રાજકોટ મનપાનાં ચોપડે રોગચાળાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં ડેન્ગ્યુ, શરદી-ઉધરસના કેસોમાં વધારો નોંધાયો છે. જ્યારે ચિકનગુનિયા અને ઝાડા-ઉલટીના કેસોમાં મામૂલી ઘટાડો થયો હતો. ગત સપ્તાહે ડેન્ગ્યુના 9 કેસો સામે ચાલુ સપ્તાહમાં 12 કેસ નોંધાયા છે. જ્યારે મેલેરિયાના પણ ગત સપ્તાહના 1ની સામે હાલ 2 કેસો નોંધાયા છે. તો શરદી-ઉધરસના કેસોમાં પણ ખાસ્સો વધારો છે. જોકે ચિકનગુનિયા તેમજ ઝાડા-ઉલટીનાં કેસોમાં મામૂલી ઘટાડો નોંધાયો હતો. હાલ સતત વધતા રોગચાળાને લઈને આરોગ્ય વિભાગ વધુ સતર્ક બન્યું છે અને પોરાનાશક-ફોગીંગની કામગીરી વધુ ઝડપી કરવામાં આવી છે.
વિવિધ બીમારી ના આંકડા
મળતી માહિતી અનુસાર રાજકોટમાં ડેન્ગ્યુનાં 9 કેસ અને શરદી-ઉધરસના 972 અને મેલેરિયાના 2 કેસ નોંધાયા છે. જોકે ચિકનગુનિયાના ગત સપ્તાહના 8 સામે ચાલુ સપ્તાહે માત્ર 4 કેસ નોંધાયા છે. આ ઉપરાંત તાવના કુલ 62 કેસ અને ઝાડા-ઉલટીના ગત સપ્તાહના 180 સામે ચાલુ સપ્તાહે 153 કેસ સહિત કુલ 1203 દર્દીઓ મનપાનાં ચોપડે નોંધાયા છે. જોકે ખાનગી હોસ્પિટલમાં આવતા દર્દીઓનો રેકોર્ડ ગણીએ તો સંખ્યા 3 ગણાથી વધુ હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી.
બીમારીના 1,203 કેસ નોંધાયા મનપાના ચોપડે
છેલ્લા એકાદ સપ્તાહથી શહેરની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ તેમજ મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જેમાં વિવિધ રોગોના મનપાનાં ચોપડે 1203 કેસ નોંધાઈ ચુક્યા છે. જોકે અન્ય ખાનગી હોસ્પિટલો તેમજ નાના-મોટા ક્લિનિકમાં નોંધાતા દર્દીઓની સંખ્યા જોઈએ તો માત્ર એક જ સપ્તાહમાં ત્રણે હજારથી વધુ દર્દી સામે આવ્યા છે. જેને લઈ આરોગ્ય વિભાગમાં ભારે દોડધામ મચી ગઇ છે અને રોગચાળો અટકાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ પગલાઓ લેવાઈ રહ્યા છે. તેમજ લોકોને પણ સાવચેતી રાખવા અને બહારનો ખોરાક નહીં લેવાની સૂચના આપવામાં આવી રહી છે.
રાજકોટ મનપાનો રોગચાળો અટકાવવા પ્રયાસ
મનપાનાં મેલેરિયા વિભાગના અધિકારી વૈશાલી રાઠોડે જણાવ્યું હતું કે, આરોગ્ય પડકારને પહોંચી વળવા રાજકોટ મનપા દ્વારા પ્રયાસો શરૂ કરાયા છે. જેમાં વાહક નિયંત્રણની કામગીરી હેઠળ 56 મેલેરિયા ફિલ્ડ વર્કર, 415 અર્બન આશા અને 115 વી.બી.ડી વોલેન્ટિયર્સ દ્વારા તારીખ 30 ઓક્ટોબરથી 05 નવેમ્બર દરમિયાન 77,959 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. 4,199 ઘરોમાં ફોગીંગ સહિતની જરૂરી કામગીરી કરવામાં આવી છે. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારમાં વ્હીકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. જેમાં વિવિધ વિસ્તારોમાં મચ્છર ઉત્પતિ સબબ બાંધકામ સાઈટ, સ્કૂલ, કોલેજો સહિત અંદાજે 485 પ્રીમાઈસીસ અને રહેણાંકમાં 242 તો કોર્મશીયલ 34 આસામીઓને નોટીસ આ૫વામાં આવી છે. તેમજ 18 આસામીઓ પાસેથી 18,250નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો.
જનસમુદાયમાં રોગચાળો ફેલાવવાનું જોખમ
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ડેન્ગ્યૂ એડીસ મચ્છર દિવસના સમયે અને એકસાથે વધુ લોકોને કરડી જતો હોવાથી, વધુ જનસમુદાય હોય તેવા સ્થેળોએ આવા રોગ ફેલાવવાનો જોખમ વઘુ છે. જોકે મચ્છરનું જીવનચક્ર ટૂંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાસ્થય પ્રત્યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્૫તિ ઘણી વધી જાય છે. તેને લઈને રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે.