અજીત અગરકરના નેતૃત્વમાં એશિયા કપની ટીમ અંગે ચર્ચા કરવા માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) સોમવારે નવી દિલ્હીમાં બેઠક કરશે. આ બેઠકમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા પણ હાજરી આપશે.
આ બેઠકનો સૌથી મહત્વનો મુદ્દો કેએલ રાહુલ અને શ્રેયસ અય્યરની પસંદગીનો રહેશે, જેના પર સૌ કોઈની નજર રહેશે. BCCIએ હજુ સુધી એશિયા કપ અને વર્લ્ડ કપ માટે પોતાની ટીમની જાહેરાત કરી નથી. જ્યારે પાકિસ્તાન, નેપાળ અને બાંગ્લાદેશ જેવા દેશોએ તેમની એશિયા કપ ટીમની જાહેરાત કરી દીધી છે. તો, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ 2023 માટે પ્રોવિશિનલ ટીમની જાહેરાત કરી છે.
ટીમના ત્રણ મુખ્ય ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા હતા
ભારતના ત્રણ મુખ્ય ખેલાડી જસપ્રિત બુમરાહ, કેએલ રાહુલ અને શ્રેયસ અય્યર ઈજાના કારણે લાંબા સમયથી ટીમની બહાર ચાલી રહ્યા હતા. જોકે બુમરાહ આયર્લેન્ડ સામેની ત્રણ T20 શ્રેણીમાંથી પરત ફર્યો છે અને ટીમની કમાન સંભાળી રહ્યો છે. પસંદગીકારો વર્તમાન શ્રેણીમાં બુમરાહની ફિટનેસ પર નજર રાખશે.
એશિયા કપ 30 ઓગસ્ટથી શરૂ થઈ રહ્યો છે
એશિયા કપ 30 ઓગસ્ટથી શરૂ થશે. ટુર્નામેન્ટની પ્રથમ મેચ 30 ઓગસ્ટે મુલતાનમાં પાકિસ્તાન અને નેપાળ વચ્ચે રમાશે, જ્યારે ભારત 2 સપ્ટેમ્બરે શ્રીલંકાના કેન્ડીમાં પાકિસ્તાન સામે તેના અભિયાનની શરૂઆત કરશે. વન-ડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને આ ટુર્નામેન્ટ 50 ઓવરના ફોર્મેટમાં રમાશે. વર્લ્ડ કપ ભારતમાં 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી રમાશે.
હાઇબ્રિડ મોડલ પરની ઇવેન્ટમાં 6 ટીમ ભાગ લેશે
આ ટુર્નામેન્ટનું આયોજન હાઇબ્રિડ મોડલ પર કરવામાં આવશે. એટલે કે ટુર્નામેન્ટની પ્રથમ ચાર મેચ પાકિસ્તાનમાં રમાશે જ્યારે ફાઈનલ સહિત બાકીની 9 મેચ શ્રીલંકામાં રમાશે. આ ટુર્નામેન્ટમાં 6 ટીમ ભાગ લઈ રહી છે. ટુર્નામેન્ટની 6 ટીમને 2 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. બંને ગ્રુપની ટોપ 2-2 ટીમ સુપર-4 સ્ટેજમાં જશે.
ગ્રુપ-A: ભારત, નેપાળ અને પાકિસ્તાન.
ગ્રુપ-B: શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન.