ભાવનગર અને જામનગર મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના હોદેદારોની ટર્મ પૂર્ણ થતા આગામી અઢી વર્ષની ટર્મ માટે નવા હોદેદારોના નામની જાહેરાત થઇ છે. જેમાં ભાવનગરના નવા મેયર તરીકે ભરત બારડ અને ડેપ્યુટી મેયર તરીકે મોના પારેખના નામ પર મહોર લાગી છે. તો જામનગરના નવા મેયર તરીકે વિનોદ ખીમસુરીયા અને ડેપ્યુટી મેયર તરીકે ક્રિષ્નાબેન સોઢાના નામની જાહેરાત થઇ છે. આ ઉપરાંત બંને શહેરોમાં સ્ટેન્ડિંગ કમિટીના 12-12 સભ્યો અને ચેરમેનના નામની જાહેરાત કરાઇ છે.
સામાન્ય સભામાં નામોની જાહેરાત
ભાવનગર-જામનગર મહાનગરપાલિકાના નવા હોદ્દેદારોની આજે નિમણૂંક કરાઇ છે. ભાજપ નિરીક્ષકો દ્વારા હાથ ધરવામાં આવેલી સેન્સ પ્રક્રિયા દરમિયાન કોર્પોરેટરો, ધારાસભ્યો અને સાંસદ દ્વારા ભલામણ કરવામાં આવેલા નામોની એક યાદી બનાવવામાં આવી હતી. જે યાદીને ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાયેલી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક રજૂ કરવામાં આવી હતી. પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક બાદ પ્રદેશ મોવડી મંડળે હોદ્દાદારોના નામ પર મહોર લગાવી દીધી હતી. જ્યારે આજે ભાવનગર-જામનગર મહાનગરપાલિકા ખાતે સામાન્ય સભામાં આ નામોની જાહેરાત કરાઇ છે.
વિનોદ ખીમસુરીયા જામનગરના નવા મેયર
જામનગરના મેયરના પદ માટે વિનોદ ખીમસુરિયા, મુકેશ માતંગ અને જેન્તી ગોહિલ રેસમાં હતા. જેમાથી વિનોદ ખીમસુરીયાના નામ પર મહોર લાગી છે. તો ડેપ્યુટી મેયર તરીકે ક્રિષ્નાબેન સોઢાના નામની જાહેરાત થઇ છે. તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે આશિષ જોષીના નામ પર મહોર લાગી છે.
ભાવનગરના નવા મેયર ભરત બારડ
ભાવનગર મહાનગરપાલિકાના નવા હોદ્દેદારોની વરણી કરાઇ છે. ભાવનગરના નવા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા સહિતના હોદ્દેદારોની વરણી કરાઇ છે. જેમાં ભાવનગરના નવા મેયર તરીકે ભરત બારડ, બાબુભાઇ મેર, લક્ષ્મણ રાઠોડ અને ભારતી બેન મકવાણાનું નામ ચર્ચામાં હતું. જેમાંથી મેયર તરીકે ભરત બારડના નામ પર મહોર લાગી છે. તો ડેપ્યુટી મેયર માટે ભાવનાબેન દવે, યોગીતાબેન ત્રિવેદી, મોનાબેન પારેખ, વર્ષાબા પરમારનું નામ ચર્ચામાં હતું. જેમાંથી મોના પારેખના નામ પર મહોર લાગી છે. તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાજુભાઈ રાબડીયાના નામની જાહેત થઇ છે.