ખેડા જિલ્લાના મહેમદાવાદ શહેરમાં ગંગનાથ મહાદેવ પાસે આવેલી વર્ષો જૂની પાણીની ટાંકી જર્જરિત બનતા અકસ્માત સર્જાય તે પહેલા જ તંત્રએ તોડી પાડી હતી. તંત્ર દ્વારા આજે ટાંકીની આસપાસનો વિસ્તાર ખાલી કરાવી હિટાચી મશીનની મદદથી ગણતરીની સેકન્ડોમાં જમીનદોસ્ત કરી દેવાઈ હતી. ટાંકીની સાથે રસ્તા પરનો સ્ટ્રીટ લાઈટનો વીજપોલ પણ ધરાશાયી થતો જોવા મળ્યો હતો.
ટાંકી જોખમી હોવાના રિપોર્ટ બાદ તોડી પાડવામાં આવી
મહેમદાવાદના ગંગનાથ મહાદેવ વિસ્તારમાં વાત્રક નદી તરફ જતા રોડ પર અંદાજે 30 વર્ષ જૂની પાણીની ટાંકી આવી હતી. જે જોખમી બની હોવાનો તંત્રએ રિપોર્ટ આપ્યો હતો. જેથી કોઈ જાનહાનિ સર્જાય તે પહેલા જ તંત્ર દ્વારા તેને ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ચોમાસાની સિઝન અને શ્રાવણ માસ નિમિતે અહીં ભક્તોની અવરજવર વધુ રહેતી હોય કોઈ અકસ્માત સર્જાય તે પહેલા જ ચીફ ઓફિસર અને કર્મચારીઓએ પોલીસ બંદોબસ્ત સાથે ટાંકી ઉતારવાની કામગીરી હાથ ધરી હતી.
હિટાચી મશીનની મદદથી 3 સેકન્ડમાં ટાંકી તોડી પડાઈ
અંદાજે સાડા ચાર લાખ લીટરની ક્ષમતા ધરાવતી પાણીની ટાંકી તોડતા પહેલા તંત્ર દ્વારા આસપાસનો વિસ્તાર ખાલી કરાવી કોર્ડન કરી લેવાયો હતો. ત્યારબાદ હિટાચી મશીનની મદદથી ટાંકીને તોડવામાં આવતા માત્ર ત્રણ જ સેકન્ડમાં વિશાળ ટાંકી જમીનદોસ્ત થઈ ગઈ હતી.
ટાંકીને તૂટીને પડતી જોવા માટે લોકોનાં ટોળાં એકઠાં થયાં
આ ટાંકી ઉતારવાની કામગીરીમાં MGVCL દ્વારા પણ વીજ લાઈનોને બંધ કરી દેવામાં આવી હતી. આ ટાંકી તૂટીને પડતી જોવા માટે મોટી સંખ્યામાં નગરજનોના ટોળેટોળા ઘટના સ્થળે જોવા મળ્યા હતા. નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ પોલીસ સ્ટાફ દ્વારા રસ્તાઓને બંધ કરી, નગરજનોની ભારે ભીડને કંટ્રોલ કરી આ કાર્યને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.પાલિકા તંત્ર દ્વારા કરાયેલા રીપોર્ટમાં આ ટાંકી ખુબજ જર્જરિત હોવાનું માલુમ પડતા પાલિકાએ સમયસુચકતા વાપરી આ ટાંકીને ઉતારી લેતા લોકો અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.