રાજકોટના રહેણાંક મકાનમાં રાત્રે ગેસનો બાટલો કોઈ કારણોસર સળગતા આગ ભભૂકી હતી. આ અંગેની જાણ થતાં ફાયર વિભાગનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. અંદાજે એકાદ કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ આગમાં લગભગ 20 હજારની મિલકતનું નુકસાન થયું હોવાનું પણ જાણવા મળ્યું છે.
આગની જાણ થતાં ફાયર કાફલો દોડતા થયો
મળતી માહિતી અનુસાર ગતરાત્રે નાનામૌવા મેન રોડ પર આવેલા શાસ્ત્રીનગરના ડી.216 નંબરના બ્લોક માં આગ લાગ્યાની જાણ થતાં તાત્કાલિક મવડી ફાયર સ્ટેશનથી એમ્બ્યુલન્સ અને ફાયર ટેન્કર સાથે ફાયર સ્ટેશન ઓફિસર અને ફાયર ફાઈટર જવાનો સહિતનો કાફલો દોડી ગયો હતો. આગ મકાનમાં પાછળ આવેલા નવેરામાં લાગી હતી. જેથી પાછળથી બીજા મકાનમાં જઈ ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવ્યો હતો. આશરે એકાદ કલાકની જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી.
20 હજારની મિલકતનું નુકસાન
આગમાં સફાઈ કરવાના ક્લીનર લિક્વિડના કેરબા, વેસ્ટ પૂઠા, ઇલેક્ટ્રિક મશીન સળગી ગયા હતા, જ્યારે ત્યાં પડેલા ગેસના બાટલમાં પણ આગની હિટ લાગી હતી. ત્યાં હાજર મકાનમાં રહેતા જયેશભાઈ વ્યાસે જણાવ્યું હતું કે, તેઓ ઘરે લિક્વિડ બનાવવાનું કામ કરે છે. જેથી નવેરામાં લિક્વિડના કેરબા પડ્યા હતા. જોકે આગ શોર્ટ સર્કિટથી લાગ્યાનું તારણ છે. પણ આ આગમાં ગેસનો બાટલો સળગતા આસપાસના લોકોમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો હતો. આ બનાવમાં આશરે 20 હજારની મિલકતનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું હતું.