રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ માટે વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે. સૌરાષ્ટ્રના સાંસદોએ કરેલી રજૂઆતને માન્ય રાખી કેન્દ્રીય મંત્રી દ્વારા અમદાવાદ સુધી આવતી પટના, પ્રયાગરાજ, કોલકતા, નાગપુર અને કોલ્હાપુર સહિત 6 એક્સપ્રેસ ટ્રેનોને અમદાવાદના બદલે રાજકોટ સુધી લંબાવવામાં આવી છે, જયારે આવનાર દિવસોમાં વધુ બેથી ત્રણ એક્સપ્રેસ ટ્રેન મળશે તેવો દાવો વ્યક્ત કરવામાં આવ્યો છે. આ સાથે જ વંદે ભારત ટ્રેન પણ રાજકોટ સુધી લંબાવવા સરકાર દ્વારા ટૂંક સમયમાં મંજૂરી આપવામાં આવશે તેવું રાજ્યસભાના સાંસદ દ્વારા કહેવામાં આવી રહ્યું છે.
6 લાંબા અંતરની ટ્રેનોને રાજકોટ સુધી લંબાવવાનો નિર્ણય
રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ જણાવ્યું હતું કે, મારી સાથે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના સાંસદો દ્વારા રાજકોટને લાંબા અંતરની ટ્રેન ફાળવવા માંગ કરવામાં આવી હતી, જે માન્ય રાખી અમદાવાદ -પ્રયાગરાજ એક્સપ્રેસ સહિત 6 લાંબા અંતરની ટ્રેનોને રાજકોટ સુધી લંબાવવા રેલ મંત્રાલય દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. કેન્દ્રીય રેલવેમંત્રી દર્શનાબેન જરદોશ દ્વારા આ અંગેની જાહેરાત કરવામાં આવી છે.
રાજકોટ સુધી લંબાવવામાં આવેલ ટ્રેનની વિગત
- ટ્રેન નં. 19421/22 અમદાવાદ – પટના એક્સપ્રેસ
- ટ્રેન નં. 22967/68 અમદાવાદ – પ્રયાગરાજ એક્સપ્રેસ
- ટ્રેન નં. 19413/14 અમદાવાદ – કોલકાતા એક્સપ્રેસ
- ટ્રેન નં. 11049/50 અમદાવાદ – કોલ્હાપુર એક્સપ્રેસ
- ટ્રેન નં. 22137/38 નાગપુર – અમદાવાદ એક્સપ્રેસ
- ટ્રેન નં. 12917/18 અમદાવાદ – હઝરત નિઝામુદ્દીન સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ.
સૌરાષ્ટ્રભરના લોકોને ફાયદો થશે
આ તકે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા જણાવ્યું હતું કે, રાજકોટને હજુ પણ વધુ એક્સપ્રેસ ટ્રેનો આગામી દિવસોમાં મળશે અને તે માટે સરકાર દ્વારા આગામી સમયમાં જાહેરાત પણ કરવામાં આવશે. રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર છે ત્યારે સૌરાષ્ટ્રભરના મુસાફરોને પટના, કોલકતા અને નાગપુર જેવા મોટા શહેરોમાં જવા માટે કનેક્ટિવિટી મળશે અને તેનો ફાયદો મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રભરના લોકોને થશે.