રાજકોટ કોર્પોરેશનનાં આરોગ્ય વિભાગ દ્વારા અખાદ્ય વસ્તુઓનું વેચાણ અટકાવવા સતત ચેકીંગ કરાઈ રહ્યું છે. જે અંતર્ગત આરોગ્ય વિભાગની ટીમ આજે સદરમાં આવેલી ભારત બેકરીમાં ત્રાટકી હતી. આ દરોડા દરમિયાન ભારત બેકરીમાં એગલેસનાં નામે ઈંડાવાળી કેકનું વેચાણ કરી શ્રાવણ મહિનામાં લોકોની આસ્થા સાથે ચેડાં થતાં હોવાની આશંકા આરોગ્ય અધિકારીએ દર્શાવી હતી. ફક્ત એટલું જ નહીં પ્રતિષ્ઠિત ગણાતી બેકરીમાં શંકાસ્પદ મેજીક પાઉડરનો મોટો જથ્થો પણ મળી આવ્યો હતો. આ સાથે જ ઘઉંનાં નામે મેંદાની બ્રેડ વેચાતી હોવાનું સામે આવતા આરોગ્ય વિભાગે 140 કિલો જથ્થાનો નાશ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બેકરીમાં એગલેસના નામે ઈંડાની કેક વેચાતી હોવાની આશંકા
આરોગ્ય અધિકારી જયેશ વાકાણીનાં જણાવ્યા મુજબ સામાન્ય રીતે કેક બે પ્રકારની આવે છે, જેમાં વધુ પડતા લોકો એગલેસ કેક ખાવાનો આગ્રહ રાખે છે. જોકે, આ ભારત બેકરીમાં નોનવેજનો માર્ક લગાડ્યા વિના ઈંડાની કેક ગ્રાહકોને પધરાવવામાં આવતી હોવાની આશંકા છે અને બેકરીમાંથી ઈંડાનો જથ્થો પણ મળી આવ્યો હતો તેમજ ગઈકાલે બનેલી બ્રેડમાં 23 ઓગસ્ટ મેન્યુફેક્ચર ડેઈટ લખવામાં આવી હોવાનું જોવા મળ્યું હતું. જ્યારે ઘઉંનાં નામે મેંદાની બ્રેડ વેંચાતી હોવાનું પણ સામે આવ્યું છે.
બેકરીમાં ઠેર-ઠેર અનહાઈજેનિક કંડીશનમાં બેકરી આઈટમો
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ભારત બેકરીમાં ઠેર-ઠેર અનહાઈજેનિક કંડીશનમાં બેકરી આઇટમોનું ઉત્પાદન કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. એક શંકાસ્પદ સફેદ પાઉડર કે, જે બ્રેડમાં વપરાય છે તેનો મોટો જથ્થો મળી આવ્યો હતો તેમજ જે કોઈ કેમિકલ વાપરવામાં આવી રહ્યા છે તેના વિશેની કોઈ માહિતીનો પેકિંગ ઉપર ઉલ્લેખ કર્યો નથી. એક્સપાયર થયેલા આર્ટિફિશિયલ સ્વીટનર તેમજ કલરીંગ અને પ્રિઝર્વેટીવ એજન્ટ પણ મળી આવ્યા હતા. જે ખાદ્યપદાર્થો માટે ઘાતક ગણાય છે. આમ, મોટી માત્રામાં લોકોનાં આરોગ્ય સાથે ચેડાં થતા હોવાનું સામે આવ્યું છે.
બેકરીના કોલ્ડ સ્ટોરેજમાં ઈંડાનો મોટો જથ્થો મળી આવ્યો
ફક્ત એટલું જ નહીં ભારત બેકરીના કોલ્ડ સ્ટોરેજ રૂમમાંથી ઈંડાનો જથ્થો મોટી માત્રામાં મળી આવ્યો છે. ત્યારે કેક અને બ્રેડની વિવિધ વસ્તુઓમાં ઈંડા મિશ્રિત થતા હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. જોકે સંચાલકો આ બાબતનો ઈન્કાર કરી રહ્યા છે. પરંતુ તમામ ફૂડ આઈટમમાં વેજ અથવા નોનવેજનો ઉલ્લેખ કરવો જરૂરી હોય છે. પણ અહીં તમામ વસ્તુઓ ગ્રીનલેબલ દર્શાવી વેજિટેરિયન તરીકે વેચાણ કરવામાં આવી રહી છે. ત્યારે તેની સાથે ઈંડાનો જથ્થો મળી આવતા વેજિટેરિયન લોકોની શ્રદ્ધા સાથે ચેડાં થતા હોવાનું ખુલ્યું છે.
ફૂડ આઈટમોના સેમ્પલ લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલાયા
હાલ, અહીંથી કેમિકલનું સેમ્પલિંગ કરવામાં આવશે તેમજ જે વાપરવા લાયક ન હોય તે પ્રકારનો આર્ટિફિશિયલ સ્વીટનરનો જથ્થો કબ્જે લેવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્ય ફૂડ આઇટમોનું સેમ્પલિંગ કરવામાં આવી રહ્યું છે. 140 કિલો અખાદ્ય જથ્થાનો સ્થળ ઉપર જ નાશ કરવામાં આવ્યો છે તેમજ આ પેઢીને હાઇજેનિક કંડીશન જાળવવા નોટિસ ફટકારવામાં આવી છે. હાલ લીધેલા સેમ્પલનાં નમૂના લેબોરેટરીમાં મોકલી અપાશે અને તેનો રિપોર્ટ આવ્યા બાદ ભારત બેકરી સામે જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
પેઢીનું લાયસન્સ રદ્દ કરવા માંગ ઊઠી
ઉલ્લેખનીય છે કે, કેકની બનાવટ માટે જે બેઝ તૈયાર કરવામાં આવતું હોય તે પણ વાસી હોવાનું આરોગ્ય વિભાગની તપાસમાં સામે આવ્યું છે તેમજ 20 કિલોથી પણ વધુ માત્રામાં અખાદ્ય કિસમિસનો જથ્થો પણ મળી આવ્યો છે. આરોગ્ય વિભાગનાં અધિકારીનું કહેવું છે કે, આ પ્રકારના પ્રતિબંધિત પાવડર અને કેમિકલના સેવનથી આંતરડાની બીમારી સહિતની બીમારીઓ થઈ શકે તેમ છે ત્યારે આ પ્રકારનું ગુનાહિત કૃત્ય આચરવા બદલ આવી પેઢીઓને કાયમી માટે સીલ કરી તેમનું લાયસન્સ રદ કરવામાં આવે તેવી માંગ લોકોમાં ઉઠી રહી છે.