બોટાદ નગરપાલીકાના પૂર્વ પ્રમુખ અલ્પાબેન સાબવા અને તેમના પતિ પાસના આગેવાન દિલીપ સાબવા આજે ફરીવાર કેશરીયો ધારણ કરશે. તેઓ પોતાના ટેકેદારો સાથે બોટાદથી કારના કાફલા સાથે નમો સંગમ યાત્રા લઈને ગાંધીનગર જવા રવાના થયા અને પ્રદેશ ભાજપ પ્રમુખના હસ્તે ભાજપમાં જોડાશે.
લોકસભા 2024ની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે દરેક રાજકીય પક્ષોમાં હલચલ જોવા મળી રહી છે. ત્યારે આજરોજ બોટાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અલ્પાબેન સબવા તેમજ તેમના પતિ દિલીપ સબવા કે જેઓ પાટીદાર અનામત આંદોલનના સંગઠન મંત્રી હતા તેઓ અને તેમના અલગ અલગ સમાજના ટેકેદારો આજરોજ બોટાદથી ગાંધીનગર સુધી કારના કાફલા સાથે નમો સંગમ યાત્રા દ્વારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલના અધ્યક્ષ સ્થાને વિધિવત જોડાશે.
અલ્પાબેન સાબવા કે જેઓ બોટાદ નગરપાલિકામાં બળવો કરી મેન્ડેડ વિરુદ્ધ પ્રમુખ બન્યા હતા. બોટાદ નગરપાલિકામાં ભાજપની 44માંથી 40 સીટ હોવા છતાં અલ્પાબેન સાબવાએ બળવો કરી પ્રમુખ બન્યા હતા. ત્યારબાદ થોડાક દિવસોમાં તેમને ભારતીય જનતા પાર્ટી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારે આજરોજ ફરી અલ્પાબેન સાબવા અને તેમના પતિ દિલીપ સાબવા સહિતના 100 જેટલા અલગ અલગ સમાજના આગેવાનો સાથે બોટાદથી ગાંધીનગર નમો સંગમ યાત્રા દ્વારા કારના કાફલા સાથે બોટાદથી ગાંધીનગર જઈને ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત જોડાશે.
ત્યારે દિલીપ સાબવાએ મીડિયાને જણાવ્યું હતું કે, ગુજરાતમાં એક માહોલ ઉભો થયો છે અને શરૂઆત રામ મંદિરથી થઈ હોય. ત્યારે વિચાર આવ્યો કે ફરી ઘર વાપસી કરવી જોઈએ અને તેને લઈને આજરોજ અમે ઘરે પરત આવ્યા છીએ. સમાજના અને નાના લોકોના કામ કરવા હોય તો પાર્ટીમાં જોડાવું જોઈએ અને જો તમે પાર્ટીમાં ન હોય તો ફક્ત સમાજના જ કામ થાય પણ અન્ય સમાજના લોકોને આશા હોય ત્યારે અમને થયું કે લોકોના કામ કરવા હોય તો પાર્ટીમાં જોડાવું પડશે.