અમરેલી જિલ્લામાં મોડી રાતે સાવરકુંડલા રેન્જ વિસ્તારમાં આવેલ સેંજળ પિયાવા વિસ્તારના એક અવાવરું કૂવામાં સિંહણ ખાબકી હતી. શિકારની શોધમાં સિંહણે દોટ મૂકતા અચાનક ખુલા કૂવામાં ખાબકી હતી. જેથી આસપાસના સ્થાનિક લોકોએ સાવરકુંડલા રેન્જ વનવિભાગને જાણ કરતા આર.એફ.ઓ.પ્રતાપ ચાંદુ સહિત વનવિભાગની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. રેસ્ક્યુ ટીમે સિંહણને બહાર કાઢવાના પ્રયત્નો શરૂ કર્યા હતા. જોકે, કૂવો ઊંડો હોવાને કારણે રેસ્ક્યૂ કરવામાં ખુબ મુશ્કેલી પડી રહી હતી અંતે વનવિભાગની ટીમે દોરડા મારફતે સિંહણને બહાર કાઢી બચાવી લીધી હતી
સિંહણને સુરક્ષિત કૂવામાંથી બહાર કાઢ્યા બાદ પાંજરે પુરી એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવી છે. જ્યાં તેમનું હેલ્થની ચકાસણી કરવામાં આવશે. વેટનરી ડોક્ટરોની ટીમ તપાસ કર્યા બાદ ફરી જંગલ વિસ્તારમાં સિંહણને મુક્ત કરી દીધી છે. આ ઘટનામાં વનવિભાગની ઘટનાની જાણ થતા તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી ગણતરીની મિનિટોમાં રેસ્ક્યૂ ઓપરેશન કરી લેતા સિંહણનો જીવ બચાવવામાં સાવરકુંડલા રેન્જ વનવિભાગને મોટી સફળતા મળી છે.
બે દિવસ પહેલાં શિકારની શોધમાં નીકળેલા બે દિપડા એક ઘરમાં ઘૂસી ગયા હતા…મા-પુત્ર પર હુમલો કરી ઘરના માળીયે ચઢી ગયેલા બંને દિપડાને રેસ્ક્યૂ ટીમે માંડ માંડ બહાર કાઢી સુરક્ષિત જગ્યાએ પહોંચાડ્યા હતા. આ ઘટનામાં પરિવારની સાથે વનવિભાગની ટીમને પણ ઈજાઓ પહોંચી હતી…નીચે વાંચો શું હતી સમગ્ર ઘટના અને કેવી રીતે પાર પડ્યું રેસ્ક્યૂ ઓપરેશન…
મા-દિકરા અને ફોરેસ્ટ કર્મચારી પર કર્યો હુમલો
ગીરગઢડામાં સુખનાથ ચોક નજીક રહેણાંક વિસ્તારમાં આવેલા બે અલગ અલગ રહેણાંક મકાનમાં બે દીપડા ધુસી જતાં આ વિસ્તારમાં વસતા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. જેમાં એક મહિલા તથા એક બાળક અને એક ફોરેસ્ટ કર્મચારી ઉપર દીપડાએ હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડતા ઈજાગ્રસ્તોને તાત્કાલિક ગીરગઢડા સરકારી હોસ્પિટલે ખસેડાયા હતાં. જેમાં એક મહિલાને ગંભીર ઈજા થતા વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવેલા છે અને વનવિભાગ તથા ગીરગઢડા પોલીસે ઘટનાસ્થળે પહોંચી દીપડાઓને બેભાન કરી રેસ્ક્યૂ કર્યું હતું. બંને ખુંખાર દીપડાઓને પાંજરે પુરી જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા હતા.
