ટાટા સન્સના ચેરમેન નટરાજન ચંદ્રશેખરને શુક્રવારે (25 ઓગસ્ટ) ‘B20 સમિટ ઈન્ડિયા 2023’માં સંબોધન કરતા જણાવ્યું હતું કે ભારત 10 વર્ષમાં સરેરાશ 7% વૃદ્ધિ પ્રાપ્ત કરવાના માર્ગ પર છે. ગ્લોબલ વેલ્યુ ચેનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માટે ભારત સારી સ્થિતિમાં છે. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે ભારતની વિકાસ યાત્રા વિશ્વનું ભવિષ્ય નક્કી કરશે.
નટરાજન ચંદ્રશેખરને કહ્યું, ‘ભારત પાસે ઘણી વસ્તુઓ છે જે તેના પક્ષમાં જાય છે. PM ગતિ શક્તિ, PLI યોજનાઓ, કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો, ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્ટાર્ટઅપ્સ G20 દેશોમાં ભારતને તેની શ્રેષ્ઠ સ્થિતિ જાળવી રાખવામાં મદદ કરી રહ્યાં છે. અમે બધા ટકાઉપણું અને ઈનોવેશન માટે પ્રતિબદ્ધ છીએ. ભારતની વિકાસ યાત્રા એટલે કે ગ્રોથ જર્ની વિશ્વના ભવિષ્ય (ફ્યુચર) ને આકાર (શેપ) આપશે.
ભારત આગામી 10 વર્ષમાં સરેરાશ 7% વૃદ્ધિ હાંસલ કરવાના માર્ગ પર છે
ચંદ્રશેખરને કહ્યું, ‘ભારત આગામી 10 વર્ષમાં સરેરાશ 7% વૃદ્ધિ હાંસલ કરવાના ટ્રેક પર છે. વિશ્વ ત્રણ મહત્વપૂર્ણ બદલાવોમાંથી પસાર થઈ રહ્યું છે: ડિજિટલ અને ઇન્ટેલિજન્સ ટ્રાંજિશન, એનર્જી ટ્રાંજિશન અને ગ્લોબલ વેલ્યુ એન્ડ સપ્લાય ચેઇન ટ્રાંજિશનમાંથી પસાર થઈ રહ્યું છે. ગ્લોબલ વેલ્યુ ચેઈનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માટે ભારત ખૂબ જ સારી સ્થિતિમાં છે. સરકારી રાહતો અને ટેક્સમાં ઘટાડો G-20માં ભારતનું કદ વધારી રહ્યું છે.
ટાટા ગ્રૂપના ચેરમેને વધુમાં કહ્યું, ‘અમારી પાસે લગભગ 110 પોલિસી એડવોકેસી સેશન છે. મને એ કહેતા આનંદ થાય છે કે અમારી પાસે રિકમેંડેશન એટલે કે ભલામણોનો ખૂબ જ મજબૂત સમૂહ છે – 54 રિકમેંડેશન, 9 ટીમોમાં 172 પોલિસી એક્શંસ.’
તેમણે કહ્યું- રિકમેંડેશન પર જે વિષય તરીકે સામે આવ્યું તે કોન્સેપ્ટ ઓફ ઈંક્લુજન હતું, જેમાં ફાઈનાન્સ, ઈક્વિટેબલ ડેવલપમેન્ટ અને એજ્યુકેશન સુધીનો સમાવેશ થાય છે. આપણે જેન્ડર ડાયવર્સિટી પર નોંધપાત્ર પ્રગતિ જોવા માંગીએ છીએ. અમે ગ્લોબલ રિકવરી માટે ફાઈનાન્સિંગની ભલામણ કરી છે, MSMEs ને સહાય પુરી પાડી છે જેથી તેઓ વૈશ્વિક વૃદ્ધિમાં યોગદાન આપી શકે.
ચંદ્રશેખરને ચંદ્રયાન-3ની સફળતા અને ઈસરોની સિદ્ધિ પર શું કહ્યું?
ચંદ્રયાન-3 ની સફળતા અને ઈસરોની સિદ્ધિનો ઉલ્લેખ કરતા ચંદ્રશેખરને કહ્યું, ‘ચંદ્ર લાંબા સમયથી આકાંક્ષાનું પ્રતીક રહ્યો છે. આજે આપણે ચંદ્રને એક અલગ પ્રકાશમાં જોઈએ છીએ.
ઘણા ભારતીયો માટે, ચંદ્રયાન 3ના લેન્ડિંગે ચંદ્રને માત્ર આકાંક્ષાનું જ નહીં, પરંતુ સિદ્ધિઓનું પણ પ્રતીક બનાવ્યું છે. તે આપણને બતાવે છે કે આપણે એક રાષ્ટ્ર તરીકે શું પ્રાપ્ત કર્યું છે અને ભવિષ્યમાં આપણે શું પ્રાપ્ત કરવા સક્ષમ છીએ.’