News Updates
ENTERTAINMENT

દાદાએ ‘દાદાગીરી’થી ભારતીય ક્રિકેટને નવી ઉંચાઈએ પહોંચાડી:ઓસ્ટ્રેલિયનનો વિજયરથ રોક્યો, લોર્ડ્સમાં અંગ્રેજો સામે બદલો લઈને ટ્રોફી જીતી

Spread the love

‘ક્રિકેટના મક્કા’થી જાણીતા લોર્ડ્સ મેદાન પર ડેબ્યૂ મેચમાં જ સદી ફટકારી અને પોતાની એગ્રેસિવ કેપ્ટનશિપથી દુનિયાને ‘દાદાગીરી’નો પરચો દેખાડનાર અને પ્રિન્સ ઑફ કોલકાતા, બંગાલ ટાઇગર, ગોડ ઑફ ઑફ-સાઇડ, BCCIના પૂર્વ અધ્યક્ષ અને ભારતીય ફેન્સના ‘દાદા’ સૌરવ ગાંગુલીનો આજે 51મો જન્મદિવસ છે.

સૌરવ ગાંગુલીએ બહારના દેશોમાં કેવી રીતે જીતવું તે શીખવ્યું
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની કેપ્ટનશિપમાં ભારતીય ક્રિકેટે ઘણી સફળતાઓ મેળવી છે. ફિક્સિંગ કાંડ પછી ટીમને ફરી ટ્રેક પર લાવવામાં ‘દાદા’નો સિંહ ફાળો છે. તેમણે જ ફરી ટીમને નવી બનાવી હતી. તે ટીમે વર્ષ 2002માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. જોકે તે ટ્રોફી શ્રીલંકા સાથે શેર થઈ હતી. આ ઉપરાંત બહારના દેશોમાં કેવી રીતે જીત મેળવી તે પણ તેમણે જ શીખવ્યું છે. નેટવેસ્ટ ટ્રોફી હોય કે પછી 2003-04ની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી, તેમણે પોતાની એગ્રેસિવ કેપ્ટનશિપથી ભારતીય ક્રિકેટને ફરી ટ્રેક પર લાવ્યા હતા.

ટીમમાં નવા ખેલાડીઓને તક આપી કરિયર બનાવી
ગાંગુલીની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ ઘણી સફળતાઓ મેળવી. જેમાં તેમણે ટીમમાં નવા આવેલા ખેલાડીઓને સાથે લઈને ટીમ બનાવી. તેમની કરિયર બનાવવામાં ગાંગુલીએ મહત્ત્વનો રોલ ભજવ્યો છે. વિરેન્દ્ર સેહવાગ, યુવરાજ સિંહ, હરભજન સિંહ, મોહમ્મદ કૈફ, મહેન્દ્ર સિંહ ધોની તેમની કેપ્ટનશિપમાં જ પરિપક્વ બન્યા. ગાંગુલી એવા કેપ્ટનમાં યાદ કરાય છે, જેમણે પોતાની ટીમને લડીને જીતવાનું શીખવ્યું.

જ્યારે ગાંગુલીએ લોર્ડ્સમાં અંગ્રેજો સામે બદલો લીધો…
‘દાદા’ની દાદાગીરીના કિસ્સા આજે પણ ચાહકો યાદ કરે છે. 13 જુલાઈ 2002ના રોજ ઇંગ્લેન્ડના ઐતિહાસિક લોર્ડ્સ મેદાન પર મોહમ્મદ કૈફ અને યુવરાજ સિંહની જાદુઈ ઇનિંગના દમ પર ભારતે ફાઈનલ મેચમાં ઇંગ્લેન્ડને હરાવીને નેટવેસ્ટ સિરીઝ પર કબજો જમાવ્યો હતો. ત્યારે લોર્ડ્સની બાલકનીમાં ગાંગુલીએ પોતાની ટી-શર્ટ ઉતારીને એવી રીતે લહેરાવી કે આ વાત ઈતિહાસના પાનાઓમાં લખાઈ ગઈ.

ગાંગુલીએ શર્ટ જ્યારે લહેરાવ્યો, ત્યારે ઇંગ્લિશ ક્રિકેટર એન્ડ્રયૂ ફ્લિંટોફને જવાબ આપ્યો હતો. ફ્લિંટોફએ તે જ વર્ષે એટલે કે 3 ફેબ્રુઆરી 2002માં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારતને હરાવીને તેણે પોતાની ટી-શર્ટ કાઢીને મેદાનમાં દોડ લગાવી હતી. ત્યારે પછી ‘દાદા’ની વારી હતી. બદલો લેવા માટે લોર્ડ્સના મેદાનથી સારી જગ્યા બીજી કોઈ નહોતી. તેમણે બાલકનીમાંથી શર્ટ કાઢીને લહેરાવીને વાનખેડેનો બદલો લઈ લીધો.