ફોરેસ્ટ ગાર્ડ રેસ્ક્યૂ દરમિયાન નીચે પટકાયા
ઘર કામ કરતા અલકાબેન કમલેશભાઈ ચાદરાણી અને રિસિતભાઈ કમલેશભાઈ ચાદરાણી દીપડા સામે આવતા હુમલો કરતા દેકારો મચ્યો હતો અને આસપાસના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. જે ઘટનાની જાણ થતાં ગીર પૂર્વના ડી.સી.એફ.રાજદીપ સિંહ ઝાલાએ ઘટનાની ગંભીરતા દાખવી બાબરીયા રેન્જ, જસાધાર રેન્જ બંને રેન્જની ટીમો તાત્કાલિક ત્યાં પહોંચાડી લોકોના ટોળા એકઠા થતા ગઢડા પોલીસની પણ મદદ લીધી હતી. જોકે બંને દીપડા એકબીજાના ઘરો ઉપર કુદકા લગાવી ભાગદોડ કરતા લોકો અને વનવિભાગમાં પણ અફરાતફરી સર્જાઈ હતી. ફોરેસ્ટર ગાર્ડ ધાબા ઉપર ચડતા દીપડીએ સામે તરાપ મારી હુમલાની કોશિશ કરી હતી. જેથી ફોરેસ્ટર ગાર્ડ ડી.પી.સરવૈયા ઉપરથી નીચે પટકાયા હતા. જેથી તેમને હાથના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.
દીપડાનું દિલધડક રેસ્ક્યૂ કરી પાંજરે પુરવામાં આવ્યા
રહેણાંક વિસ્તારમાં દીપડાઓના હુમલાની ઘટના બનતાં વનવિભાગનો સ્ટાફ તેમજ ગીરગઢડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને વનવિભાગ દ્વારા બંને અલગ અલગ રહેણાંક મકાનમાં પુરાયેલા દીપડાઓને બેભાન કરવામાં આવ્યાં હતાં. હાલ બંને હુમલાખોર દીપડાઓને વનવિભાગ દ્વારા પાંજરે પુરી જસાધાર એનિમલકેર સેન્ટર ખાતે ખસેડાયા હતા. જ્યાં વનવિભાગના જણાવ્યાં મુજબ, દીપડો અને દીપડીનું યુગલ રહેણાંક મકાનોમાં ધૂસ્યું હતું. ઘટનાની જાણ ગામમાં થતા લોકો મકાનો ઉપર ચડી ગયેલા જોવા મળી રહ્યાં હતા. આ ઘટનાને પગલે ગીરગઢડાના ગ્રામજનોમાં હજુ પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. આમ વન્યપ્રાણીઓ રહેણાંક વિસ્તારમાં આવી માનવ ઉપર હુમલાની ઘટના વધી રહી છે અને આ વિસ્તારમાં હજુપણ દીપડાઓ હોવાનું જાણવા મળેલું છે. જેથી વનવિભાગ દ્વારા પાંજરૂ મુકી તાત્કાલિક ધોરણે પાંજરે પુરવા માગ ઉઠવા પામી છે.
હુમલામાં માતા-પુત્રને ગંભીર ઈજાઓ પહોંચી
સુખનાથ ચોક નજીક રહેણાંક મકાનમાં બે દીપડા ધુસી ગયા હતા. જેમાં કમલેશભાઈ ગોકુળદાસ ચાંદારાણીના રહેણાંક મકાનની અગાસી ઉપર પાણીનો ટાંકો આવેલો છે. તેમાં પાણી છેકે કેમ તે જોવા અલ્કાબેન તેમજ રિસિત માતા-પુત્ર જોવા ગયા હતા. ત્યારે અચાનક દિપડો ઘરમાં ધુસી ગયો હતો અને અગાસી ઉપર ચડતાં પ્રથમ રિસિત ઉપર હુમલો કરી દેતા તેમની માતા અલ્કાબેને દીપડાના મુખમાંથી પુત્રને છોડાવતા તેના ઉપર પણ હુમલો કરતા માતા-પુત્ર રાડારાડ કરવાં લાગ્યા હતા. જેથી આજુબાજુના લોકોને અવાજ સંભળાતા એક યુવાને દીપડાના મુખમાંથી બંનેને છોડાવ્યા હતા.