આજે મુસ્લિમ સમાજમાં મોહરમના તહેવાર નિમિત્તે આજે ઠેર ઠેર તાજિયા જુલૂસ યોજાયા છે. ત્યારે તહેવારના દિવસે જ ધોરાજીમાં મોટી દુર્ઘટના બની છે. ધોરાજીના રસુલપરામાં તાજિયાના જુલૂસમાં તાજિયા વીજલાઈન સાથે અડી જતાં 26 લોકોને વીજકરંટ લાગ્યો હતો, આથી લોકોમાં દોડધામ મચી ગઈ હતી. વીજકરંટમાં દાઝેલા 26 લોકોને ધોરાજીની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જોકે બે વ્યક્તિનાં મોત નીપજતાં તહેવાર માતમમાં પરિણામ્યો છે. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 24 લોકોમાંથી અમુકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે હોસ્પિટલમાં લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં છે.
કેટલાકને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયા
પ્રાપ્ત વિગત મુજબ, ધોરાજીના રસુલપરા વિસ્તારમાં મોહરમના તાજિયાને ઉપાડતી વખતે 26 લોકોને કરંટ લાગ્યો હતો. PGVCLની વીજલાઈનમાં તાજિયા અડી જતાં આ ઘટના બની હતી. 26 જેટલા લોકોને આ કરંટ લાગતાં નાસભાગ મચી ગઈ હતી. બાદમાં તમામ દાઝેલા લોકોને 108 એમ્બ્યુલન્સ મારફત સારવાર માટે ધોરાજીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી કેટલાક દર્દીઓને પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
SP સહિત પોલીસકાફલો હોસ્પિટલ પહોંચ્યો
ઘટના સમયે રસુલપરા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ છવાઇ ગયો હતો. આ બનાવની જાણ થતાં જ ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા, જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડ સહિત પોલીસકાફલો હોસ્પિટલ દોડી આવ્યો છે. જયપાલસિંહ રાઠોડે જણાવ્યું હતું કે આજે ધોરાજીના રસુપરામાં તાજિયાનો માતમ ચાલતો હતો. તાજિયાને લઈને રસુલપરાથી બહાર નીકળતા હતા ત્યારે વીજલાઈન સાથે તાજિયા અડી જતાં 26 જેટલા લોકો ઘાયલ થયા હતા. એમાં બે વ્યક્તિનાં મોત નીપજ્યાં છે, બાકી ઘાયલ લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તમામની સ્થિતિ સ્થિર છે. અમે તમામ લોકોને અપીલ કરીએ છીએ કે તાજિયાનું જુલૂસ નિકાળતા હોવ ત્યારે વીજલાઈનનું ધ્યાન રાખે. આવી કોઈપણ જગ્યાની જાણ હોય તો પ્રશાસનને ધ્યાન દોરે, અમે તેમની સેવામાં છીએ.
આનંદનું વાતાવરણ શોકમય બન્યું
ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ જણાવ્યું હતું કે ધોરાજીની અંદર મુસ્લિમ સમાજના પવિત્ર તહેવારમાં જે દુર્ઘટના ઘટી છે. એને લઈને હું અને રાજ્ય સરકાર પીડિત પરિવાર સાથે છીએ, જે બે વ્યક્તિનાં અવસાન થયાં છે તેના પરિવારને અને ઘાયલો પ્રત્યે વ્યક્તિગત માટે સહાનુભુતિ વ્યક્ત કરું છું. આજે મોહરમના પવિત્ર તહેવારે આ બનાવ બન્યો છે અને જે આનંદનું વાતાવરણ હતું એ શોકમય બન્યું છે. આજે દુખદ ઘટના બની છે એ બાબતે મેં રાજ્ય સરકારમાં અને જિલ્લા કલેક્ટર સાથે પણ વાત કરી છે. ડીએસપી સાહેબ સાથે વાત કરી છે કે કયા કારણથી આ ઘટના ઘટી છે. બીજી બાબત તો એ છે કે જે કઈ મળવાપાત્ર તમામ પ્રકારની સહાય રાજ્ય સરકાર તરફથી આ પરિવારને મળશે, એના માટે યોગ્ય કક્ષાએ હું રજૂઆત કરું છું.
હોસ્પિટલનો તમામ ખર્ચ અમારું ટ્રસ્ટ ઉપાડશે
મુસ્લિમ સમાજના આગેવાને જણાવ્યું હતું કે આજે મહોરમ પ્રસંગે ધોરાજીમાં ગમખ્વાર બનાવ બન્યો છે, જેમાં બે લોકોનાં મોત થયાં છે તો 24 જેટલા લોકોને નાની-મોટી ઈજાઓ થઈ છે. જે લોકો મૃત્યુ પામ્યા છે તેમના માટે દુવા કરીએ છીએ. તાજિયા એસોસિયેશન તરફથી જાહેરાત કરવામાં આવી છે. આ ટ્રસ્ટ બોર્ડ તરફથી જાહેરાત કરવામાં આવી છે કે તમામ ઈજાગ્રસ્તોની સારવારનો ખર્ચ અમારા ટ્રસ્ટો ઉપાડશે. જો કોઈને અન્ય હોસ્પિટલમાં ખસેડવાની જરૂર પડશે તો એનો ખર્ચ પણ અમારું ટ્રસ્ટ જ ભોગવશે.
શોર્ટસર્કિટને કારણે બનાવ બન્યો
આ બનાવ શોટસર્કિટને કારણે બન્યો છે. અમારા ચેરમેન સુરત હોવાથી અમને જાણ કરવામાં આવી છે કે આવો બનાવ બન્યો છે તો ત્યાં પહોંચો. તમામને સારી સારવાર આપવાની છે, જેનો ખર્ચ ટ્રસ્ટ આપશે. જેથી અમે તમામ આગેવાનો અહીં પહોંચી ગયા છીએ. હાલ તમામની સારવાર ચાલી રહી છે.