બારડોલી સુગરમાં શેરડીથી લબાલબ વાહનો ખડકાઇ ગયા
દૈનિક દસ હજાર ટન શેરડીનું પિલાણ કરવામાં આવશે ભાસ્કર ન્યૂઝ | બારડોલી એશિયામાં નામાંકીત સુગરોમાં અગ્રીમતાનું સ્થાન ધરાવતી બારડોલીની ખેડૂત ઉદ્યોગ સહકારી મંડળી લી.ની આગામી વર્ષ 2023-24 ની શેરડીની પિલાણ સીઝન શુક્રવારે સવારે સંસ્થાની બોર્ડ ઓફ ડિરેકટરોની હાજરીમાં ક્રસિંગ માટેની પૂજા અર્ચના કરીને શરૂ કરવામાં આવશે. સંસ્થાના ઉપપ્રમુખ ભાવેશભાઈ પટેલે વર્ષ દરમિયાન 31,228 એકર અને લામ 17,222 એકર મળી કુલ 48,450 એકરમાંથી શેરડીનો પુરવઠો પિલાણ કરવામાં આવશે , અને સીઝનમાં 14 લાખ ટન શેરડીનું પિલાણ થવાની આશા વ્યક્ત કરી હતી. સુગરમાં રોજ 10 હજાર ટન પીલાણ કરવાની ક્ષમતા છે. શેરડીના પિલાણ માટે સંસ્થાના વાહતુક ટ્રક, ટ્રેકટર, અને બળદગાડામાં ગુરુવારે જ શેરડી કટિંગ કરીને જથ્થો ભરીને વાહનો શુગર કેમ્પસ અને યાર્ડમાં બપોરથી લાઇનમાં ઊભા રહેવાનું શરુ કર્યું હતું. શુક્રવાર સવાર સુધીમાં અંદાજિત 1000 વાહનો શેરડી ભરીને પિલાણ માટે લાઈન લાગશે.
બારડોલી સુગરમાં પહેલા દિવસે એક જ મશિનમાં શેરડીનું ક્રસિગથી શરૂઆત થશે, જેમાં સાડા ત્રણ હજાર ટન જેટલું પિલાણ થશે. ત્યારબાદ ધીરે ધીરે બીજુ મશીન પણ કાર્યરત કરતા, છ દિવસ બાદ 10 હજાર ટન શેરડી પિલાણની કામગીરી શરૂ થઈ જશે.