સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં પણ હવે ભક્તોને VIP એન્ટ્રીની શરૂઆત કરવામાં આવી છે. એ માટે મંદિર પ્રશાસન દ્વારા ચાર્જ પણ નક્કી કરાયો છે. આ સુવિધા ગત રોજ ગુરુવારથી મંદિરમાં પ્રારંભ થઈ ચૂકી છે. આ નિર્ણય ડાકોર ટેમ્પલ કમિટીના ચેરમેન અને સેવક આગેવાનો દ્વારા લેવાયો હતો. આ VIP એન્ટ્રીની જે રકમ આવશે એમાંથી ડાકોર મંદિરના ડેવલપમેન્ટનો ખર્ચ કરવામાં આવશે.
ભગવાનની નજીક જવાનો ચાર્જ 500 રૂપિયા
ડાકોર મંદિરના ઈન્ચાર્જ મેનેજર રવીન્દ્રભાઈએ જણાવ્યું હતું કે ડાકોર ટેમ્પલ કમિટીની મિટિંગમાં ડાકોર દર્શને આવતા યાત્રીઓ માટે અને દર્શનાર્થીઓની સુખાકારીના ભાગરૂપે ટ્રસ્ટી મંડળ અને સેવક આગેવાનો સાથે ચર્ચા કરી અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં ઠાકોરજીની સન્મુખ કીર્તન યાની જાળીમાં ઉંબરા સુધી ભગવાનની નજીક જવાનો ચાર્જ રૂપિયા 500 અને મહિલાઓની જાળીમાં પુરુષને દર્શન કરવા જવું હોય તો 250 રૂપિયા ન્યોછાવર સ્વરૂપે લેવામાં આવશે. તો વળી, 12 વર્ષથી નીચેની ઉંમરનાં બાળકો માટે આ બન્ને જગ્યાએ દર્શન કરવા જવું હશે અને પરિવાર સાથે આવેલા બાળક માટે ફ્રી દર્શન કરાવવામાં આવશે. આ પ્રમાણે ગતરોજ ગુરુવારથી આ સેવા પણ ભક્તો માટે શરૂ થઈ ચૂકી છે. આમ, ડાકોર મંદિરમાં પણ અન્ય મંદિરોની જેમ VIP દર્શનનો ચાર્જ લેવામાં આવશે એમ જણાવ્યું હતું.
નાણાંનો ઉપયોગ મંદિરના વિકાસ માટે કરાશે: કમિટી ચેરમેન
ડાકોર ટેમ્પલ કમિટી ચેરમેન પરિન્દુભાઈ ભગતે જણાવ્યું હતું કે ટેમ્પલ કમિટીના ટ્રસ્ટીઓ સાથે અને સેવકભાઈઓ સાથે આ નિર્ણય ખૂબ સમજી વિચારીને લીધો છે. જે રકમ આવશે એમાંથી ડાકોર મંદિરના ડેવલપમેન્ટનો ખર્ચ કરવામાં આવશે. આ નાણાંનો અન્ય કોઈ ઉપયોગ કરવામાં નહીં આવે.
રૂટિનમાં દર્શન માટે કોઈ ચાર્જ નથી લેવાતો: મેનેજર જગદીશભાઈ દવે
મંદિર પ્રશાસનના મેનેજર જગદીશભાઈ દવેએ જણાવ્યું હતું કે રૂટિનમાં દર્શન માટે કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. યાત્રિકોને તદ્દન નિ:શુલ્કપણે ભગવાનનાં દર્શન થાય છે, પરંતુ યાત્રિકોની માગ હતી કે આગળ બેસી નજદીકથી ભગવાનનાં દર્શન થાય એ માટે આ એક વ્યવસ્થાના ભાગરૂપે આ સિસ્ટમ નક્કી કરાઈ છે. અગાઉ VIP માટે આ રીતે આ સિસ્ટમ હોઈ, હવે યાત્રિકો પણ આ રીતે દર્શન કરે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
VIP એન્ટ્રીથી ભક્તજનોમાં નારાજગી
સુરતથી ડાકોર રણછોડરાયજીના દરબારમાં દર્શન માટે આવેલા નિલેશભાઈ મહેતાએ જણાવ્યું હતું કે ભગવાનના નામથી જે વેપાર ચાલુ કર્યા છે એ ખૂબ જ નિંદનીય છે. આવું હોવું જ ન જોઈએ, ભગવાન બધા માટે સરખા છે. આ આસ્થાનું સ્થાન છે. ભક્તોનું દિલ દુભાય છે, આથી આ પ્રથા તાત્કાલિક ધોરણે બંધ થવી જોઈએ એવી અમારી ઈચ્છા છે. જ્યારે અન્ય એક ભક્તજને જણાવ્યું હતું કે હાલ જે કલ્ચર ચાલી રહ્યું છે એ અયોગ્ય છે. ભક્તો પાસેથી નાણાં ઉઘરાવી દર્શન કરાવવાં એ યોગ્ય નથી.
ટૂંકાં વસ્ત્રો પહેરીને દર્શન માટે પણ પ્રતિબંધનો નિર્ણય
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં થોડા સમય અગાઉ ભક્તો, વૈષ્ણવૌને ટૂંકાં વસ્ત્રો પહેરીને દર્શન માટે આવવા પર મનાઈ ફરમાવવામાં આવી હતી. હિન્દુ સંસ્કૃતિને લાંછન લાગતું હોય, ભક્તો આવાં ટૂંકાં વસ્ત્રો પહેરી દર્શન કરવા આવતાં ભગવાનની ગરિમા લજવાતી હોય છે. એને પગલે ડાકોર રણછોડજી મંદિર ટ્રસ્ટે આ મહત્ત્વનો નિર્ણય લીધો હતો. જોકે આ અગાઉ પણ આ જ રીતે એક ઠરાવ પસાર કરીને નોટિસો લગાવવામાં આવી હતી.
ભક્તોને ખાસ અપીલ કરાઈ
જે-તે વખતે મંદિરના ઈન્ચાર્જ મેનેજર રવીન્દ્ર ઉપાધ્યાએ જણાવ્યું હતું કે અગાઉ પણ આ ઠરાવ થયો હતો અને અપીલ કરાઈ હતી. આજે પુનઃ આ નિર્ણય લઈ મંદિર પરિસરમાં પેમ્ફલેટો સહિત નોટિસ લગાવવામાં આવી છે અને ભક્તોને અપીલ કરાઈ છે.