામાં આવતું હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. જોકે, આ દાવાઓ પોકળ સાબિત થતા હોય તેમ આજે પાણી પ્રશ્ને અંબિકા ટાઉનશીપનાં લોકો રસ્તા પર ઉતર્યા હતા. તેમજ બાઈક રેલી યોજી ‘પાણી નહીં તો મત નહીં’નાં નારા સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ તકે પાણી વિતરણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો હોવાના આરોપ પણ સ્થાનિકો દ્વારા લગાવાયા હતા. સાથે જ મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

અમારી સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી
સુરેશ મણવર નામના સ્થાનિકે જણાવ્યું હતું કે, અમે આ વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી રહીએ છીએ. છેલ્લા 3 વર્ષથી અમારા વિસ્તારોમાં પાણીની સમસ્યાથી હજારો લોકો હાલાકી ભોગવી રહ્યા છે. આ માટે અગાઉ ઓનલાઈન માધ્યમથી, રૂબરૂ તેમજ સ્થાનિક કોર્પોરેટરોને પણ વારંવાર રજૂઆતો કરવામાં આવી ચૂકી છે. પરંતુ અમારી સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી. દરેક વખતે સમસ્યા દૂર થઈ જશે તેવા આશ્વાસન અપાય છે. પરંતુ પ્રશ્ન ત્યાં જ રહે છે. આ કારણે હવે બાઈક રેલી યોજીને મનપાને રજુઆત કરવામાં આવી છે.
એકબીજા પર ખો આપે છે
દિવ્યાંગ સિનિયર સિટીઝન ગોકુલદાસભાઈએ આ અંગે જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષથી અંબિકા ટાઉનશીપ અને તેની આસપાસના વિસ્તારોમાં પાણી પૂરતું મળતું નથી. પાણી વિતરણ કરનારને કહીએ તો સાહેબને કહેવા જણાવે છે. સાહેબને કહીએ તો માત્ર અરજી લઈ સંતોષ માની લેવામાં આવે છે. સમસ્યાનો કોઈપણ ઉકેલ આવતો નથી. જેને લઈને નાછૂટકે બાઈક રેલી યોજીને આંદોલનનો માર્ગ અપનાવવો પડ્યો છે. અમારે મીટર દ્વારા પાણી જોઈએ છે. ‘પાણી નહીં તો મત નહીં મળે’ યાદ રાખજો

અનેક વખત રજૂઆતો કરી
હેતલબેન કાનાણી નામના મહિલાએ જણાવ્યું હતું કે, અંબિકા ટાઉનશીપમાં પાણી છેલ્લા ત્રણ વર્ષથી પૂરતા પ્રમાણમાં આવતું નથી. અનેકવાર રજૂઆતો કરવા છતાં સમસ્યાનો ઉકેલ આવતો નથી. આ વિસ્તારમાં લાખોની સંખ્યામાં લોકો વસવાટ કરે છે. પરંતુ પાણી પૂરતું અપાતું નહીં હોવાથી બધાને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અમે લેખિત તેમજ મૌખિક રીતે અનેક વખત રજૂઆતો કરી છે. કોર્પોરેટરોને રજુઆત કરીએ ત્યારે થઈ જશે જેવો જવાબ મળે છે. પણ સમસ્યા ઉકેલાતી નથી. જેને લઈને આજે રેલી યોજી રજુઆત કરવામાં આવી છે.
ભ્રષ્ટાચાર ન કરવા કોર્પોરેશનને અપીલ
ઉલ્લેખનીય છે કે, પાણી માટે અંબિકા ટાઉનશીપમાં રહેતા લોકો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતર્યા હતા. સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક ‘પાણી આપો પાણી આપો’ ના સુત્રોચાર કર્યા હતા. તો પાણી વિતરણમાં ભ્રષ્ટાચાર ન કરવા કોર્પોરેશનને અપીલ કરવામાં આવી હતી. તેમજ સ્થાનિક મહિલાઓએ કોર્પોરેટરો અને કોર્પોરેશન સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. લોકસભાની ચૂંટણીઓ પહેલા અંબિકા ટાઉનશીપનાં રહીશો આક્રોશમાં જોવા મળ્યા હતા. અને મતદાન બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારી હતી.