રાઈટ ટુ એજ્યુકેશન (RTE) ગરીબ અને પછાત વર્ગના બાળકોના ભણતર માટેની યોજના છે. જોકે RTE હેઠળ ગરીબ અને પછાત બાળકોને મફત શિક્ષણ આપવાની સરકારની યોજનામાં પણ ગેરરીતી થતી હોવાનું સામે આવ્યું છે. જેમાં ગરીબ કરતા સુખી-સંપન્ન લોકો RTE હેઠળ પ્રવેશ લેતા હોવાનું અગાઉ પણ સામે આવી ચૂક્યું છે. ત્યારે હવે શહેરમાં 400 જેટલા વાલીઓએ નામ, જન્મતારીખ જેવી વિગત બદલીને બીજી વખત પ્રવેશ લીધો હોવાનું સામે આવ્યું છે. જેને લઈને આ તમામના એડમિશન રદ્દ કરવાની કાર્યવાહી શરૂ કરાઇ છે.
પ્રાપ્ત વિગત મુજબ RTE હેઠળ પ્રવેશ દરમિયાન કેટલીક ચોંકાવનારી હકીકત સામે આવી છે. જેમાં રાજકોટમાં 400 જેટલા એવા વાલીઓ છે જેમણે RTE હેઠળ એડમિશન લેવામાં ગેરરીતી આચરી હતી. અને ગયા વર્ષે ઊંચી ફી ભરીને ધોરણ 1 ભણી ગયેલા રાજકોટના 400 બાળકોના વાલીઓએ બીજી વખત RTE હેઠળ ધોરણ 1માં પ્રવેશ લઇ લીધો છે. જેથી હવે ધો.1થી 8 સુધી મફત શિક્ષણ મળી શકે. જોકે આ હકીકત સામે આવતા તંત્ર દોડતું થયું છે. અને આવા બાળકોના એડમિશન રદ્દ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું જિલ્લા શિક્ષણાધિકારી કૈલાએ જણાવ્યું હતું.
જિલ્લા શિક્ષણાધિકારી બી. એસ. કૈલાએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં 1004 જેટલી ખાનગી શાળાઓ છે. જેમાં RTE હેઠળ પ્રવેશ માટે ફોર્મ ભરનારાઓ પૈકી 5200 જેટલા બાળકોને પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ અપાયો હતો. આ પૈકીના 4600 બાળકોએ પ્રવેશ મેળવી લીધો છે. જ્યારે 600 જેટલા બાળકોએ પ્રવેશ લીધો નથી. જો કે આ પૈકી 200 જેટલા એવા બાળકો છે જેને પસંદગી મુજબ શાળા મળી નહીં હોવાથી પ્રવેશ લીધો નથી. પણ બાકીના 400 વિદ્યાર્થીઓ એવા હોય શકે જેમણે ગત વર્ષે ધો. 1માં પ્રવેશ મેળવ્યો હતો. અને આ વર્ષે ફરીથી ધો. 1માં પ્રવેશ મેળવ્યો છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, કેટલાક વાલીઓએ વિગતો છુપાવીને કે ખોટી વિગતો આપીને કે છેતરપીંડીથી ફોર્મ ભર્યા બાદ આ પ્રવેશ મેળવ્યો હોઈ શકે છે. આ બાબતો હાલમાં સામે આવી રહી હોવાથી તેનો પ્રવેશ રદ્દ કરાઈ રહ્યો છે. આવા 400 જેટલા બાળકો છે. સામાન્ય રીતે RTE નું ફોર્મ ભરવાની પ્રક્રિયા ઓનલાઈન હોવાથી વાલી પોતે ઓનલાઈન ફોર્મ ભરે છે. જેમાં વાલી તેના બાળકનું નામ, અટક, જન્મતારીખ સહિતની વસ્તુઓમાં ફેરફાર કરીને જૂની સાચી ડિટેઇલ કરતા અલગ વિગતો સાથેનું ફોર્મ ભરે એટલે ફોર્મ સ્વીકારાઈ જતું હોય છે. પરંતુ જ્યારે શાળામાં પ્રવેશ લેવા જાય ત્યારે ડોક્યુમેન્ટ રજૂ કરતા આ હકીકતો સામે આવે છે. અને આવા બાળકોનો પ્રવેશ રદ્દ કરવામાં આવે છે.