અમદાવાદમાં મોડી રાતથી ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. શહેરમાં વાદળછાયા વાતાવરણના કારણે જ ગઈકાલથી જ સાવચેતીના ભાગરુપે ફ્લાઈટ્સનાં શેડ્યુલમાં અમુક પ્રકારનાં ફેરફાર કરવામાં આવ્યા છે. ગઈકાલે પણ બપોર પછી ભારે પવનનાં કારણે ત્રણ ફ્લાઈટ્સ રદ્દ કરવામાં આવી હતી ત્યારે આજે પણ વાતાવરણ એવું જ રહેતા વહેલી સવારની બે ફલાઈટ્સ રદ્દ્ થઈ છે અને ત્રણ ફલાઈટ્સો મોડી ચાલી રહી છે. ખરાબ હવામાનના કારણે આ ફ્લાઈટ્સ રદ્દ થઈ હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત અન્ય ત્રણ ફ્લાઈટ્સ 20 મિનિટથી 8 ક્લાક જેટલી મોડી ચાલી રહી છે.
વહેલી સવારે બે ફ્લાઈટ્સ રદ્દ કરાઇ
આજે વહેલી સવારે અમદાવાદથી જયપુરની અને અમદાવાદથી દિલ્હી એમ બે ફલાઈટ્સ રદ્દ થઈ છે. એરપોર્ટ ઓથોરિટી સાથે વાત કરતાં તેઓએ ખરાબ હવામાન હોવાના કારણે આ ફલાઈટ્સ રદ્દ થઈ હોવાનું જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, રદ્દ થયેલી ફલાઈટ્સ ઈન્ડિગો એરલાઈન્સની અને એર ઈન્ડિયાની છે.
આ બે ફ્લાઈટ્સ રદ્દ થઈ
ફ્લાઈટનું નામ | ફ્લાઇટ નંબર | સમય |
અમદાવાદ- જયપુર | 6e7114 | 6:55 AM |
અમદાવાદ- દિલ્હી | AI482 | 9:10 AM |
આ ત્રણ ફ્લાઈટ મોડી ચાલી રહી છે
ફ્લાઈટનું નામ | ઉપડવાનો સમય | અંદાજિત ડીલે સમય | એરલાઈન્સ |
અમદાવાદ-બેંગ્લોર | 12:55 PM | 8:25 PM | અકાસા |
અમદાવાદ- દુબઈ | 4:35 PM | 4:55 PM | સ્પાઈસ જેટ |
અમદાવાદ-દિલ્હી | 6:35 PM | 6:55 PM | એર-ઈન્ડિયા |
લગભગ 18થી 43 મિનિટ સુધી ફ્લાઈટ્સ ડીલે રહી
આ સિવાય આજે લગભગ 23 જેટલી ફ્લાઈટ્સ ડીલે થઈ હતી. તેમાં ત્રણ કારગો ફ્લાઈટ્સનો પણ સમાવેશ થાય છે. ફ્લાઈટ રડાર-24સાઈટ પ્રમાણે અમદાવાદથી મુંબઈ, દિલ્હી, નાગપુર, દેહરાદૂન, સિલીગુરી, દોહા, નાસિક, જમ્મુ, લખનઉ, જોધપુર, જયપુર, ઈન્દોર જતી ફ્લાઈટ્સ ડીલે થઈ હતી. અમદાવાદથી જતી ઈન્ડિગોની 9 જેટલી ફ્લાઈટ્સ લગભગ 18 મિનિટથી 43 મિનિટ સુધી ડીલે થઈ હતી. જ્યારે વિસ્ટારાની બે ફ્લાઈટ્સ, અકાસાની બે ફ્લાઈટ્સ અને એર ઈન્ડિયાની એક ફ્લાઈટ ડીલે થઈ હતી. અમીરાતની દુબઈ જતી ફ્લાઈટ પણ લગભગ 17-34 મિનિટ મોડી ચાલી હતી. એરઅરેબિયા,એતિહાદ એરવેઝ, ફ્લાય દુબઈ અને સ્પાઈસ જેટની ફ્લાઈટ્સ પણ ડીલે થઈ હતી. હજુ પણ બે-ત્રણ દિવસ વાતાવરણમાં ભારે પવન સાથે વરસાદી વાતાવરણ રહેવાની સંભાવના સેવાઈ રહી છે. જેથી હજુ પણ ફલાઈટ્સ મોડી થઈ શકે છે.