જોકે સૌરવ ગાંગુલીએ 2018માં પ્રકાશિત થયેલી પોતાની બુક ( ધ સેન્ચુરી ઇઝ નોટ ઇનફ)માં લખ્યું, ‘ફાઈનલ મેચમાં જીતને લઈને ટીમ ઘણી ઉત્સાહિત હતી અને ઝહીર ખાને વિનિંગ શોટ મારતા જ હું પોતાની જાતને રોકી શક્યો નહોતો.’ ગાંગુલીએ માન્યું હતું કે જીત્યા પછી શર્ટ ઉતારીને સેલિબ્રેટ કરવાનું યોગ્ય ન હતું. જીતના જશ્ન મનાવવાના ઘણા રસ્તા હતા.

સ્ટીવ વોને ટૉસ માટે રાહ જોવડાવી
સૌરવ ગાંગુલી મેદાનમાં મોડા આવવા માટે જાણીતા હતા. વર્ષ 2001માં ઓસ્ટ્રેલિયાની સામે થયેલી ટેસ્ટ સિરીઝમાં સ્ટીવ વોને ‘ દિવસમાં તારા’ દેખાડી દીધા હતા. કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં થયેલા ઐતિહાસિક ટેસ્ટ મેચના પહેલા દિવસે ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ વો ટૉસના સમયની પહેલા આવી ગયો હતો, પરંતુ ગાંગુલીની રાહ જોવાઈ રહી હતી. ગાંગુલી થોડા મોડા પહોંચ્યા, કારણ કે તેમનું બ્લેઝર ખોવાઈ ગયું હતું. જેને શોધવામાં ઘણી વાર લાગી હતી. ગાંગુલી ટૉસ માટે મોડા પહોંચ્યા તે દરમિયાન સ્ટીવ વો ઘણા ગુસ્સામાં હતો.

કાંગારૂઓનો વિજયરથ રોક્યો
ટીમ ઈન્ડિયાએ તે કોલકાતા ટેસ્ટ મેચમાં ફોલોઓન રમ્યા પછી પણ મેચ જીતી હતી. આ યાદગાર જીતની સાથે જ ભારતે કાંગારૂઓનો વિજયરથ રોક્યો હતો. તે મુકાબલા પહેલા ઓસ્ટ્રેલિયન ટીમે સતત 16 ટેસ્ટ મેચ જીત હતી. ખાસ વાત એ છે કે ચેન્નાઈમાં રમાયેલી સિરીઝની ત્રીજી મેચમાં પણ ગાંગુલી ટૉસ માટે મોડા પહોંચ્યા હતા. તે વખતે પણ સ્ટીવ વો ગુસ્સામાં દેખાયો હતો.

આવી રહી સૌરવ ગાંગુલીની ઈન્ટરનેશનલ કરિયર
લેફ્ટ હેન્ડેડ બેટર સૌરવ ગાંગુલીએ ભારત માટે 113 ટેસ્ટ અને 311 વન-ડે મેચ રમી છે. આ સ્ટાઇલિશ બેટરે ટેસ્ટમાં 42.17ની એવરેજથી 7212 રન બનાવ્યા છે, જેમાં 16 સદી અને 35 ફિફ્ટીનો સમાવેશ થાય છે. તો વન-ડેમાં ગાંગુલી 41.02ની એવરેજથી 11,363 રન બનાવ્યા છે. વન-ડેમાં ગાંગુલીએ 22 સદી અને 72 ફિફ્ટી ફટકારી છે. બોલિંગની વાત કરીએ તો ગાંગુલીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં કુલ 132 વિકેટ ઝડપી છે.

સૌરવ ગાંગુલીએ 49 ટેસ્ટ અને 147 વન-ડે મેચમાં કેપ્ટનશિપ કરી છે. ગાંગુલીની આગેવાનીમાં જ ટીમ 2003ના વર્લ્ડ કપ ફાઈનલ સુધી પહોંચી હતી. તો 2002વી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત સંયુક્ત રીતે વિજેતા રહી હતી. ગાંગુલીએ 2019-2022 સુધી BCCIના અધ્યક્ષ પદનો કાર્યભાર પણ સંભાળ્યો હતો.


Spread the love

Related posts

IND vs NZ:હવામાન અપડેટ આવ્યું સામે ટેસ્ટ મેચના પ્રથમ દિવસનું, પુણેમાં કેવું રહેશે હવામાન? ભારે વરસાદ પછી

Team News Updates

 Sports:ટીમમાંથી સસ્પેન્ડ કરાયો;કોચે ખેલાડીને જાહેરમાં થપ્પડ મારી, વર્લ્ડ કપમાં બની ઘટના

Team News Updates

IND Vs AUS પહેલી વન-ડે:લાબુશેન ખરાબ રીતે આઉટ થયો, અશ્વિનને પહેલી સફળતા

Team News Updates