સુરતમાં ગઈકાલથી સાયબર ક્રાઈમની સમસ્યાના કારણે હીરા ઉદ્યોગમાં મોટાપાયે ઊથલપાથલ મચી ગઈ છે. વેપારીઓ અસમંજસમાં છે કે હીરા ઉદ્યોગના અગ્રણી પાસેથી ટેલિફોનિક માહિતી મેળવ્યા રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ કમિશનરને પણ આ અંગે ઝીણવટભરી તપાસ કરવા સૂચનાઓ આપી છે.
બેન્ક એકાઉન્ટ ફ્રીઝ થવાની ઘટના યથાવત
અત્યાર સુધીમાં 27 જેટલા હીરા ઉદ્યોગ સાથે જોડાયેલ જાણીતી પેઢીના બેન્ક એકાઉન્ટ ફ્રીઝ થવાની ઘટના બની હતી. આજે ફરીથી અન્ય ત્રણ જેટલા બેન્ક એકાઉન્ટ ફ્રીઝ થયાની ઘટના સામે આવી છે, જેના કારણે હીરા ઉદ્યોગમાં ખડભડાટ ફેલાયો છે. એક પ્રકારનું સાયબર ક્રાઇમ થવાને કારણે હીરા ઉદ્યોગમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. કોઈ ત્રાહિત વ્યક્તિ દ્વારા કેવી રીતે બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવી રહ્યા છે, તેને લઈને પણ સૌ કોઈ અચંબામાં છે. તાત્કાલિક અસરથી આ સાયબર ક્રાઈમને રોકવા માટે પગલાં લેવા જરૂરી છે.
તાત્કાલિક તપાસ કરવામાં આવશે
ડાયમંડ ઉદ્યોગનાં અગ્રણી દિનેશ નાવડીયાએ જણાવ્યું કે, અજ્ઞાત સાયબર ક્રાઇમ સાથે કનેક્શન હોવાની શંકાએ ત્રાહિત વ્યક્તિ કે સંસ્થાના બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરવાની સમસ્યા ઉજાગર થયાના બીજા દિવસે પણ એવા અહેવાલો મળ્યા હતા કે, સુરતની વધુ બે-ત્રણ ફર્મના બેન્ક એકાઉન્ટ એક મલ્ટીસ્ટેટ બેન્ક દ્વારા ફ્રીઝ કરાયા હોવાના પત્રો મળ્યા છે. આ દરમિયાન આજે ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે ટેલિફોનિક વાતચીત કરીને દિનેશ નાવડીયાએ સમગ્ર ઘટનાથી તેઓને માહિતગાર કર્યા હતા. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સમગ્ર હકીકતો સાંભળ્યા બાદ એવી પ્રતિક્રિયા આપી હતી કે, આ સમગ્ર મામલામાં તળીયા ઝાટક તપાસ થવી જરૂરી છે. તેઓએ સુરત પોલિસ કમિશનર અજયકુમાર તોમારને પણ સૂચનાઓ આપી હોવાનું જાણવા મળે છે. હર્ષ સંઘવીએ કહ્યું કે, ખોટી રીતે બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરવાની ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરાશે. ઉદ્યોગકારોની બિનજરૂરી હેરાનગતિ ન થાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવશે.